તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રાસ:ગર્ભવતી પરિણીતા કામ ન કરતા સાસરિયાંએ માર મારી કાઢી મૂકી

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘અમે પણ છોકરા જણ્યાં છે આરામ કર્યો નથી’ કહી ત્રાસ આપતાં

કાગડાપીઠ વિસ્તારમાં રહેતી 29 વર્ષીય ગર્ભવતી પરિણીતાની તબિયત સારી ન હોઈ, તેણીએ ઘરનું કામકાજ ન કરતા સાસરિયાંએ તેની સાથે ઝઘડો કરી, માર મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ અંગે પરિણીતાએ પતિ સહિત સાસરીના 9 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

કાગડાપીઠમાં રહેતી 29 વર્ષીય યુવતીના લગ્ન ફેબ્રુઆરી,2020માં કડીના યુવક સાથે થયા હતા. હાલમાં યુવતીને સાત માસનો ગર્ભ હોઈ, તબિયત સારી રહેતી ન હોવાથી ડોકટરે તેને આરામ કરવાની સલાહ આપી હતી. દરમિયાન તેનો જન્મદિવસ હોઈ તેણી સાસરીમાં ગઈ હતી. જોકે ગર્ભવતી હોઈ, તે ઘરનું કામકાજ કરતી ન હતી. આ બાબતે સાસરિયાં તેને પરેશાન કરી તેના પતિની કાનભંભેરણી કરતા હતા. પરિણીતાની નણંદ પણ તેને સ્ત્રીને નામે કલંક છે, તેને ઘરની બહાર કાઢો તેમ કહીને તેના પતિ-સસરાને ફોન કરીને તેની વિરુદ્ધ ચઢાવતી હતી. જેથી પતિ તેની સાથે ઝઘડો કરતો હતો.

દરમિયાન તેને દહેજ બાબતે મેણાંટોણાં મારીને કહેવાતું કે,‘અમે પણ છોકરાં જણ્યાં છે, અમે કંઈ આરામ કરતા નહોતા. આ તારા બાપનું ઘર નથી કે તને આરામ મળે અને આરામ કરવો હોય તો કરિયાવરમાં રૂપિયા લઈને આવવું હતું ને, કરિયાવરમાં કંઈ હાથીઘોડા લઈને આવી છે?’

આ સંજોગોમાં એક દિવસ પતિએ રાતના સમયે પરિણીતા સાથે ઝઘડો કરી, પરિણીતાને માર મારી ઘરમાથી કાઢી મૂકી હતી. જોકે તેણે તેેને પગે લાગી જેમ તેમ કરીને રાત કાઢી હતી અને પિયરમાં ફોન કરીને બધાંને બોલાવ્યા હતા. બીજા દિવસે પિયરિયાં આવ્યા ત્યારે પણ સાસરિયાંએ ઝઘડો કર્યો હતો અને નણંદોએ તેને માર માર્યો હતો.

આ ઘટના બાદથી પરિણીતા પિયરમાં જ રહે છે. દરમિયાન કંટાળેલી પરિણીતાએ પતિ સહિતના 9 સાસરિયાં વિરુદ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...