તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીનો ભય લોકોમાં એટલી હદે ફેલાયેલો છે કે કોરોનાથી મૃત્યુ પામેલાં માતા-પિતાનાં અસ્થિ લેવા માટે પણ સગાં-સંતાનો તૈયાર નથી. દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં એવી ચોંકાવનારી બાબત સામે આવી છે કે રાજ્યનાં વિવિધ શહેરોનાં સ્મશાનોમાં 900થી વધુ કોરોના મૃતકોનાં અસ્થિ સ્વીકારવાનો સ્વજનોએ ઈનકાર કર્યો હતો, જેને કારણે ઘણા કેસમાં સ્મશાનના કર્મચારીઓ કે સ્વયંસેવકોએ અસ્થિ વિસર્જિત કર્યા હતા તો કેટલાક કેસમાં અસ્થિને ડમ્પિંગ સાઇટમાં કચરાની સાથે ઠાલવી દેવાયાં હતાં.
સ્વજનો દ્વારા અસ્થિનો અસ્વીકારની ઘટનાઓ રાજ્યભરમાં નોંધાઈ છે. નવસારીમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા 252 લોકોમાંથી માત્ર 30નાં સ્વજનો અસ્થિ લઈ ગયાં હતાં, જ્યારે 222 મૃતકનાં અસ્થિનું સ્મશાનના સ્ટાફે વિસર્જન કર્યું હતું. વિવિધ અનુભવી ડૉક્ટર્સે સ્પષ્ટ કર્યું છે કે મૃતદેહને અગ્નિદાહ આપ્યા બાદ કોરોના વાઇરસના અંશો રહેતા નથી. તેમ છતાં પણ લોકો સ્વજનોનાં અસ્થિ લેવાનું ટાળે છે. ભરૂચ જિલ્લામાં પણ આવી સ્થિતિ જોવા મળી છે. અહીં નર્મદા નદીના ગોલ્ડનબ્રિજ, અંકલેશ્વર કિનારે રાજ્યનું સૌપ્રથમ અલાયદું કોવિડ સમશાનગૃહ બનાવવામાં આવ્યું છે, જ્યાં અત્યારસુધી 292 મૃતકને અગ્નિદાહ અપાયો હતો, જેમાં માત્ર 92 મૃતકને તેમનાં સ્વજનોએ અગ્નિદાહ આપ્યો હતો, બાકીના 200 મૃતકનાે સ્વજનોએ તો અગ્નિદાહ પણ આપ્યો નથી, જ્યારે 210 મૃતકનાં સ્વજનો અસ્થિ લેવા સુધ્ધાં આવ્યાં નથી.
સ્મશાનગૃહના સંચાલક ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે 65 %થી વધુ લોકો તો અગ્નિદાહ આપવા પણ આવ્યા નથી, તો 70 %થી વધુ મૃતકોનાં પરિવારજનો અસ્થિ લેવા પણ આવ્યાં નથી. આવા સંજોગોમાં અમારી ટીમના તમામ સ્વયંસેવકો અસ્થિ એકત્ર કરી એને નર્મદા નદીમાં વિસર્જિત કરી મૃતકોના આત્મા માટે પ્રાર્થના કરે છે. વાપીમાં મુકિતધામ સ્મશાનમાં છેલ્લા 3 માસમાં 110 કોરોનાગ્રસ્ત લોકોના અંતિમ સંસ્કાર કરાયા હતા, પણ એકપણ સ્વજન અસ્થિ લેવા આવ્યા નહોતા.
