રિકાર્પેટિંગ:અમદાવાદ એરપોર્ટ પર નવેમ્બરથી રન-વે છ માસ માટે સવારે 10થી સાંજે 5 સુધી બંધ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેટલીક ફ્લાઈટો સવારે 10 પહેલાં અને કેટલીક સાંજે 5 પછી ઓપરેટ કરાશે. - Divya Bhaskar
કેટલીક ફ્લાઈટો સવારે 10 પહેલાં અને કેટલીક સાંજે 5 પછી ઓપરેટ કરાશે.
  • 3.5 કિમી લાંબા રન-વેનું 4 વર્ષ બાદ રિકાર્પેટિંગ થશે
  • સમારકામને લીધે અંદાજે 60 ફ્લાઈટનું સમયપત્રક બદલાઈ શકે છે

929 એકર એરિયામાં ફેલાયેલા સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના 3505 મીટર લાંબા રનવેનું નવેસરથી રિકાર્પેટિંગ કરાશે. હાલમાં કેટલીક ટેક્નિકલ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નવેમ્બરથી 6 મહિના સુધી રનવે સવારે 10થી સાંજે 5 સુધી ફ્લાઈટ સંચાલન માટે બંધ રાખી રિકાર્પેટિંગ કામ કરાશે. અગાઉ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 2017માં 29 કરોડના ખર્ચે રિકાર્પેટિંગ કર્યું હતું.

અમદાવાદ એરપોર્ટ પર 2017માં 150 જેટલી ફ્લાઈટોનું સંચાલન થતું હતું. અમદાવાદથી અનેક શહેરોને જોડતી નવી ફ્લાઈટો શરૂ કરાતા હાલમાં ફ્લાઈટોની સંખ્યા 250 થઈ ગઈ છે. અમદાવાદના એવીપીઆઈ એરપોર્ટથી કાર્ગો મુવમેન્ટ પણ વધવાની સાથે ઈન્ટરનેશનેલ ડેલિગેશનોની મુવમેન્ટ વધતા એરપોર્ટ ફ્લાઈટોથી સતત ધમધમતું રહે છે. રનવે સતત વ્યસ્ત રહેતા જ્યાં ફ્લાઈટો લેન્ડિંગ કરે છે કે ટેકઓફ કરે છે એ એરિયામાં રનવે પર ફ્લાઈટના ટાયરનું ઘર્ષણ વધુ થાય છે. જેના પગલે ટાયરો ઘસાતા એ જગ્યાએ વારંવાર ટાયરનું રબર ગરમ થઈ ચોંટી જાય છે. જેને દર સપ્તાહે થતી મેન્ટેનન્સ કામગીરી દરમિયાન ખાસ મશીન દ્વારા દૂર કરી રનવેને ક્લિયર કરાય છે.

કેટલીક ફ્લાઈટો રદ થવાની શક્યતા
રનવેના રિકાર્પેટિંગ દરમિયાન તમામ એરલાઈન્સ સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી ફ્લાઈટોનું સંચાલન બંધ રાખશે. આ સમય દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી સંચાલિત થતી 60 ફ્લાઈટોને રિશિડ્યુલ કરાશે. જેમાં કેટલીક ફ્લાઈટો સવારે 10 પહેલાં અને કેટલીક સાંજે 5 પછી ઓપરેટ કરાશે. જ્યારે કેટલીક ફ્લાઈટોનું સંચાલન રદ પણ કરાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...