તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ પર પરિવારનો હુમલો:અર્બુદાનગરમાં અપહરણના આરોપીને બચાવવા પકડવા ગયેલી પોલીસને 500નાં ટોળાંએ ઘેરી લીધી

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોલા પોલીસ સ્ટેશન - ફાઇલ તસવીર - Divya Bhaskar
સોલા પોલીસ સ્ટેશન - ફાઇલ તસવીર
  • પોલીસ પર હુમલો કરીને કામગીરીમાં દખલ કરવા બદલ આરોપીઓના પરિવારની ધરપકડ

ખૂનની કોશિષ, અપહરણ, મારામારી, ધમકી જેવા ગંભીર ગુનાઓના આરોપીને પકડવા ગયેલી સોલા પોલીસ પર આરોપી અને તેના પરિવારે હુમલો કરી, બૂમાબૂમ કરીને 500થી વધુ લોકોને ભેગા કરતાં લોકોએ પોલીસને ઘેરી, વીડિયો ઉતારવા લાગ્યા હતા. જેથી વધારાના ફોર્સ સાથે પીઆઈએ ઘટના સ્થળે પહોંચી આરોપી અને પોલીસ પર હુમલો કરનાર તેના પરિવારને ઝડપી લીધો હતો.

પૈસાની લેતી-દેતી અંગે એક જણનું અપહરણ કરી તેને માર મારી, જીવલેણ હુમલો કરી ધમકી આપનાર આરોપી અજય ઉર્ફે કાળિયો દુદાભાઈ ભરવાડ ચાંદલોડિયા અર્બુદાનગર તેના ઘરે હોવાની માહિતી સોલા પોલીસને મળતાં હેડ કોન્સ્ટેબલ સુનીલકુમાર સંતોષભાઈ સ્ટાફ સાથે અજયને પકડવા તેના ઘરે પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર અજયના મોટાબાપા રણછોડ જાલાભાઈ ભરવાડ તેમના પત્ની લીલાબેન અને બે દીકરા હિતેશ-હર્ષદે પોલીસ પર ગુસ્સે થઇ કહ્યું હતું કે, તમે અહીં કેમ આવ્યા છો? તમે પોલીસ છો તો શું થઇ ગયું? આજ પછી અમારા ઘરે આવશો તો છોડીશું નહીં. તેમ કહીને કાળિયાને તો આજે નહીં અને કાલે પણ નહીં લઈ જવા દઈએ. તેમ કહીને ચારેય જણાંએ પોલીસની કામગીરીનો વિરોધ કરીને પોલીસકર્મીઓ સાથે મારામારી કરી, બૂમાબૂમ કરતાં 500થી વધુ લોકોએ ભેગાં થઇ પોલીસને ઘેરી લીધી હતી.

જેથી સુનિલકુમારે પોલીસ સ્ટેશન ફોન કરતા પીઆઈ જે.પી.જાડેજા 5 સરકારી જીપોમાં પોલીસ ફોર્સને લઈને ત્યાં પહોંચતાં, પોલીસની ગાડીઓ આવતી જોઈને લોકો ભાગી ગયા હતા. આ અંગે પોલીસે અજયના પરિવાર સામે ગુનો નોંધી અજય અને તેના પરિવારની ધરપકડ કરી હતી.

જાતે ઈજા કરી ફસાવવાની ધમકી આપી​​​​​​​
અજયને પકડવા પોલીસ ઘરમાં ઘુસી જતા રણછોડભાઈ અને પરિવારે પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. તેમ છતાં પોલીસ ટસની મસ નહીં થતા રણછોડભાઈએ જાતે જ તેમનો હાથ બારીના કાચ સાથે અથડાવતાં, લોહી નીકળતા પોલીસને ધમકી આપી હતી કે હવે હું તમને હુમલાના કેસમાં ફસાવી દઈશ.

આરોપી લાકડી લઈ પોલીસ પાછળ દોડ્યાે
​​​​​​​આસપાસના લોકો ભેગા થઇ જતા હર્ષદ ભરવાડ લાકડી લઈને પોલીસકર્મીને મારવા દોડ્યો હતો. જેથી પોલીસકર્મીઓ બહારની તરફ દોડતા હર્ષદ તેમની પાછળ લાકડી લઈને દોડ્યો હતો. જ્યારે રણછોડભાઈ અને લીલાબેન પણ ગાળો બોલીને પોલીસને મારવા દોડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...