સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઈકેડીઆરસી)ને 100 કરોડના દાનની એક દાતાએ જાહેરાત કરી છે.
13 ઓગસ્ટે વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત મીડિયા ક્લબના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, કિડની હોસ્પિટલમાં સારવાર માટે આવેલા એક દર્દીને મળેલી સંતોષકારક સારવારના કારણે તેમના સંબંધીઓએ કિડની હોસ્પિટલને 100 કરોડનું દાન આપવાની તૈયારી બતાવી છે. જોકે દાતાએ તેમના નામનો ઉલ્લેખ કરવાની ના પાડી હતી. જોકે કિડની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. પ્રાંજલ મોદીના માધ્યમથી કિડની હોસ્પિટલને દાન મળ્યું હોવાનો ઉલ્લેખ કરાયો હતો. કિડની હોસ્પિટલના રાજ્યમાં આશરે 54 ડાયાલિસિસ સેન્ટર ચાલે છે, જેમાં સાડા 14 લાખ દર્દીઓનું વિનામૂલ્યે ડાયાલિસિસ કરાયું છે.
સિવિલમાં આવતા 45 ટકા દર્દીઓ ગુજરાત બહારના
કિડની હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. વિનીત મિશ્રાએ કહ્યું કે, ઇન્સ્ટિટ્યૂટમાં 45 ટકાથી વધુ દર્દીઓ ગુજરાત બહારથી આવે છે, જે બતાવે છે કે અન્ય રાજ્યોની સરખામણીએ કિડની હોસ્પિટલની સારવાર શ્રેષ્ઠ છે. અહીં દર્દીઓને તમામ સરકારી યોજનાનો લાભ પણ મળે છે.
લાઇવ ઓર્ગન ડોનેશન નાબૂદ કરવાનો લક્ષ્યાંક
કિડની હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. વિનીત મિશ્રાએ કહ્યું કે, બ્રેનડેડ વ્યક્તિના અંગોનું દાન થઈ શકે છે. તે અંગો ત્યારે જ ઉપયોગી છે જ્યારે ચોક્કસ સમયે તેનું દાન કરાય. ગુજરાતમાં અંગદાનના કાર્યને વેગ મળે તે માટે 10 લાખથી વધુ લોકોને અંગદાન માટેના શપથ લેવડાવાશે. 2025 સુધીમાં લાઇવ ઓર્ગન ડોનેશનને નાબૂદ કરવાનો અમારો લક્ષ્યાંક છે.
18 વર્ષ બાદ પણ શાળા આરોગ્ય કાર્યક્રમનો લાભ
રાજ્યમાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત શાળામાં ભણતાં બાળકોને ગમે તેવો જીવલેણ રોગ લાગુ પડ્યો હોય તેની સારવારનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. અત્યાર સુધી યોજનામાં રહેલી ખામી મુજબ બાળક 18 વર્ષ પૂરાં કરે ત્યાર બાદ તેને મળતી સારવારમાં રાહત બંધ થતી હતી. જોકે હવે સરકારે યોજનામાં ફેરફાર કર્યો છે કે, બાળકની નોંધણી 18 વર્ષ પૂરાં કરે તે પહેલાં થઈ હશે તો તેને 18 વર્ષ પછી પણ શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.