હાઇકોર્ટની સુનાવણી:સરકારે 20 વર્ષમાં ફાયર NOC અને BU માટે શું કર્યું? અમે કહીએ એટલે જ કાર્યવાહી કરવાની? હાઇકોર્ટે ઝાટકણી કાઢી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.
  • હોસ્પિટલને કહો કે બહાર એક બોર્ડ લગાવે કે અમારી જોડે ફાયર NOC નથી, પછી જુઓ કોણ એડમિટ થાય છે? હાઇકોર્ટ

ગુજરાતમાં ફાયર સેફ્ટી માટે આજે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી શરૂ થઈ છે, જેમાં હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પૂરતી વિગતો રજૂ નહીં કરી હોવાની અરજદારની રજૂઆત બાદ કોર્ટે તીખી ટકોર કરી હતી. હાઇકોર્ટે કોર્પોરેશનને કડક શબ્દોમાં કહી દીધું હતું કે BU પરમિશન વગરની તમામ જગ્યાએ કાર્યવાહી કરો, કોઈ અણબનાવ બને એની રાહ જોવાની છે? માત્ર ફાયર NOC પર નહીં, BU પરમિશન પર પણ ભાર મૂકો.

છેલ્લાં 20 વર્ષથી તમે શું કર્યું?
હાઇકોર્ટે વધુમાં કહ્યું, તમે કહો છો કે અમે ધ્યાનમાં લીધું છે, તો છેલ્લાં 20 વર્ષથી શું કર્યું એ કહો ને? અમે કહીએ એટલે જ કાર્યવાહી કરવાની કે કોઇ PIL ન કરે ત્યાં સુધી કંઈ નહીં કરવાનું? તમારે આ બાબતે નાગરિકોની ભૂલ હોય તો તેમના પર પણ કાર્યવાહી કરો. સ્કૂલ ખૂલતાં પહેલાં એની ફાયર NOCની તપાસ કરો અને BU પરમિશન પણ છે કે નહીં એ તપાસો. તમામ હોસ્પિટલમાં ફાયર NOC ફરજિયાત જોઈએ. હાઇકોર્ટે વધુમાં કહ્યું, હોસ્પિટલને કહો કે હોસ્પિટલની બહાર એક બોર્ડ લગાવે કે અમારી જોડે ફાયર NOC નથી, પછી જુઓ કોણ એડમિટ થાય છે? આ બધી બાબત તમને સજેસ્ટ કરવા માટે અમારે કહેવું પડે છે, તમારી જોડે સારા ઓફિસર છે તો તેમની સલાહ લો અને આ બધી વ્યવસ્થા કરાવો.

સરકારી શાળા અને ઇમારતોની ફાયર સેફ્ટીની વિગતો રજૂ કરવા આદેશ
હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ઝાટકણી કાઢતાં કહ્યું, માત્ર ખાનગી રહેણાક, ઉદ્યોગગૃહો અને કોમર્શિયલ બિલ્ડિંગની વિગતો પૂરતી નહીં હોય, સરકારી ઇમારતો અને સરકારી શાળાઓની ફાયર સેફ્ટી અંગેની વિગતો પણ તમારે રજૂ કરવી પડશે. હાઈકોર્ટે વધુમાં કહ્યું, તમે જ કહો છો કે તમામ બિલ્ડિંગને લગતી વિગતો ઘણાંબધાં સેંકડો પાનાંમાં હશે. એનો મતલબ એ છે કે તમારા અધિકારીઓએ કોર્ટના અગાઉના આદેશોનું પાલન કરવાની તસદી લીધી નથી. ગેરકાયદે વપરાશકર્તાઓ પાસે ટેક્સ ઉઘરાવો છો, તો શું તમને ખબર નથી કે બિલ્ડિંગ અસ્તિત્વમાં છે અને તેની જોડે બિલ્ડિંગ વપરાશની પરમિશન નથી?

'20 વર્ષ પહેલાં હાઇકોર્ટના ઓર્ડરમાં આ જ બાબત'
એડવોકેટ અમિત પંચાલે કહ્યું હતું કે 20 વર્ષ પહેલાંના હાઇકોર્ટના ઑર્ડરમાં આ જ બાબત છે, જે આજે ચર્ચાઈ રહી છે. ફાયર NOC અને BU પરમિશન માટે કંઈ કામ કરાયું નથી. બિલ્ડિંગના માલિકોને બધી બાબતો ખબર નથી હોતી. એના માટે કોર્પોરેશન અને સરકારે એક ગાઈડલાઇન્સ બહાર પાડવી જોઇએ, તો તેમને ખબર પડે કે BU અને NOC માટે કયા ક્રાઇટેરિયા જોઈએ. ફાયર NOC વગર હોસ્પિટલ ચાલુ છે. અત્યારસુધી આવી જ હોસ્પિટલમાં બનાવ બન્યા અને લોકોના જીવ ગયા છે. તો હજી પણ આ હોસ્પિટલ ચાલે છે એ કેટલું યોગ્ય છે. મારી એક જ રજૂઆત છે કે આ ગંભીર બાબત છે, આનું કોઈ ચોક્કસ સોલ્યુશન આવે.

