ભરતી પ્રક્રિયા:​​​​​​​રાજ્યના ગામ-તાલુકામાં નોટરીની સુવિધા ઉપલબ્ધ કરાવવા 1660 જગ્યા માટે 16મેથી ઇન્ટરવ્યુની પ્રક્રિયા શરૂ કરાશે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજેન્દ્ર ત્રિવેદી, કાયદા મંત્રી - Divya Bhaskar
રાજેન્દ્ર ત્રિવેદી, કાયદા મંત્રી
  • પ્રથમ તબક્કામાં બોટાદ, પોરબંદર, મોરબી, દેવભૂમિદ્વારકા, નર્મદા, ડાંગ જિલ્લાના ઉમેદવારો
  • બાકીના જિલ્લાના ઉમેદવારોની ઇન્ટરવ્યુ પ્રક્રિયા તબક્કાવાર શરૂ કરાશે

નાગરિકોને પોતાના ગામ-તાલુકામાં વધુ સરળતાથી નોટરીની સુવિધા ઉપલબ્ધ કરાવવાના નિર્ધાર સાથે ગુજરાતમાં નોટરીની કુલ 1660 જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કામાં બોટાદ, પોરબંદર, મોરબી, દેવભૂમિદ્વારકા, નર્મદા, ડાંગ, તાપી અને છોટાઉદેપુર એમ આઠ જિલ્લાના ધારાશાસ્ત્રીઓ-ઉમેદવારો માટે આગામી તા. 16મે 2022ના રોજ ગાંધીનગર ખાતે ઇન્ટરવ્યુ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, તેમ કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું.

10,427 ઉમેદવારોના ઇન્ટરવ્યુ થશે
મંત્રી ત્રિવેદીએ કહ્યું હતું કે, ઇન્ટરવ્યુની સમગ્ર પ્રક્રિયા ઝડપી, સરળ અને ન્યાયિક થાય તે માટે કુલ ત્રણ બોર્ડની રચના કરવામાં આવી છે. નોટરીની કુલ-1660 જગ્યાઓ માટે ધારાશાસ્ત્રીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. રાજ્યભરમાંથી આવેલી અરજીઓની સ્ક્રુટીની કર્યા બાદ 10,427 જેટલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે લાયક ગણવામાં આવ્યા છે. આ ઇન્ટરવ્યુની કામગીરી આગામી સપ્તાહથી એટલે કે તા. 16-5-2022થી બ્લોક નં-1ના ચોથા માળે, નવા સચિવાલય, ગાંધીનગર ખાતે શરૂ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા ખૂબજ ઝડપી પૂર્ણ કરીને રાજ્યભરમાં 1660 જગ્યાઓ ઉપર નોટરીઓની નિમણૂક આપવામાં આવશે.

ઉમેદવારોના કોલલેટર વેબસાઇટ પર અપલોડ થશે
મંત્રીએ ઉમેર્યુ હતું કે, ઇન્ટરવ્યુ અંગેની કામગીરી અર્થે તા.5મે 2022ના રોજ અખબારમાં જાહેરાત તેમજ કાયદા વિભાગની વેબસાઇટ ઉપર પણ વિગતો પ્રસિધ્ધ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં જિલ્લા મુજબ યોજાનાર ઇન્ટરવ્યુના ઉમેદવારોના કોલલેટર વેબસાઇટ ઉપર અપલોડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ તબક્કાવાર બાકીના જિલ્લાના ઉમેદવારોના ઇન્ટરવ્યુની તારીખની વિગતો પણ આ વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે.

'નોટરી સમયે ઓળખ સહીત-વિગતોની કાળજી રાખવી'
‘નોટરી’ સમાજ જગતમાં ખુબ જ ઉપયોગી છે અને તેની વિશ્વસનીયતા પર ક્યારે સવાલ ઉભો ન થાય તેની તકેદારી રાખવાની જવાબદારી નોટરી ધારાશાસ્ત્રીની છે. હાલ જે નોટરી છે તે અને વ્યક્તિગતમાં નોટરી થશે તે તમામ ધારાશાસ્ત્રીને ટકોર કરતા મંત્રીએ કહ્યું કે નોટરી કરતી વખતે કરવામાં આવતી ઓળખ સહીત-વિગતો દરમ્યાન કોઈ પણ પ્રકારની બેદરકારી ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે તે જરૂરી છે. નોટરીની થોડી પણ બેદરકારી, ભારે નુકશાનમાં પરિણમી શકે છે, આવી ક્ષતિ કોઈ નાગરિકના હકકમાં કાયમ માટે દાગ લગાડી શકે છે તે અંગે તકેદારી રાખવા ભારપૂર્વક મંત્રીએ ઉમેર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...