જળ છે તો જીવન છે:અમદાવાદમાં વરસાદી પાણીનો સંગ્રહ માટે બનાવેલા પરકોલેટિંગ વેલનું AMC દ્વારા ચેકિંગ થશે

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
AMCની કચેરીની ફાઈલ તસવીર - Divya Bhaskar
AMCની કચેરીની ફાઈલ તસવીર
  • પરકોલેટિંગ વેલ બનાવવા માટે 80:20ની સ્કીમનો લાભ સોસાયટી મેળવી શકે છે

વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે અને ભૂગર્ભજળ ઊંચા આવે તેના માટે શહેરમાં દર 4000 ચો.મી. વિસ્તારમાં નવી ડેવલપ થતી સ્કીમમાં એક પરકોલેટિંગ વેલ બનાવવાનું ફરજિયાત છે. આ પરકોલેટિંગ વેલનું મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ અને વોટર વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન ચેકિંગ કરવામાં આવશે. ચાલુ વર્ષના બજેટમાં શહેરમાં PPP ધોરણે પરકોલેટિંગ વેલ બનાવવા માટે પ્રોત્સાહન મળે તે માટે કુલ ખર્ચના 80 ટકા ખર્ચ મ્યુનિ. કોર્પોરેશન ભોગવશે અને બાકીનો 20 ટકા ખર્ચ રહેણાંક સોસાયટીઓ, એપાર્ટમેન્ટ, બહુમાળી મકાન, વગેરે દ્વારા લોકફાળો આપવાનો રહેશે.

ટાઉન પ્લાનિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં 719 જેટલા પરકોલેટિંગ વેલ છે. ચોમાસામાં પાણી જમીનમાં ઉતરે અને ભૂગર્ભ જળ ઉંચા આવે તેમજ વોટર લોગિંગ ન થાય તે હેતુસર જે સ્કીમોમાં પરકોલેટિંગ વેલ બનાવવામાં આવ્યા હશે તેનું એસ્ટેટ-ટીડીઓ અને વોટર વિભાગ દ્વારા ચેકિંગ કરાશે. પરકોલેટિંગ વેલમાં વરસાદી પાણી ઉતરે તે માટે પ્લાસ્ટિકની થેલી, કોથળા, કચરો દૂર કરવા સૂચના આપવામાં આવી છે.

719 પૈકી ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 252 પરકોલેટિંગ વેલ તૈયાર કરાયા છે. વરસાદી પાણીનો સંગ્રહ કરીને જળ સ્તર ઉંચા લાવવાની નેમ સાથે પરકોલેટિંગ વેલ બનાવવા માટેની નીતિનો અમલ કરવાનું નક્કી કરાયું છે. સ્કીમોમાં 60 મીટર ઊંડાઈનો પરકોલેટિંગ વેલ બનાવવા માટે રૂ. બે લાખથી વધુનો ખર્ચ તેમજ રીચાર્ચ ફિલ્ટર માટે રૂ. 60 હજાર સહિત કુલ રૂ. 2.62 લાખનો ખર્ચ અંદાજવામાં આવે છે. જો કે પરકોલેટિંગ વેલની 80:20 સ્કીમનો લાભ લેવા માટે સોસાયટીઓના કુલ મકાનો પૈકી 50 ટકા મકાનોનો ટેક્સ ભરેલ હોવો જોઈએ, પરકોલેટિંગ વેલની જગ્યા દર્શાવતો લે-આઉટ પ્લાન રજૂ કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...