કોરોનાના વિકટ સમયગાળમાં સતત કલાકો સુધીના સ્ક્રીન એડિકશનના લીધે શાળામાં ભણતા બાળકો મોબાઈલ સ્ક્રીન એડિકશનનો ભોગ બન્યા છે. કોરોનાના સમયમાં મોટાભાગના બાળકો ઘરે રહેવાથી મોબાઈલ, કમ્પ્યૂટર, લેપટોપનો વપરાશ સતત કલાકો સુધી વધવાના કારણે બાળકોમાં ફ્રી ફાયર, ફોર્ટ નાઈટ, મિલિમિલેશિયા સહિતની હિંસાત્મક વર્તૂણક વધારતી ગેમ રમવા માટેનું ચલણ વધ્યંુ છે. પરિણામે શાળામાં ભણતા બાળકોમાં સાયકોપેથિક (મનોવિકૃત વર્તન) અને સોશિયોપેથિક (સમાજ વિરોધી વર્તન)ની સમસ્યા બાળકોમાં વધી હોવાનું સાઈકોલોજિસ્ટ જણાવી રહ્યા છે. સાઈકોલોજિસ્ટ પાસે સારવાર લેવા આવનારા કુલ દર્દીઓમાંથી 70 ટકા કરતા વધુ દર્દીઓ શાળામાં અભ્યાસ કરતા બાળકો હોવાનું બહાર આવ્યું છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોનાના વ્યાપમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ ઘણાં લાંબા સમય સુધી વિદ્યાર્થીઓએ મોબાઈલ કે કમ્પ્યૂટરના માધ્યમથી ઓનલાઈન શિક્ષણ મેળવ્યું હોવાથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ઓનલાઈન સ્ક્રીનનું એડિકશન વધ્યુ છે. શાળાના બાળકો મિત્રોની સાથે ગ્રૂપમાં ફોર્ટ નાઈટ, મિલિમિલેશિયા, બેટર ગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા (બીજીએમઆઈ),જીટીએ-5 સહિતની ગેમ્સ રમે છે. તેના કારણે ચીડિયાપણું, હિંસાત્મક વર્તન, ડિપ્રેશન, એક્ઝાઈટી, અનિદ્રા, શૈક્ષણિક પર્ફોમન્સ પર વિપરિત અસર, મા-બાપ સાથે સંવાદિતાનો અભાવ, એકલાપણું સહિતની સમસ્યા સર્જાય છે.
ગેમ્સની લતને કારણે બાળકોમાં નકારાત્મક વર્તણૂક જોવા મળે છે
નાના બાળકોને હિંસાત્મક વર્તણૂકની પ્રેરણા આપતી વિડીયોગેમ્સમાં હિંસા માટે પોઈન્ટસ મળે છે, જ્યારે આ ગેમ્સમાં જીત મેળવે તો સરાહના થાય છે. બાળકોમાં પોતાના મિત્રોના ગ્રૂપમાં ફ્રી ફાયર, ફોર્ટ નાઈટ, મિલિ મિલેશિયા, બેટલ ગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા સહિતની ગેમમાં હિંસા કરીને પુરસ્કાર મેળવવાનો રોમાંચ મેળવવાનું વળગણ વધ્યુ છે. બાળકોમાં નકારાત્મક વર્તણૂકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગેમ્સ રમતા બાળકો પાસેથી મોબાઈ લઈ લેવામાં આવે તો સ્વાભાવિક રીતે આનંદ જતો રહે છે, હિંસક બને છે. જો આવા બાળકોના વર્તણૂકનું માનસશાસ્ત્રીય પૃથક્કરણ કરીને યોગ્ય સારવાર ન કરાય તો લાંબાગાળાની વર્તણૂકને લગતી સમસ્યા સર્જાય છે. - ડો. પ્રશાંત ભીમાણી, સિનિયર કન્સલ્ટિંગ સાયકોલોજિસ્ટ
લત દેખાય તો ડોક્ટરને મળવું
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ઓનસ્ક્રીન એડિકશનમાં ફસાયેલ બાળક જો 10 મિનિટથી લઈને 30 મિનિટ કરતા વધારે સમય માટે મોબાઈલથી દૂર ના રહી શકે તો સાઈકોલોજિસ્ટનો સંપર્ક કરવો હિતાવાહ છે. નહી તો લાંબાગાળાની વર્તણૂકને લગતી સમસ્યા થવાની પ્રબળ શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.