1.40 લાખ વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થશે:ધો-12 સાયન્સનું આવતીકાલે સવારે 8 વાગ્યે પરિણામ, બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન જાહેર થશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • આ પરિણામ સવારે 8 વાગ્યે result.gseb.org પર જાહેર કરવામાં આવશે
  • સ્કૂલોનું પરિણામ સ્કૂલના ઈન્ડેક્સ નંબર અને પાસવર્ડથી લોગિન કરી ડાઉનલોડ કરી શકાશે

ધોરણ 10ના પરિણામ બાદ ધોરણ 12ના વિદ્યાર્થીઓ આતુરતાથી રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે 12 સાયન્સના વિદ્યાર્થીઓની આતુરતાનો 17મી જુલાઈએ અંત આવી જશે. આવતીકાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરિણામ સવારે 8 વાગ્યે result.gseb.org પર જાહેર કરવામાં આવશે. સ્કૂલોનું પરિણામ સ્કૂલના ઈન્ડેક્સ નંબર અને પાસવર્ડ દ્વારા લોગિન કરી ડાઉનલોડ કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારે ધો. 12 સાયન્સના 1.40 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે.

માર્કશીટ તૈયાર કરવાની ફોર્મ્યુલા માસ પ્રમોશન આપ્યા બાદ ગુજરાત બોર્ડે ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર કર્યું હતું. આ ફોર્મ્યુલા પ્રમાણે ધો.10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે.

માર્કશીટ તૈયાર કરવાની ફોર્મ્યુલા
માર્કશીટ તૈયાર કરવાની ફોર્મ્યુલા

પરિણામથી અસંતોષ હોય તો 15 દિવસમાં માર્કશીટ જમા કરાવવી
ધોરણ 12ના તમામ પ્રવાહના નિયમિત ઉમેદવાર માટે સરકાર દ્વારા ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવશે. આ પરિણામ પ્રસિદ્ધ થયા બાદ કોઈ વિદ્યાર્થીને પરિણામથી અંસતોષ હોય તો તેવા વિદ્યાર્થી પરિણામ પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે. આ અંગેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

કેમિસ્ટ્રી-ફિઝિક્સ માટે ધો.10ના ગણિત અને વિજ્ઞાનના માર્ક ગણતરીમાં લેવાશે

  • ધો.12 વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ -એ ના વિદ્યાર્થીઓને ગણિત વિષય સામે ધો.10માં ગણિતના વિષયમાં મેળવેલા ગુણ ધ્યાને લેવાશે
  • ધો.12 વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ-બીના વિદ્યાર્થીઓને જીવ વિજ્ઞાનના ગુણ ધો.10ના વિજ્ઞાન વિષયમાં મેળવેલા ગુણને ધ્યાને લેવાશે.
  • ધો.12 વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ - એબીના વિદ્યાર્થીઓને ગણિતના ગુણ માટે ધો.10ના ગણિતના ગુણ ધ્યાને લેવાશે. જ્યારે જીવ વિજ્ઞાનના ગુણ ધો.10ના વિજ્ઞાનના ગુણ ધ્યાને લેવાશે.
  • ધો.12 રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન માટેના ગુણ માટે ધો.10ના ગણિત અને વિજ્ઞાનના સરેરાશ ગુણને ધ્યાને લેવાશે.
  • ધો.12 સામાન્ય પ્રવાહમાં પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષાના ગુણને ધો.10ની પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષાના ગુણને ધ્યાને લેવાશે.

પ્રેક્ટિકલના માર્ક માટે આ ફોર્મ્યુલા
ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાના ગુણમાં વિદ્યાર્થીએ ધો.11 અને 12ના વર્ષ દરમિયાન કરેલી પ્રવૃત્તિ ધ્યાને લેવાશે. બોર્ડના પરિપત્ર પ્રમાણે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પ્રાયોગિક પરીક્ષાના ગુણ માટે વિદ્યાર્થીએ ધો.11 અને 12માં વર્ષ દરમિયાન કરેલી પ્રાયોગિક પ્રવૃત્તિને આધારે ગુણ આપવાના રહેશે.

અંગ્રેજીના માર્ક વિદ્યાર્થીએ ધો.10માં મેળવેલા ઈંગ્લિશના માર્ક મુજબ મુકાશે
ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી (પ્રથમ ભાષા) અને અંગ્રેજી દ્વિતીય ભાષાના ગુણ માટે ધો.10માં વિદ્યાર્થીએ અંગ્રેજી (પ્રથમ ભાષા) અને અંગ્રેજી (દ્વિતીય ભાષા)ના ગુણને ગણતરીમાં લેવાશે. ઉપરાંત કોઇ એક દ્વિતીય ભાષા અથવા કમ્પ્યૂટર વિષયના ગુણ માટે ધો.10મા વિદ્યાર્થીએ પસંદ કરેલ દ્વિતિય ભાષા અથવા તૃતિય ભાષામાં મેળવેલા ગુણને ગણતરીમાં લેવાશે.