નિર્ણય:10 નવેમ્બરથી 31 મે સુધી સવારે 9થી સાંજે 6 સુધી એરપોર્ટનો રનવે બંધ રહેશે, 3.6 કિમી લાંબો રનવે નવેસરથી બનાવાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 70 જેટલી ફ્લાઈટોનો શિડ્યુલ બદલાશે

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીને સોંપાયા બાદ 3.6 કિલોમીટર લાંબો રનવે નવેસરથી બનાવવામાં આવશે. જેથી 10 નવેમ્બરથી 31 મે સુધી સવારે 9થી સાંજે 6 સુધી ફ્લાઈટોના સંચાલન માટે રનવે બંધ રહેશે.

આ સમય દરમિયાન એરપોર્ટ પર આવતી 70 ફલાઈટોના સમયમાં ફેરફાર કરાશે. કેટલીક ફ્લાઈટોનો સમય સવારે 9 પહેલા કરાશે જ્યારે કેટલીકનો સાંજે 6 વાગ્યા બાદનો કરાશે તો અમુક ફ્લાઈટ વડોદરા કે રાજકોટ ડાઈવર્ટ કરાશે. 5 વર્ષ પહેલા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ અમદાવાદ એરપોર્ટના રનવેનું 30 કરોડના ખર્ચે રિસર્ફેશિંગ કર્યું હતું. ચોમાસામાં રનવે તૂટવાની સાથે ફ્લાઈટોના ટાયર સાથે થતાં ઘર્ષણના કારણે રનવે તૂટી જતા મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવી હતી.

ખાનગી કંપની અદાણીએ એરપોર્ટનું સંચાલન હાથમાં લીધા બાદ એપ્રિલમાં 10 દિવસ માટે બપોરના સમયે રનવે બંધ રાખી રિપેરિંગ કામગીરી કરવામાં આવી હતી. હાલમાં કંપનીએ રનવે બંધ કરવા માટે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ની મંજૂરી માંગી છે. હાલમાં અમદાવાદ એરપોર્ટ પરથી દરરોજ 180થી વધુ ફ્લાઈટોનું સંચાલન થઈ રહ્યું છે. જેમાં સરેરાશ 20 હજાર જેટલા પેસેન્જરો અવર-જવર કરી રહ્યા છે.

અમદાવાદ - ચેન્નઈ ફ્લાઈટ 3.30 કલાક મોડી પડતા પેસેન્જરોને હાલાકી
અમદાવાદથી સાંજે 19.50 વાગે ઉપડી ચેન્નઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ એસજી 955 બુધવારે સાંજે લગભગ 3.30 કલાક મોડી પડી હતી. ફ્લાઈટ પકડવા સાંજે 5.30 વાગ્યા સુધી પહોંચી ગયેલા પેસેન્જરોને એરપોર્ટ પર 4થી 5 કલાક સુધી બેસી રહેવાનો વારો આવ્યો હતો. જ્યારે ગોએર અને ઈન્ડિગોની મળી 4 ફ્લાઈટ રદ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...