સરવે:ગુજરાતના 15 જિલ્લામાં દીકરીનાં બાળલગ્નની ટકાવારી રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કન્યાનાં લગ્નની વય 21 વર્ષ કરવાની તૈયારી વચ્ચે ચોંકાવનારા આંકડા
  • ગુજરાતની દર ચોથી કન્યાના 18 વર્ષ પહેલાં લગ્ન કરી દેવાય છે

દેશની સંસદમાં દીકરીઓની લગ્નની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવા માટેનું બિલ ટૂંકમાં જ રજૂ થવા જઇ રહ્યું છે ત્યારે તાજેતરમાં જ જારી થયેલા નેશનલ ફેમિલી હેલ્થ સરવે-5ના તારણોમાં ગુજરાતમાં દીકરીઓનાં બાળલગ્નોનાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ આંકડા પ્રમાણે 15થી 24 વર્ષની ગુજરાતની 25 ટકા એટલે કે દર ચોથી દીકરીએ સ્વીકાર્યું છે કે તેનાં લગ્ન 18 વર્ષ પહેલાં કરી દેવાયા હતાં. મહત્વનું એ છે કે, ગુજરાતમાં 33માંથી 15 જિલ્લા તો એવા છે કે જ્યાં 18 વર્ષ પહેલાં દીકરીનાં લગ્નની સરેરાશ રાષ્ટ્રીય સરેરાશ 23.3 કરતાં અનેકગણી વધુ છે.

ગુજરાતમાં સૌથી વધુ બાળલગ્ન ખેડા જિલ્લામાં થાય છે જ્યાં 20થી 24 વર્ષની 49.2 ટકા દીકરીએ સ્વીકાર્યું છે કે તેમનાં બાળલગ્ન થયા છે. બીજા શબ્દોમાં કહીએ તો ખેડામાં દર બીજી દીકરી બાળલગ્નનો ભોગ બને છે. ગુજરાતનાં 33 જિલ્લાઓમાં 20થી 24 વર્ષની પરિણીત દીકરીઓનાં લગ્નની ઉંમરનાં આંકડા ફેમિલી હેલ્થ સરવેમાં જાહેર થયા છે. જેમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં દીકરીઓને 18 વર્ષથી પહેલાં લગ્નનો ટ્રેન્ડ વધુ જોવા મળ્યો છે જ્યારે સૌરાષ્ટ્રીમાં આ ટ્રે્ન્ડ ઓછો છે.

‘વય વધારવાથી નહીં કડક કાર્યવાહીથી બાળલગ્નો અટકશે’
ઉત્તર, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં શૈક્ષણિક અને સામાજિક પછાતપણાના કારણે કન્યા શિક્ષણ ઓછું છે. જેની સામે સૌરાષ્ટ્રમાં પ્રોગ્રેસીવ રજવાડાં તેમજ સમાજ સુધારણાનાં અન્ય કામોને કારણે બાળલગ્નનું દૂષણ ઓછું છે. સરકારે લગ્ન ઉંમર 18 વર્ષથી વધારી 21 કરવાને બદલે જે 18 વર્ષની મર્યાદા છે તેનો કડકપણે અમલ કરાવવો જોઇએ. કેમ કે બાળલગ્નોનાં મોટા આંકડા દર્શાવે છે કે બાળલગ્નો રોકવા માટે યોગ્ય કામ નથી થતું. - પ્રો.ગૌરાંગ જાની, સમાજશાસ્ત્રી, અમદાવાદ

ઉત્તર, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં સૌથી વધુ બાળલગ્નો
ગુજરાતમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 18 વર્ષ પહેલાં લગ્ન કરાવવાનો ટ્રેન્ડ વધુ છે. 20થી 24 વર્ષની સૌથી વધુ ખેડામાં 49.2 ટકા દીકરીઓએ સ્વીકાર્યું કે તેમનાં લગ્નો 18 વર્ષ પહેલાં થઇ ગયા હતાં. બનાસકાંઠા (37.3), પાટણ (35.4), પંચમહાલ (34.1), મહેસાણા (32.3), ગાંધીનગર (32.6), મહિસાગર (30.7), ડાંગ (30.2) જેવા જિલ્લાઓમાં ખૂબ ઉંચો જોવા મળ્યો. જો 18 પહેલાં દીકરીનાં લગ્ન અંગે ગુજરાતનાં 15 જિલ્લામાં રાષ્ટ્રીય સરેરાશ 23.3 ટકા કરતાં ઊંચી સરેરાશ મળી છે. રાજ્યની આ સરેરાશ 21.8 ટકા છે.

સૌરાષ્ટ્રમાં બાળલગ્નનો દર ઓછો, જામનગરમાં માત્ર 6.8 ટકા
સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં ઓછા કેસમાં છોકરીઓને 18 વર્ષ પહેલાં પરણાવાય છે. જામનગર જિલ્લામાં 20થી 24 વર્ષની માત્ર 6.8% મહિલાઓએ સ્વીકાર્યું કે તેમના લગ્ન 18 પહેલાં થયા હતાં. મોરબીમાં 8.9%, ગીરમાં 9.9% કન્યાના લગ્ન 18 વર્ષ પહેલા થાય છે.