કોંગ્રેસના આક્ષેપ બાદ ચેરમેને કહ્યું:ઓઢવ આવાસ યોજનાના મકાનોમાં લાભાર્થીઓએ પહેલાં માળની જગ્યાએ નીચે દુકાનો માગી એટલે પિલર વચ્ચે દુકાનો બની

અમદાવાદ2 મહિનો પહેલા
  • બે મહિના પહેલા જ ઉદ્ઘાટન થયું હતું અને આવાસ યોજનાના મકાનોમાં થયેલો ભ્રષ્ટાચાર ઉજાગર થયો

શહેરમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવે છે પરંતુ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવતા આવાસ યોજનાના મકાનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાને લઈને વિપક્ષ કોંગ્રેસ દ્વારા અવારનવાર આક્ષેપો કરવામાં આવ્યા છે. માર્ચ મહિનામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ઓઢવ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઈન્દીરા આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ જ આવાસ યોજનામાં દોઢ મહિનામાં જ મકાનો જાણે જુના થઈ હોય તેમ પાણીના બોર બંધ થઈ ગયા છે, પાંચ લિફ્ટ બંધ છે, પાણી લીકેજ અને તિરાડો પડી ગઇ હોય તેવી સમસ્યાઓ સામે આવી છે. વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ અને યુવા કોંગ્રેસના પ્રવક્તા કપિલ દેસાઈએ આક્ષેપ કર્યો છે કે આવાસ યોજનાના મકાનોમાં ભ્રષ્ટાચાર ચાલે છે અને જેનું મોટું ઉદાહરણ ઓઢવ વિસ્તારમાં આવેલા આવાસ યોજનાના મકાનોમાં જોવા મળ્યું છે.

હાઉસીંગ કમિટિ ચેરમેન, અશ્વિન પેથાણી
હાઉસીંગ કમિટિ ચેરમેન, અશ્વિન પેથાણી

લાભાર્થીઓને ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો જોઈતી હતી: અશ્વિન પેથાણી
ઓઢવ વિસ્તારમાં ઇન્દિરા નગર આવાસ યોજનાના મકાન દુકાનમાં વચ્ચે પિલર અને પાણીના બોર બંધ તેમજ લિફ્ટ સહિતની સુવિધાઓ આ મામલે હાઉસિંગ કમિટીના ચેરમેન અશ્વિન પેથાણી એક ખુલાસો કરતા જણાવ્યું હતું કે, ઇન્દિરા નગર આવાસ યોજનાના મકાનો જ્યારે બનાવવામાં આવ્યા હતા, ત્યારે ત્યાંના સ્થાનિક લાભાર્થીઓએ ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર પર જે દુકાન બનાવવામાં આવી હતી. તેમાં કેટલાક લાભાર્થીઓને પહેલા માળે નહીં પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો જોઈતી હતી. સ્થાનિક લાભાર્થીઓના ચાર અલગ-અલગ એસોસિયેશનો છે તેઓએ આવી આ માટેની લેખિતમાં રજૂઆત કરી હતી, જેને ધ્યાનમાં રાખી અને બિલ્ડર દ્વારા રિવાઇઝ્ડ પ્લાનની મંજૂરી માંગવામાં આવી હતી અને રિવાઇઝ્ડ પ્લાન મંજૂર કર્યા બાદ દુકાનનું બાંધકામ કરવામાં આવ્યું હતું અને સ્થાનિક લાભાર્થીઓએ જે રીતે દુકાનની માંગણી કરી હતી તે રીતે તેમને દુકાન ત્યાં બનાવીને ફાળવવામાં આવી હતી.

