વરવી વાસ્તવિકતા:પબ્લિક પાસે પૈસા નથી, પૈસા હોય તો પણ હોસ્પિટલો પાસે બેડ નથી ને સરકાર પાસે વેક્સિન નથી!

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની બીજી લહેરમાં ગુજરાત ઉંઘતુ ઝડપાયું, સૌથી વધુ અસર લોકોની આમદની પર નોકરી-ધંધા સાવ ઠપ્પ
  • હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે, પૈસા આપતા પણ જગ્યા નથી મળતી, વેક્સિનેશનનું શું થશે તે અંગે પણ પ્રશ્નાર્થ

કોરોના એક વર્ષ પહેલા આવ્યો તે સમયે તો તેના વાઈરસની વર્તણૂંક અને ઈલાજની ટેકનોલોજી વિશે આપણને ખાસ કોઈ ખ્યાલ નહોતો. એક વર્ષ દરમિયાન ઘણા ઉતાર-ચઢાવ વચ્ચે દેશમાં વાઈરસના મ્યુટેશન બદલાયા અને ઈલાજની સ્થિતિમાં પણ સુધારો થયો. પરિણામે ગત માર્ચથી જુલાઈ સુધી જે મૃત્યુદર હતો તેમાં આ વર્ષના ઉત્તરાર્ધમાં ઘણો ઘટાડો થયો હતો. પરંતુ આ વર્ષે માર્ચ આવતા સુધીમાં ફરી કોરોનાની બીજી લહેર આવી. પરંતુ આ વખતે તો એકાએક આપણે તદ્દન નિઃસહાય સ્થિતિમાં મૂકાઈ ગયા છે.

છેલ્લા એક વર્ષમાં નોકરી-ધંધાની એવી તે પથારી ફરી ગઈ છે કે લોકો પાસે જે બચતો હતી તે પણ ધોવાઈ ગઈ છે. બીજીતરફ અત્યારે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશની હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે અને હવે તો સરકાર પાસે કોરોનાની વેક્સિન પણ ખૂટી પડી હોવાના સમાચાર મળી રહ્યા છે. આ બધું એક ભયાવહ સ્થિતિ તરફ ઈશારો કરે છે.

કપડા વેચતા નાના વેપારીની ફાઈલ તસવીર.
કપડા વેચતા નાના વેપારીની ફાઈલ તસવીર.

લોકોના નોકરી-ધંધાની એક વર્ષમાં તો પથારી ફરી ગઈ
કોરોના આવ્યો ત્યારે લગભગ અઢી મહિના સુધી દેશમાં લોકડાઉન રહ્યું હતું. આ લોકડાઉનમાં દેશ આખો થંભી ગયો હતો જે દેશના અર્થતંત્રની કરોડરજ્જુ મેન્યુફેક્ચરિંગ છે તેવા ભારતમાં એક સોય પણ બની શકી નહોતી. આ લોકડાઉન દરમિયાન અને તે પછીના ભયાનક દૃશ્યો આજે પણ ભૂલી શકાય તેમ નથી. તે સમયે પડી ભાંગેલા વેપાર-ધંધા હજી સુધી સરખા થઈ શક્યા નથી. નોકરીઓમાં તો રીતસરની ઓટ આવી ગઈ અને બધેથી માણસોને છૂટા કરવા માંડ્યા. આવામાં લોકો પાસે જે બચતો હતી તેનું પણ ધોવાણ થઈ ગયું. આવામાં સરકાર હવે નાની બચતના વ્યાજદરોમાં પણ કાપ મૂકવાની પેરવી કરી રહી છે.

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

હોસ્પિટલોમાં 'નો-વેકેન્સી', દર્દીઓ ભગવાન ભરોસે
કોરોનાએ સૌથી મોટી પાળ પીટી હોય તો તે હેલ્થકેર સેક્ટરની છે. અત્યારે જે સ્પીડે કોરોના પેશન્ટોમાં વધારો થઈ રહ્યો છે તેને જોતાં આરોગ્ય ક્ષેત્રનું માળખું પડી ભાંગવાના આરે છે તેવું પણ કહી શકાય. ખાનગી હોસ્પિટલો તો ઠીક પરંતુ ગરીબ માણસનો છેલ્લો આશરો ગણાતી સિવિલ તથા અન્ય સરકારી હોસ્પિટલોમાં પણ હવે તો કોરોના પેશન્ટો માટે જગ્યા નથી. ના તો પાડી ન શકાય, તે માટે હોસ્પિટલોમાં હવે કોરોના પેશન્ટોને બે દિવસમાં સહેજ ઠીક થાય એટલે 'ઘરે જઈને આઈસોલેશનમાં રહેજો... આ દવાઓ લેજો અને મોટી તકલીફ થાય તો જ આવજો' કહીને રવાના કરી દેવા પડી રહ્યા છે. આવામાં હોસ્પિટલમાં આવતા અને વિદાય લઈ રહેલા બંને પ્રકારના દર્દીઓના જીવ દાવ પર લાગ્યા છે.

સરકારે ફ્રંટલાઈન વોરિયર્સને અપાતી વેક્સિન બંધ કરી દીધી છે
સરકારે ફ્રંટલાઈન વોરિયર્સને અપાતી વેક્સિન બંધ કરી દીધી છે

વેક્સિનેશન પ્રોગ્રામ કેમ અચાનક ધીમો પડી ગયો?
એક મહિના પહેલા વેક્સિનેશનની જે જોર-શોરથી વાતો થઈ હતી તે બધું અત્યારે અચાનક ઠંડુ પડી ગયું છે. એપ્રિલની શરૂઆતમાં ગુજરાતમાં રોજ 3.50 લાખ લોકોને વેક્સિન અપાતી હતી. પરંતુ હવે ધીરે-ધીરે આ આંકડો ઘટી રહ્યો છે અને ગઈકાલે તો માંડ 2.50 લાખની આસપાસ લોકોને જ વેક્સિન આપી શકાઈ હતી. બીજીતરફ સરકારે ફ્રંટલાઈન વોરિયર્સને અપાતી વેક્સિન બંધ કરી દીધી છે. એવી પણ વાત ચાલી રહી છે કે દેશમાં વેક્સિનની અછત સર્જાઈ છે અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો વધુ વેક્સિનની માગણી કરી રહ્યા છે. ગુજરાતમાં પણ વેક્સિનેશન સેન્ટરોમાં બપોર સુધીમાં તો સ્ટોક પૂરો થઈ જાય છે.

સ્મશાનમાં એક સાથે ત્રણ ત્રણ ચિતાઓ સળગતી જોવા મળે છે.
સ્મશાનમાં એક સાથે ત્રણ ત્રણ ચિતાઓ સળગતી જોવા મળે છે.

સ્મશાનોમાં લાશોના ઢગલા, બીજા શહેરમાં અંતિમવિધિ!
અત્યારે ગુજરાતમાં કોઈ પણ શહેરના સ્મશાનમાં જાવ, અંતિમવિધિ માટે વેઈટિંગ ના ચાલતું હોય તો જ નવાઈ. સુરત અને વડોદરા જેવા શહેરોમાં તો સ્થિતિ એ હદે વણસી ચૂકી છે કે હવે અંતિમ સંસ્કાર કરવા માટે મૃતદેહોને બીજા શહેરોમાં મોકલવામાં આવી રહ્યા છે. કોરોનાના સેકન્ડ વેવમાં આવી ભયાવહ સ્થિતિની કોઈએ કલ્પના પણ કરી નહોતી. હજી કેટલા દિવસ આવી સ્થિતિ રહેશે તે પણ કોઈ જાણતું નથી.