ફાયર NOC મામલે કડક કાર્યવાહી કરવા સરકારને ટકોર
હાઇકોર્ટ:
શાળાઓ બંધ છે ત્યાં સુધી રાજ્યની તમામ શાળાઓમાં ફાયર NOCની તપાસ શરૂ કરો, સાથે હોસ્પિટલમાં પણ તપાસ કરો, જરૂર લાગે તો કાર્યવાહી કરીને તમામ જરૂરી સર્ટિફેશન ઉપલબ્ધ કરાવો.

એડવોકેટ જનરલ, કમલ ત્રિવેદી: અમે તમામ જગ્યાએ તપાસ કરી રહ્યા છીએ, જ્યાં તપાસ બાકી છે એ પણ ધ્યાનમાં લઈશું. અમારી જોડે ડેટા અને માહિતી છે એમ તમામ બાબતોનો ઉલ્લેખ છે.

હાઇકોર્ટ: તમે હમેશાં પેપર પરની વાતો કરો છો, ગ્રાઉન્ડ રિયાલિટી જાણો છો?

કમલ ત્રિવેદી : હા, અમે જે લોકો આ નિયમોનું પાલન નથી કરતા તેમની સામે કાર્યવાહી કરીશું. અમે હાલની પરિસ્થિતિ કોવિડ હોસ્પિટલ હોવાથી કડક કાર્યવાહી નથી કરી શકતા. અમને સમય જોઈએ છે, આ મોટી સમસ્યા છે. અમને 15 દિવસ કે 30 દિવસ જેટલો સમય આપવામાં આવે તો સારું છે. અમને આ બધી વ્યવસ્થા સુધારવામાં સમય લાગશે.

કમલ ત્રિવેદી: અમે ગ્રામ્ય વિસ્તારોમાં 947 હોસ્પિટલમાં હમણાં જ ફાયર NOC આપી છે, એની પહેલાં અમે ટ્રેનિંગ આપી અમારી ટીમ રૂબરૂ ઇન્સ્પેકશન કરવા ગઈ, એટલે આ બધી સમસ્યામાં સમય લાગે છે. અમારી જોડે પોર્ટલ છે એમ માહિતી એકઠી કરી રહ્યા છીએ.

ફાયર ઓફિસર આગ બુઝાવે કે NOC માટે ઇન્સ્પેક્શન કરે?
હાઇકોર્ટે વધુમાં કહ્યું, તમે ટેક્સ ઉઘરાવી શકો છો તો કાર્યવાહી કેમ નથી કરી શકતા? ફાયર ઓફિસર્સનું આઉટસોર્સિંગ કરી જવાબદાર ત્રાહિત વ્યક્તિને બનાવો એવું નહીં ચાલે. ફાયર ઓફિસર આગ બુઝાવે કે આ NOC માટે ઇન્સ્પેકશન કરે, તમે કઇ કોઈ વ્યવસ્થિત પ્લાન બનાવો. તમે ટેક્સ લેવા જાઓ છો ત્યારે તમારી પાસે બધી માહિતી હોય છે, તમે જાણો છો છતાં કોઈ કાર્યવાહી કેમ નથી કરતા.

બિલ્ડિંગ-માલિકને BU અને NOC મળે એ માટે મદદ કરો
હાઇકોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે AMCએ BU પરમિશન વગર સીલ કરેલા બિલ્ડિંગનો શું મતલબ છે? તમે ખાલી સીલ કરી આવ્યા, તમે સીલ કરેલા બિલ્ડિંગ કે દુકાનના માલિકને BU અને NOC મળે એ માટે મદદ કરો, તમે ખાલી એ બાબતે લખાણ લઈને ફરી તેને પરમિશન આપો છો, ફરીથી કોઈ PIL થશે. આ બધું ક્યાં સુધી ચાલશે. તમે એકની એક વાત ન કરો, તમે કહો છો કે અમારે સમય જોઈએ ડેટા લેવા માટે. બીજી તરફ તમે કહો છો, ટેક્સ ઉઘરાવીએ ત્યારે ડેટા હોય છે, હકકીત શું છે? જેના જવાબમાં AMCના એડવોકેટ મિહિર જોશીએ કહ્યું, અમે આ ફાયર NOC અને BU પરમિશન ના હોય અને કોઈ અધિકારીની સંડોવણીથી ગેરકાયદે એ ચાલતી હશે તો અમે અધિકારી પર પણ કડક કાર્યવાહી કરીશું.

