બાંહેધરી પત્ર ભરાવવા કડક સૂચના:પોલીસ કર્મચારીઓએ બાંહેધરીપત્ર ભરીને આપવાની ના પાડતાં પગાર વધારો ન મળ્યો

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 20 ઓગસ્ટ પછી પરિપત્ર થયો હોવાથી ભથ્થું ચૂકવ્યું નથી: સરકાર

પોલીસ કર્મચારીઓ પગાર વધારાની સામે બાંહેધરી પત્ર ભરી આપવાનો ઇનકાર કરીને સરકાર સામે લડી લેવાના મૂડમાં આવી ગયા છે. જોકે બાંહેધરી પત્ર ન મળતા સરકારે પણ પોલીસ કર્મચારીઓને ઓગસ્ટનો પગાર જૂના પગાર પ્રમાણે ચૂકવી દીધો છે. જ્યારે પગાર વધારાનો લાભ લેવા માટે 7 દિવસમાં બાંહેધરી પત્ર ભરી આપી દેવા પોલીસ કર્મચારીઓને જણાવાયું છે.

જ્યારે સરકારે કહ્યું છે કે, પરિપત્ર 20 ઓગસ્ટ પછી કર્યો હોવાથી આ મહિને ભથ્થાવધારા સાથે પગાર આપ્યો નથી. કર્મચારીઓની ગ્રેડ પે ની માગ સામે સરકારે ભથ્થામાં વધારો કર્યો છે, પરંતુ તે ભથ્થુ લેવા માટે દરેક કર્મચારી પાસે બાંહેધરી પત્ર લખાવાઈ રહ્યા છે, જેમાં ભવિષ્યમાં તેઓ કોઈ ભથ્થાની માગણી કરી શકશે નહીં તેવું લખાવાય છે.

આવતા મહિનાના પગારમાં ભથ્થું ચૂકવી દેવાશે: ગૃહ સચિવ
પોલીસ કર્મચારીઓના પગારનાં બિલ દરેક મહિનાની 20 તારીખે તૈયાર થઈ જાય છે અને તે જ પ્રમાણે પગારની ચુકવણી થાય છે. ભથ્થા અંગેનો પરિપત્ર 20 તારીખ પછી થયો હોવાથી આ મહિનાના પગારમાં ભથ્થાની ચુકવણી કરી શકાઈ નથી. આવતા મહિને મળનારા પગારબિલમાં ભથ્થા સામેલ હશે અને એરિયર્સ પણ ચૂકવી દેવાશે. - રાજકુમાર, અધિક મુખ્ય સચિવ, ગૃહ વિભાગ

પોલીસનું બાંહેધરીપત્રક એ માત્ર એક પ્રોસિઝર છે
પોલીસ કર્મચારીઓને અપાયેલા સુરક્ષા ભથ્થાની સામે કર્મીઓ પાસેથી બાંહેધરી પત્ર લેવાતાં પોલીસ કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. આ મામલે હર્ષ સંઘવીએ કહ્યું છે કે સરકારની પ્રોસિઝર હોય છે, તે રીતે આ એક પ્રોસિઝર છે. નાણાં વિભાગ દ્વારા બાંહેધરી પત્ર લેવાતો હોય છે.

જબરદસ્તીથી બાંહેધરી પત્ર પર સહીઓ કરાવાઈ
અમદાવાદના ઘણા પોલીસ સ્ટેશનોમાં એક પણ પોલીસ કર્મચારીએ બાંહેધરી ભરી આપી નથી, જેથી ઉપરી અધિકારીઓએ પીઆઈને બાંહેધરી પત્ર ભરાવવા કડક સૂચના આપી હતી. કેટલાક પીઆઈ કર્મચારીઓને તેમની ચેમ્બરમાં બોલાવી જબરદસ્તીથી બાંહેધરી પત્ર ભરાવી રહ્યા હોવાની ફરિયાદો ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...