હું 1947નું હિન્દુસ્તાન બોલું છું... પ્રથમ કડી:દિલ્હીમાં પ્રજાસત્તાક ગૂંજતું હતું અને લંડનથી માઉન્ટબેટનને મોકલવાની તૈયારી હતી

અમદાવાદ7 દિવસ પહેલા
  • 15 ઓગસ્ટ, 1947 સુધીમાં આઝાદી કયા માર્ગે મળી... 15 હપ્તામાં વાંચો આખી દાસ્તાન

1947... જશ્ન અને જખ્મનું વર્ષ. જાન્યુઆરીથી 15 ઓગસ્ટ, 1947 દરમિયાન હિન્દુસ્તાનમાં જે કંઇ થયું તે ઇતિહાસનાં પાનાંમાં અમર થઇ ગયું. ત્યારે દિલ્હીથી લંડન સુધી કેવી ઊથલપાથલ મચી હતી તે 1947ના હિન્દુસ્તાનના શબ્દોમાં જણાવી રહ્યા છે ડૉ. ધનંજય ચોપડા. લેખક અલ્હાબાદ યુનિવર્સિટીના સેન્ટર ઓફ મીડિયા સ્ટડીઝમાં કોર્સ કોઓર્ડિનેટર છે.

15 કહાનીઓની આ શ્રેણીની પહેલી કડી...
જી હા. હું 1947નું હિન્દુસ્તાન બોલી રહ્યું છું અને મારે બોલવું પડી રહ્યું છે, કેમ કે જાન્યુઆરીથી 15 ઓગસ્ટ દરમિયાનનો એ સૌથી ચમકદાર અને સૌથી દાગદાર સમય મારા પર કેવી રીતે વીત્યો એ હું જ જાણું છું. એક તરફ મારું શરીર લોહીની લાલીથી લથબથ હતું તો બીજી તરફ હોળીના ગુલાલમાં નાહી રહ્યું હતું. જાન્યુઆરીનો એ દિવસ મને સારી રીતે યાદ છે.

કૂણો તડકો હતો... તારીખ હતી- 22 જાન્યુઆરી 1947, દિવસ- બુધવાર, સમય- સવારે 11 વાગ્યે. સ્થળ- દિલ્હી. બંધારણસભા કક્ષમાં બંધારણસભાના સભ્યો એકત્ર થયા હતા. પ્રસંગ હતો એ ઉદ્દેશ પ્રસ્તાવ પસાર કરવાનો કે જે ડિસેમ્બર, 1946માં ડૉ. રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં મળેલી બંધારણસભામાં 210 સભ્યની હાજરીમાં પંડિત જવાહરલાલ નેહરુએ રજૂ કર્યો હતો. તે પાસ થતાં જ હિન્દુસ્તાનીઓને એ હુંકાર અંગ્રેજો સહિત આખી દુનિયાએ સાંભળી લીધો હતો કે હું એક પૂર્ણ સાર્વભૌમત્વ સંપન્ન પ્રજાસત્તાક બનીશ, જે પોતાનું બંધારણ જાતે બનાવશે.

એવું પણ નક્કી થયું હતું કે મારામાં એવા તમામ ક્ષેત્રો સામેલ થશે, જે હાલ બ્રિટિશ ભારતમાં છે કે દેશી રજવાડાંમાં છે કે તે બંનેની બહાર એવા ક્ષેત્રમાં છે કે જે મારામાં જોડાવવા ઇચ્છે છે. એક તરફ દરેક ગલી, દરેક વળાંક, દરેક ઘરમાં, દરેક જીભ પર આઝાદીની ઉજવણીના ગીતો ગણગણાતા હતા. બીજી તરફ હૈદરાબાદ અને કાશ્મીર જેવા અમુક રજવાડા એવા પણ હતા કે જેમને પોતાની આઝાદી જોખમાતી દેખાતી હતી અને તેઓ બળવાનું વલણ અપનાવી રહ્યા હતા.

બીજી બાજુ લંડનના લોકોને જાન્યુઆરીની તે ઠંડી વધારે કાતિલ લાગી રહી હતી. હાડ થીજવતી ઠંડી વચ્ચે બ્રિટનના વડાપ્રધાન ક્લિમેન્ટ એટલીએ માઉન્ટબેટનને તેમના નિવાસ 10 ડાઉનિંગ સ્ટ્રિટ બોલાવી જણાવી દીધું હતું કે વાયસરોય બનાવી ભારત મોકલવામાં આવી રહ્યા છે અને તેમણે આઝાદીના આ માર્ગને સરળ બનાવવાનું કામ કરવાનું છે. જાન્યુઆરીના આ દિવસોમાં જ્યારે સંપૂર્ણ દુનિયા નવા વર્ષની ઉજવણી કરી રહી હતી તો બાપુ નોઆખલીના શ્રીરામપુરમાં હતા.

તે દુ:ખી હતા કે જ્યારે આપણે આઝાદીની આટલી નજીક પહોંચી ગયા છીએ ત્યારે આપણે ખુદને કોમી રમખાણોની આગમાં હોમી રહ્યા છીએ. મને યાદ છે કે 16 ઓગસ્ટ, 1946ના રોજનો તે મનહૂસ સમય જ્યારે મોહમ્મદ અલી ઝીણાએ “ડાઈરેક્ટ એક્શન’ ની જાહેરાત કરી હતી અને તેમની આ જાહેરાત બાદ સંયુક્ત બંગાળમાં રમખાણો શરૂ થઈ ગયા હતા. તેમાં મારા 5 હજારથી વધુ સપૂતોનો જીવ જતો રહ્યો. ઘાયલોને તો સાચો આંકડો પણ ન મળી શક્યો.

કાલે વાંચો : કેવી રીતે ઝીણાએ ભાગલાની જીદ કરી હતી...

અન્ય સમાચારો પણ છે...