સુરત શહેરમાં છ મહિનામાં અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં 7918 લોકોનાં મોત થતાં અંતિમ સંસ્કાર કરાયા હતા. તેવી જ રીતે રામનાથ ઘેલા સ્મશાનગૃહમાં 3699 લોકોનાં મોત થતાં અંતિમ સંસ્કાર કરાયા હતા. જ્યારે જામનગરમાં તો જે મૃતકોનાં અસ્થિ લેવા માટે સ્વજનો આવતાં નથી, એવાં અસ્થિને વધેલી રાખ સાથે ડમ્પિંગ સાઇટમાં પધરાવી દેવામાં આવે છે. જ્યારે જામનગરમાં સ્મશાન સમિતિના માનદ્ મંત્રી દર્શન ઠક્કરે કહ્યું હતું કે ‘જામનગરના સ્મશાનમાં 387 કોરોનાગ્રસ્ત મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા છે, એમાંથી અડધોઅડધ કિસ્સામાં સગાંએ અસ્થિ લઈ જવાનું ટાળ્યું છે.’
અગ્નિદાહ આપ્યા બાદ કોરોના વાઇરસના અંશો રહેતા નથી: ડૉક્ટર્સ
વિવિધ અનુભવી ડૉક્ટરો કહી ચૂક્યા છે કે મૃતદેહને અગ્નિદાહ આપ્યા બાદ કોરોના વાઇરસના અંશો રહેતા નથી. જામનગર કોવિડ હોસ્પિટલના ડૉ. ભૂપેન્દ્ર ગોસ્વામીએ આવા ભયનો છેદ ઉડાવી દેતાં જણાવ્યું હતું કે ‘અસ્થિ અને રાખમાં કોરોનાના જંતુઓ રહેતા નથી એટલે ભય રાખવાનું કોઈ કારણ નથી.’ જોકે તેમ છતાં પણ કોરોનાથી ભયભીત લોકો અસ્થિ લેવાનું ટાળે છે.
સંઘના સભ્યો તો ઘણી જગ્યાએ મુસ્લિમો અસ્થિ વિસર્જન કરે છે
નવસારી, ભરૂચ, અંકલેશ્વર, જામનગર, રાજકોટ સહિતનાં શહેરોનાં સ્મશાનોમાં ઘણી સ્વયંસેવી સંસ્થાઓ કે સ્મશાનના સેવાભાવી લોકો મૃતકોનાં અસ્થિ વિસર્જિત કરવાનું કાર્ય કરે છે. મુસ્લિમ યુવાનો પણ આ કાર્ય માટે સ્વેચ્છાએ સેવા પૂરી પાડે છે. ભાવનગર સહિત વિવિધ સ્મશાનોમાં આરએસએસના સ્વયંસેવકો અંતિમક્રિયા તથા અસ્થિવિસર્જનનું કાર્ય કરે છે.
અમદાવાદમાં અગાઉ કરતાં આ પ્રમાણમાં ઘટાડો નોંધાયો
અમદાવાદમાં અત્યારસુધીમાં 1812 જેટલા લોકોનાં મૃત્યુ થયાં છે, ત્યારે 450 જેટલા કોરોના મૃતકોની અત્યેષ્ઠી તેમને લઇને આવનારા કર્મચારીઓ અથવા તો સ્મશાનના કર્મચારી દ્વારા કરી દેવામાં આવી હતી. કોરોનાને કારણે મૃત્યુ પામેલા 25 ટકા લોકોની અંતિમક્રિયામાં સ્વજનો આવ્યાં નથી. અમદાવાદમાં જોકે અગાઉના દિવસોમાં કેસ વધારે હતા ત્યારે અસ્થિ નહીં સ્વીકારવાનું પ્રમાણ પણ વધારે હતું. હવે મૃતકોની સંખ્યા ઘટતાં આ પ્રમાણ ઘટ્યું છે.
(અમે એકપણ સ્વજન પર સવાલ ઊભા નથી કરી રહ્યા. આ સમાચાર છાપવાનો ઉદ્દેશ માત્ર એ દર્શાવવાનો છે કે કોરોનાએ એટલા તો ડરાવી દીધા છે કે આપણે પોતાનાં સ્વજનોનાં અસ્થિ પણ લેવાનું ટાળી રહ્યા છે.)
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.