યુકેના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન આગામી 20થી 24 એપ્રિલ સુધી ભારતની મુલાકાતે આવી શકે છે. આ દરમિયાન તેઓ 21મી એપ્રિલે પોતાના ભારત પ્રવાસના ભાગ રૂપે ગુજરાતની મુલાકાત લેવાની શક્યતા છે. ગત વર્ષે પણ બોરિસ જોન્સન ભારત મુલાકાતે આવવાના હતા, પરંતુ કોરોનાના કારણે બે વખત તેમનો પ્રવાસ કેન્સલ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ અને વડોદરાની મુલાકાત લઈ શકે
હજુ સુધી બ્રિટિશ પ્રધાનમંત્રીના ભારત પ્રવાસનું શેડ્યુલ તૈયાર કરવામાં આવી રહ્યું છે, માનવામાં આવી રહ્યું છે કે, ગુજરાતની મુલાકાત દરમિયાન તેઓ આખો દિવસ અમદાવાદ અને વડોદરામાં પસાર કરી શકે છે. અમદાવાદમાં PM જોન્સન વિશ્વભરમાં જાણીતા બનેલા સાબરમતી આશ્રમની તથા વડોદરામાં તેઓ કન્સ્ટ્રક્શન સાધનો બનાવતી બ્રિટિશ કંપની JCBના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની પણ મુલાકાત લે તેવી શક્યતા છે.
બંને દેશોના સંબંધો વધુ મજબૂત કરવા પર હશે ભાર
નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ બ્રિટિશ ફોરેન સેક્રેટરી અને ભારતના વિદેશમંત્રી વચ્ચે બેઠક યોજાઈ હતી. બ્રિટિશ PMના ભારત મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેના સંબંધને વધુ મજબૂત કરવા અને હાલમાં ચાલી રહેલા ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર વાટાઘાટો કરવાનો હશે.
અગાઉ કોરોનાના કારણે બે વખત પ્રવાસ રદ કર્યો
આ પહેલા પાછલા વર્ષે કોવિડ-19ની મહામારીના કારણે PM જોન્સનના ભારત પ્રવાસને બે વખત રદ કરવામાં આવ્યો હતો. તેઓ જાન્યુઆરી મહિનામાં 26મી જાન્યુઆરીના પરેડમાં ભાગ લેવાના હતા. આ ઉપરાંત એપ્રિલ 2021માં કોરોનાની બીજી લહેરના કારણે તેમનો પ્રવાસ રદ કરાયો હતો. જ્યારે પ્રધાનમંત્રી મોદીએ પણ કોરોનાના કારણે જ મે 2021માં G7 સમિટ માટે યુકે જવાનું કેન્સલ કર્યું હતું. જોકે બંને નેતાઓ ગત વર્ષે નવેમ્બરમાં ગ્લાગોમાં યોજાયેલી યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં મળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.