મંદિરોના નામે જમીનના ધંધા નહીં ચાલે:ગુજરાતમાં મંદિરોની જમીનના વેચાણ પર રોક લાગશે, ખોટી રીતે વેચાયેલી મંદિરની જમીનો પણ શ્રી સરકાર કરાશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારના પરામર્શ વિના ચેરિટી કમિશનર ટ્રસ્ટોની જમીનોના વેચાણને મંજૂરી આપી શકશે નહીં
  • રાજ્ય સરકારના પરામર્શ વિના ચેરિટી કમિશનર ટ્રસ્ટોની જમીનોના વેચાણને મંજૂરી આપી શકશે નહીં

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે, મંદિરોની જમીનો મુદ્દે મોટો નિર્ણય લેવા જઈ રહી છે. સરકાર મંદિરોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેશે. જેમાં મંદિરોની જમીનનું વેચાણ નહીં થઈ શકે. માત્ર એટલું જ નહીં અગાઉ ખોટી રીતે વેચાયેલી જમીન પણ શ્રી સરકાર કરાશે. ટૂંક સમયમાં જ તમામ કલેક્ટરોને આ દિશામાં કાર્યવાહી કરવા સૂચના અપાશે. આ મામલે મંદિરોની જમીનનું વેચાણ અને એન.એ.(બિન ખેતી) કરવામાં આવી હોય તે વિગતો સરકારે કલેકટરો પાસે માંગી છે.

કલેકટર કે રેવન્યૂ અધિકારીનો અભિપ્રાય જરૂરી બનશે
રાજ્યભરમાં સાર્વજનિક ટ્રસ્ટો પાસે કરોડો રૂપિયાની જમીનો સહિત સ્થાવર મિલકતો છે પણ સાર્વજનિક ટ્રસ્ટો દ્વારા સમાંયતરે ચેરિટી કમિશનર પાસે ખાનગી જમીનો વેચાણ માટેની મંજૂરીઓ માગવામાં આવે છે. પરંતુ હવે રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ચેરિટી કમિશનર મંજૂરી આપે તે પહેલાં કલેકટર કે રેવન્યૂ અધિકારીનો અભિપ્રાય મેળવે તેવી વ્યવસ્થા ઉભી કરવા પટેલ સરકારમાં વિચારણા ચાલી રહી છે. જેમાં રાજ્ય સરકારના પરામર્શ વિના ચેરિટી કમિશનર ટ્રસ્ટોની જમીનોના વેચાણને મંજૂરી આપી શકશે નહીં.

કેટલાંક ટ્રસ્ટો દ્વારા ખાનગી જમીનોના વેચાણમાં નફો રળવાની પ્રવૃત્તિ
ગુજરાતમાં નવી પટેલ સરકાર પાસે આવેલી ફરિયાદો અને રજૂઆતોના આધારે મહેસૂલ વિભાગે ગંભીરતાથી ચેકિંગ કરતા કેટલાંક ટ્રસ્ટો દ્વારા ખાનગી જમીનોના વેચાણ કરવામાં નફો રળવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે જેની ઉપર અંકુશ લગાડવો જરૂરી છે.

રેવન્યૂ રેકર્ડમાં વારસાઇ કરી જમીન બારોબારી વેચી દેવાતી
મહેસૂલ વિભાગની ચકાસણીમાં એવું પણ બહાર આવ્યું હોવાનું જાણવા મળે છે કે, રાજ્યભરમાં ધાર્મિક સ્થાનોના નામે કરોડો રૂપિયાની જમીનો આવેલી છે. જોકે, મોટાભાગના કિસ્સામાં ધાર્મિક સ્થાનના નામની સાથે વહીવટકર્તાનું નામ પણ રેવન્યૂ રેકર્ડમાં ચાલતું હતું, જેના કારણે કેટલાંક વિવાદ થતા હતા. જ્યારે આવા રેવન્યૂ રેકર્ડમાં વારસાઇ કરી દેવાતી હતી, જેથી જમીનનું બારોબાર વેચાણ પણ કરી દેવાતું હતું.

2010માં ધાર્મિક સંસ્થાઓની જમીનોના વેચાણ ઉપર પ્રતિબંધ મુકાયો
અગાઉ આ પ્રવૃત્તિને રોકવા માટે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તા.9 એપ્રિલ 2010ના રોજ એક મહત્ત્વનો પરિપત્ર કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગુજરાતભરમાં ધાર્મિક સંસ્થાઓની જમીનોના વેચાણ ઉપર પ્રતિબંધ મુકી દેવાયો હતો. ધાર્મિક સંસ્થા કે ધાર્મિક દેવસ્થાનોના નામે હોય તેવી જમીનના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવી દેવાયો હતો. કેટલાંક કિસ્સામાં એવું ધ્યાને આવ્યું હતું કે, રેવન્યૂ રેકર્ડમાં માત્ર ધાર્મિક સ્થાનનું નામ ચાલતું હોય છે તેવા કિસ્સામાં ટ્રસ્ટ બનાવવામાં આવે છે પછી ટ્રસ્ટની નોંધણી કરવામાં આવે છે અને ટ્રસ્ટની નોંધણી થયા બાદ આ જમીનોના રેવન્યૂ રેકર્ડમાં ટ્રસ્ટીઓના નામ ચઢાવવામાં આવતા હોય છે.

હાલ ચેરિટી કમિશનરની મંજૂરીથી થાય છે જમીનનું વેચાણ
આ ટ્રસ્ટો દ્વારા ધાર્મિક સ્થાનોને દાનમાં મળેલી જમીનોના વેચાણની ચેરિટી કમિશનર પાસે મંજૂરી માગવામાં આવે છે પછી ચેરિટી કમિશનરની મંજૂરી લઇને પણ આવી જમીનોનું વેચાણ થતું હોય છે. પરિણામે મહેસુલ વિભાગ ધાર્મિક સ્થાનો કે ધાર્મિક કે સખાવતી સંસ્થાઓની જમીનોના વેચાણને મંજૂરી આપવામાં રેવન્યૂ અધિકારીઓનો અભિપ્રાય મહત્ત્વનો બનાવવા માગે છે.

અન્ય સમાચારો પણ છે...