તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:બાવળામાં PM અને આદિન જૂથ આવાસ યોજનાના લાભાર્થીઓની બાકી ગ્રાન્ટ અટવાઇ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ જિલ્લામાં પીએમ આવાસ અને આદિન જૂથ આવાસની ગ્રાન્ટ આવી નહીં હોવાથી  લાભાર્થીઓના હપ્તાની બાકી રકમ અટવાઇ પડી. - Divya Bhaskar
અમદાવાદ જિલ્લામાં પીએમ આવાસ અને આદિન જૂથ આવાસની ગ્રાન્ટ આવી નહીં હોવાથી લાભાર્થીઓના હપ્તાની બાકી રકમ અટવાઇ પડી.
  • ગ્રાન્ટ પણ નહોતી અને ગ્રાન્ટ આવી તો સ્ટાફના અભાવે રકમ ફાળવાતી નથી : જિલ્લા કોંગ્રેસ

અમદાવાદ જિલ્લામાં પીએમ આવાસ અને આદિન જૂથ આવાસની ગ્રાન્ટ આવી નહીં હોવાથી લાભાર્થીઓના હપ્તાની બાકી રકમ અટવાઇ પડી છે. બાવળામાં 50 લાભાર્થીઓ 50 ટકા ચણતર કરીને ગ્રાન્ટની રાહ જોઇ રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ સદસ્યએ આક્ષેપ કર્યો હતો કે, તાલુકામાં ગ્રાન્ટની રકમ પણ નહોતી અને ગ્રાન્ટ આવી તો સ્ટાફના અભાવે રકમ ફાળવણી અટકી છે.

કોંગ્રેસના પૂર્વ સદસ્ય બાબુ પઢારે કહ્યું કે, બાવળામાં આદિજાતિ પઢારને આદિન જૂથ આવાસ હેઠળ મકાન બનાવવા ગ્રાન્ટ અપાતી હોઇ, લાભાર્થીઓએ ઉત્સાહથી પોતાનું મકાન બનાવવાની શરૂઆત કરી 50 ટકા કામ પૂરું પણ કરી નાખ્યુ હતું. શરૂઆતની ગ્રાન્ટ સરળતાથી મળી ગઇ, પરંતુ હવે 50 ટકા કામ પૂરું થતાં ગ્રાન્ટ ફાળ‌વણીમાં ધાંધિયા શરૂ થયા છે.

સરકારી ગ્રાન્ટના અભાવે લાભાર્થીઓ મકાનના છાપરાં નખાવી શકતા નથી, તેથી પોતાના પરિવાર સાથે મકાનની બહાર ખુલ્લામાં તાડપતરી બાંધીને રહે છે. ચોમાસું શરૂ થયું હોવા છતાં લાભાર્થીને પોતાનું મકાન બાંધી કાચા મકાનમાં રહેવું પડે છે, ને ખુલ્લામાં રસોઇ કરવી પડે છે. લાભાર્થીઓએ ગ્રાન્ટ માટે સ્થાનિક તાલુકા કચેરીમાં વારંવાર રજૂઆત કરી છતાં કોઇ સાંભળતું નથી.

સરકારે ચોમાસા પૂર્વે ગ્રાન્ટની રકમ મળી જાય તેવું આયોજન કરવું જોઇએ. ડીડીઓ અને જિલ્લા કલેક્ટર આવાસ યોજનાની જાહેરાત મોટા ઉપાડે કરે છે. પરંતુ સ્ટાફના અભાવે ગ્રાન્ટ ફાળવણી ન કરાતાં ઉચ્ચ અધિકારીઓ પણ કોઇ પગલાં ભરાતા નથી. લાભાર્થીઓને ઝડપથી ગ્રાન્ટ અપાય તે માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.

ગ્રાન્ટ ફાળવણી શરૂ કરાઇ
ગ્રાન્ટ આવી નહીં હોવાથી પીએમ આવાસ અને આદિનજૂથ આવાસ યોજના હેઠળના લાભાર્થીઓને હપ્તાની રકમ ફાળવી શકાઇ નહોતી. હવે ગ્રાન્ટ આવી જતાં ફાળ‌વણી શરૂ કરી છે. સ્ટાફના અભાવે ગ્રાન્ટ ફાળવણીમાં મુશ્કેલી સર્જાઇ હતી. - મૌલિક દેસાઇ, ટીડીઓ, બાવળા

અન્ય સમાચારો પણ છે...