અમદાવાદ:રિક્ષાચાલકોની હડતાલ નિષ્ફળ ગઈ, શહેરના તમામ રસ્તાઓ પર રિક્ષાઓ ફરતી જોવા મળી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • રાહત પેકેજની માંગણી સાથે અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાલની જાહેરાત કરવામાં આવી હતી

કોરોના મહામારીને કારણે બે મહિના લોકડાઉનમાં રિક્ષાચાલકોના ધંધા-રોજગાર પર પણ અસર પડી હતી. જેના માટે રિક્ષાચાલક યુનિયન દ્વારા રાજ્ય સરકાર રાહતનું પેકેજ આપે તેવી માંગણી સાથે આજે અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાલની જાહેરાત કરવામાં આવી હતી. જોકે આજે સવારથી જ એક દિવસની હડતાલ નિષ્ફળ ગઈ છે. શહેરના તમામ રસ્તાઓ પર રિક્ષાઓ ફરતી જોવા મળી રહી છે. લાંબા સમય સુધી લોકડાઉનના કારણે રિક્ષાચાલકોને ઘણું નુકસાન ગયું છે જેથી અનેક રિક્ષાચાલકો હડતાલના મૂડમાં નથી. અત્યારે તો તેમની સમક્ષ આજીવિકાનો મોટો પ્રશ્ન છે. વળી જેમણે હપ્તેથી રીક્ષાઓ ખરીદી છે તેમને હપ્તા ભરવાના ચઢી ગયા છે આવા સંજોગોમાં હડતાલ કઈ રીતે પોષાય તેમ રીક્ષા ચાલકો જણાવી રહ્યાં છે.

આજે એક દિવસની હડતાલ બાદ જો પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો 10મી જુલાઇએ જીએમડીસી ખાતે સભાનું આયોજન કરવામાં આવશે અને તે બાદ વધુ હડતાલની જાહેરાત કરવામાં આવશે.રિક્ષાનાં વિવિધ યુનિયનોની આગેવાન અશોક પંજાબીની અધ્યક્ષતામાં અમદાવાદ જિલ્લા કલેક્ટર અને આર.ટી.ઓ. સમક્ષ રિક્ષા ચાલકોને તત્કાળ આર્થિક સહાય આપવા ઉગ્ર રજૂઆતો કરી હતી. છેલ્લા અઢી મહિનાથી રિક્ષા ચાલકો ધંધો ન કરી શકતા હવે તેઓએ સરકાર પાસે રાહત પેકેજની માગણી કરી છે. રિક્ષા યુનિયનો વતી તેમના પ્રમુખ અશોક પંજાબીએ જણાવ્યું હતુ કે, અમે પોતાના વ્યાજબી હકો માટે તેમજ અસહનીય દમન સામે શાંતિપૂર્ણ અને અહિંસક દેખાવ પણ યોજી શકતા નથી. સરકાર આગામી 15 દિવસમાં રિક્ષા ચાલકો માટે આર્થિક સહાય પેકેજ જાહેર કરે તેવી રજૂઆત કરવામાં આવી છે. રિક્ષા ચાલકોના યુનિયનોનુ કહેવું છે કે, દિલ્હી-તેલંગાણા વગેરે રાજ્યોમાં સરકારે રિક્ષા ચાલકોને સહાય પેકેજ આપ્યું છે, ગુજરાતમાં ત્રણ મહિના લેખે રિક્ષા ચાલકોને 15 હજાર સહાય આપવી જોઈએ, તેમના વીજ બિલ બાળકોની સ્કૂલ ફી, મ્યુનિસિપલ ટેક્સ બિલ માફ કરવાની માગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...