ચકલીઓ કાઢી નાખતા પાણી મકાનમાંથી બહાર આવે છે
પાણીના લીકેજ અને લિફ્ટ બંધ મામલે તેઓએ જણાવ્યું હતું કે, સ્થાનિક લાભાર્થીઓ દ્વારા મકાનમાં જે નળમાં ચકલીઓ લગાવવામાં આવી છે તે કાઢી નાખવામાં આવી છે ને ત્યાં બુચ મારી દેવામાં આવ્યા છે અને જેના કારણે પાણી મકાનમાંથી બહાર આવ્યા છે. લિફ્ટમાં સ્થાનિક લાભાર્થીઓ દ્વારા સામાન મૂકવામાં આવ્યો હતો અને તેના કારણે લિફ્ટ તૂટી ગઈ હતી.

ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો બનાવી દીધી તો પાર્કિંગ ક્યાં?
ઇસ્કોન ગ્રુપના જે.પી ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા આ ઇન્દિરા નગર આવાસ યોજનાનું બાંધકામ કરવામાં આવ્યું હતું. સ્થાનિક લાભાર્થીઓની માંગણીને ધ્યાનમાં રાખી અને તે રીતે દુકાન બનાવીને આપી હોવાનો હાઉસિંગ પ્રોજેક્ટના અધિકારીઓ અને ભાજપના શાસકો બચાવ કરી રહ્યા છે પરંતુ જ્યારે આ બાંધકામ થયું ત્યારે કોઈએ કેમ લાભાર્થીના સમજાવ્યા કે આ રીતે દુકાનમાં તમે કોઈ સામાન પણ નહીં લઈ જઈ શકો અને મુખ્ય પ્રશ્ન એ છે કે જો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમામ જગ્યાએ દુકાન બનાવી દીધી તો પાર્કિંગ ક્યાં ? પાર્કિંગની જગ્યામાં આ રીતે જો દુકાનો બનાવી દેવામાં આવી તો પછી બીયુ પરમિશન કઈ રીતે આપવામાં આવી?

ત્રણ મહિનાથી હાઉસિંગ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર ચાલે છે: શહેઝાદ ખાન
વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી હાઉસિંગ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે અને ગત વખતે મળેલી સામાન્ય સભામાં ભાજપના નેતા દ્વારા હાઉસિંગ પ્રોજેક્ટમાં કોઈ ભ્રષ્ટાચાર ન થતો હોવાની વાત કરી હતી પરંતુ આજે હાઉસિંગ પ્રોજેક્ટ દ્વારા બનાવેલા આવાસ યોજનાના મકાનો-દુકાનો જે તાજેતરમાં જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલા ઓઢવ વિસ્તારમાં ઇન્દિરા આવાસ યોજનાની 52 દુકાનોમાંથી 29 દુકાનોમાં બિલ્કુલ વચ્ચે 2 ફૂટના પીલ્લર છે જે પોલિસીની વિરુદ્ધ છે. મકાનના ઘણા બધા બ્લોકનાં ધાબામાંથી લીકેજ થઈ રહ્યા છે. બાંધકામની ગુણવત્તા પણ શંકાસ્પદ અને ઘણા મકાનોમાં તિરાડો પણ દેખાવા લાગી છે. મકાનોમાં 5 બ્લોકમાં લિફ્ટ બંધ થઈ ગઈ છે.

10 દિવસમાં માત્ર 10 ટકા લોકો રહેવા આવ્યાં
વધુમાં યુવા કોંગ્રેસના પ્રવક્તા મુજબ મોટાભાગના મકાનોમાં દરવાજા,પ્લમ્બિગ અને વાયરિંગમાં ભૂલ છે. મકાન ફાળવાણીના 10 દિવસમાં માત્ર 10 ટકા લોકો રહેવા આવ્યા અને પાણીના બન્ને બોર બંધ થઇ ગયા અને બહારથી ટેન્કર મંગાવવા પડ્યા છે. અણઘડ આયોજનના કારણે દરેક બ્લોકની પાણીની ટાંકી ઉભરાઈ જાય છે અને પીવાના પાણીનો રોજ બગાડ થાય છે. દરેક બ્લોકમાં કચરાના ઢગલાના કારણે ગંદકી થાય છે.

અન્ય સમાચારો પણ છે...