ઉત્તરાયણે કમુરતા પૂરાં થતાં જ લગ્નની સિઝન શરૂ થઈ જશે. જ્યારે લગ્નપ્રસંગોમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરાવવાની જવાબદારી પોલીસને માથે નખાઈ છે. આથી શહેરમાં યોજાનારા તમામ લગ્ન સમારંભોની યાદી મેળવી પોલીસ વર-કન્યાના પરિવારને રૂબરૂ મળી લગ્નમાં 400થી વધારે આમંત્રિતોને ન બોલાવવા સૂચના આપશે તથા રાત્રે 10 વાગ્યા પહેલાં પરિવાર, આમંત્રિતો, કેટરિંગ- ડેકોરેશનવાળા સહિતના લોકો ઘરે પહોંચી જાય તે રીતે લગ્નની વિધિ રિસેપ્શન કે જમણવાર પૂરા કરવાનું સમજાવશે.
ઉત્તરાયણે કમુરતાં પૂરાં થતાં ત્યાર બાદ શહેરમાં મોટી સંખ્યામાં લગ્ન યોજાવાનાં છે. જોકે લગ્ન માટે વર-કન્યા પક્ષના સભ્યોએ 6થી 12 મહિના પહેલાંથી જ હોટેલ, ક્લબ, પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ, બેન્ડવાજા, ડીજે, કેટરિંગ, ડેકોરેશન સહિતનાં બુકિંગ કરાવી લીધાં છે, પરંતુ હાલ કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી રાજ્ય સરકારે કેટલાંક કડક નિયંત્રણો લાદ્યાં છે. જોકે આ નિયંત્રણોમાં લગ્ન સમારોહમાં આમંત્રિતોની સંખ્યામાં કોઈ વધારો-ઘટાડો કરવામાં આવ્યો નથી. આથી હાલમાં લગ્નમાં 400 વ્યક્તિઓને બોલાવી શકાશે.
લગ્ન સમારોહમાં કોરોનાની ગાઇડલાઇનના અમલની જવાબદારી પોલીસને સોંપવામાં આવી છે. આથી પોલીસ વર-કન્યાના પરિવારનો સંપર્ક કરીને તેમને કોરોના અંગેની ગાઇડલાઇનનું કડક પાલન કરવા માહિતગાર કરશે.
રાતે 10 વાગ્યાથી મોડું થશે તો ધરપકડ કરાશે
પોલીસ કમિશનરે સૂચના આપી છે કે, દરેક લગ્ન સમારોહના સ્થળે જઈને વર-કન્યાના પરિવારને કોરોનાની ગાઇડલાઇન વિશે માહિતગાર કરવાના રહેશે. જો રાતે 10 વાગ્યા પછી લગ્ન કે રિસેપ્શન ચાલુ જણાશે તો પોલીસ જવાબદાર વ્યક્તિ સામે ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરશે.
લગ્ન-રિસેપ્શન માટે પોલીસ મંજૂરી જરૂરી
લગ્ન-રિસેપ્શન કે કોઈ પણ જાહેર કાર્યક્રમ માટે હાલમાં પોલીસની મંજૂરી લેવી ફરજિયાત છે. આ મંજૂરી પોલીસ સ્ટેશને રૂબરૂમાં જઈને કે ઓનલાઇન લઈ શકાય છે, પરંતુ જે પણ જગ્યાએ જાહેર કાર્યક્રમમાં જો પોલીસની મંજૂરી લેવામાં નહીં આવી હોય તો તેવી જગ્યાએ પણ પોલીસ જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરશે.
પોલીસની શી-ટીમ સરપ્રાઇઝ ચેકિંગ કરશે
લગ્ન સમારોહ, રિસેપ્શનના સ્થળે પોલીસની શી ટીમ સરપ્રાઇઝ ચેકિંગ કરશે. આ શી ટીમ લગ્નના રંગમાં ભંગ નહીં પડાવે, પરંતુ લગ્ન સમારોહમાં દરેક વ્યક્તિએ માસ્ક પહેર્યું છે?, સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું છે? જેવી ગાઇડલાઇનનું પાલન થાય છે કે નહીં? તે જોશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.