ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં માસ પ્રમોશન અપાતાં ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સની બેઠકો પર પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની ટકાવારી ગયા વર્ષ કરતાં વધીને 65 ટકાથી વધુ પહોંચે તેવી શક્યતા છે. ગયા વર્ષે 57.37 ટકા વિદ્યાર્થીઓએ ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સની બેઠકો પર પ્રવેશ મેળવ્યો હતો. ધોરણ 10ની માર્ચ 2020ની પરીક્ષામાં રેગ્યુલર 7,92,942માંથી 4,80,845 વિદ્યાર્થી પાસ થયા હતા. આશરે ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. જ્યારે માર્ચ 2021ની પરીક્ષામાં 8,57,204 લાખ વિદ્યાર્થીને માસ પ્રમોશન અપાયું છે.
ગુજરાત રાજ્ય સેલ્ફ ફાઇનાન્સ ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ એસોસિયેશનના પ્રમુખ જિતુ ઉપાધ્યાયે કહ્યું કે, ધો.11માં વર્ગદીઠ 75 વિદ્યાર્થી સમાવવાનો નિર્ણય લેવાયો હોવા છતાં મધ્યમ અને ઓછી ટકાવારી ધરાવતા આશરે એક લાખ વિદ્યાર્થીઓને સાયન્સ કે કોમર્સમાં એડમિશન મળવાની શક્યતા ઓછી હોવાથી તેઓ ડિપ્લોમા તરફ વળે તેવી શક્યતા છે.
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ (એસીપીડીસી)નાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ધોરણ 10ની માર્ચ 2020ની બોર્ડની પરીક્ષાના પરિણામમાં આશરે ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. તેની સામે આ વર્ષે માર્ચ 2021ની બોર્ડ એક્ઝામમાં 8.57 લાખ આસપાસ રેગ્યુલર વિદ્યાર્થીઓ પાસ થયા છે. ધો. 10 પછી ડિપ્લોમા માટે અત્યાર સુધીમાં 38 હજારથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને અંતિમ તારીખ 23 ઓગસ્ટ છે, જેમાં હજુ વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવે તેવી શક્યતા છે.
વર્ષ | રજિસ્ટર્ડ | ઇનટેક | એડમિટેડ | એડમિટેડ | વેકેન્ટ | વેકેન્ટ |
2016-17 | 65174 | 60469 | 42579 | 70.41% | 17890 | 29.59% |
2017-18 | 50853 | 61735 | 39824 | 64.51% | 21911 | 35.49% |
2018-19 | 60095 | 61650 | 43172 | 70.03% | 18478 | 29.97% |
2019-20 | 54240 | 74715 | 41510 | 55.56% | 33205 | 44.44% |
2020-21 | 47534 | 64169 | 36814 | 57.37% | 27355 | 42.60% |
બેઠકોની સામે વિદ્યાર્થીઓની કુલ સંખ્યામાં અઢીગણો વધારો
ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સીસમાં ગયા વર્ષે આશરે 64 હજાર જેટલી બેઠકો હતી, તેની સામે આ વર્ષે પણ એટલી જ બેઠકો છે, પરંતુ ગત વર્ષની તુલનાએ આ વર્ષે કુલ બેઠકોની સામે વિદ્યાર્થીઓની કુલ સંંખ્યામાં અઢીથી ત્રણ ગણો વધારો નોંધાયો છે, જેના કારણે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની ટકાવારીમાં વધારો થવાની સંભાવના છે.
રેગ્યુલર વિદ્યાર્થીઓને પાસ કરાતા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ વધશે
2020માં પાસ થનારા વિદ્યાર્થીઓની તુલનાએ 2021માં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતાં આ વર્ષે નોંધપાત્ર પ્રમાણમાં ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે. આ વખતે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં 62 ટકાથી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ લે તેવી શક્યતા છે. > ડો. ભાસ્કર ઐયર, મેમ્બર સેક્રેટરી, એસીપીડીસી
10થી વધુ બ્રાન્ચમાં પ્રવેશ મેળવી શકાશે
સિવિલ,મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, આઈસી, પર્યાવરણ, કેમિકલ, આઈટી, ટેક્સટાઇલ સહિતની વિવિધ વિદ્યાશાખાની આશરે 10થી વધુ એન્જિનિયરિંગ કોર્સીસની બેઠકો પર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે.
આ પણ 2 કારણ
માસ પ્રમોશનને કારણે ધો.11માં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ ડિપ્લોમામાં રસ દાખવે તેવી શક્યતા છે. ઉપરાંત કોરોનામાં નોકરી-વ્યવસાય કરતા વાલીઓની આર્થિક સ્થિતિ કથળતાં તેમનાં સંતાનો પણ સરકારી-ગ્રાન્ટ ઇન એઇડ ડિપ્લોમા કોલેજમાં પ્રવેશ લે તેવી શક્યતા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.