ગઈકાલે મ્યુનિ. કોર્પોરેશનોએ હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું
આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનોએ હાઈકોર્ટમાં કરેલા સોગંદનામામાં ગુજરાત સરકાર જ સૌથી મોટી ડિફોલ્ટર હોય એવો ખુલાસો થયો છે. પાટનગર ગાંધીનગરમાં આવેલી સરકારી કચેરીઓમાં ફાયર NOC ન હોવાનું સામે આવ્યું છે. જૂના અને નવા સચિવાલય તેમજ પોલીસ ભવન જેવી કચેરીઓમાં ફાયર સેફ્ટીનું NOC નથી તેમજ વડોદરાની 646 હોસ્પિટલ ફાયર NOC વિના ચાલી રહી છે.

મ્યુકોરમાઇકોસિસને લઈને હાઇકોર્ટમાં PIL
ગુજરાત હાઇકોર્ટમાં મ્યુકોરમાઇકોસિસને લઈને થયેલી PILની સુનવણી હાથ ધરવામાં આવી છે. જેમાં અરજદારની રજૂઆત બાદ હાઇકોર્ટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે. આ નોટિસમાં તેમને 15 જૂન સુધી પોતાનો પક્ષ રજૂ કરવા માટેના નિર્દેશ કર્યા છે. કોરોનાની જેમ મ્યુકોરમાઇકોસિસના કેસોનું અન્ડર રિપોર્ટિંગ થતું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સાથે રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસના ઇન્જેકશનની મોટી અછત હોવાની રજૂઆત કરી છે. અરજદારે એ પણ રજૂઆત કરી કે સરકારની મ્યુકોરમાઇકોસિસ અંગે બદલાતી નીતિ અને વ્યવસ્થાના કારણે અનેક લોકો એ જીવ ગુમાવ્યા છે.

મ્યુકોરમાઇકોસિસથી 50 ટકાથી વધુ મૃત્યુદરનું અનુમાન
મ્યુકોરમાઇકોસિસથી જીવ ગુમાવનાર લોકોનો દર 50 ટકાથી પણ વધારે હોવાનું અનુમાન લગવાયું છે. હાઇકોર્ટ સમક્ષ અરજદારે અન્ય મુદ્દાઓની રજૂઆત કરી છે. જેમાં ગરીબ દર્દીઓ માટે મ્યુકોરમાઇકોસિસની સારવારનું માળખું બનવવાની, ઇન્જેકશનની ઉપલબ્ધિ માટે યોગ્ય વિતરણ વ્યવસ્થા ઉભી કરવાની, મહામારીમાં દર્દીને લગતી તમામ ફરિયાદ નિવારણ માટે યોગ્ય માળખું બનાવવાની અને ગામડાઓમાં યોગ્ય એકશન પ્લાન તૈયાર કરવાની માંગ કરી છે.

હાઇકોર્ટે કહ્યું, સરકારી અને ખાનગી મિલકતો વચ્ચે ભેદભાદ ન થવો જોઈએ
હાઇકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનને આડા હાથે લેતા જણાવ્યું હતું કે, તમારી પાસે પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટેના ડેટા છે પણ ફાયર સેફટી માટે સરકાર પાસે કોઇ ડેટા નથી. બિલ્ડિંગોને સીલ મારો છો પરતું તેનો કાયમી ઉકેલ શુ છે? તમે કાયદાની જોગવાઇઓ જણાવો છો પણ કાયદાનો અમલ કયારે કરશો? કડકાઇથી અમલ કરવાની જવાબદારી તમારી છે. તમે રજુ કરેલા રિપોર્ટમાં સરકારી ઇમારતો અને સરકારી સ્કૂલોનો પણ સમાવેશ કર્યો છે? ખાનગી અને સરકારી વચ્ચે ભેદભાવ ન થવો થવો જોઇએ. બીજી તરફ હાઇકોર્ટ ખફા થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની જવાબદારીમાંથી છટકી જવા માટે એવી દલીલ કરી હતી કે, જીડીસીઆરની સત્તા સરકાર પાસે છે તેથી સીલ ખોલવા માટેની કેટલીક ટેક્નિકલ બાબતો સરકાર હસ્તક છે.

અન્ય સમાચારો પણ છે...