વિવાદ:લર્નિંગ લાઇસન્સ માટે પાસિંગ માર્ક 60% છે પણ 73%એ જ પાસ કરાય છે

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • RTOના ભૂતપૂર્વ અધિકારીએ વાહન કમિશનરને રજૂઆત કરી
  • ITIના કર્મચારીઓ નિયમો અંગે અજાણ હોવાનો આક્ષેપ

વાહનના કાચા લાઇસન્સની પરીક્ષામાં 60 ટકા પ્રશ્નોને બદલે 73.33 ટકા પ્રશ્નો સાચા હોય તો પાસ કરાતા હોવાની ફરિયાદો ઊઠી છે. આરટીઓના પૂર્વ અધિકારી જી. એમ.પટેલે વાહનવ્યવહાર મંત્રી, સચિવ અને કમિશનર રાજેશ મંજુને પત્ર લખી આ ગંભીર ક્ષતિ સુધારવા રજૂઆત કરી છે. વાહનવ્યવહાર વિભાગના ઓએસડી એચ.એમ.વોરાએ કહ્યું કે, આ અંગે તપાસ કરાશે.

આરટીઓના ભૂતપૂર્વ અધિકારીએ રજૂઆત કરી છે કે, લર્નિંગ લાઇસન્સની પરીક્ષામાં પાસ થવાના ધારાધોરણ નિયમ અનુસાર રાખવામાં આવે તો ભ્રષ્ટાચાર ઘટવાની સાથે દલાલો અને એજન્ટો પર અંકુશ આવશે.

વાહનનાં કાચાં લાઇસન્સની પરીક્ષાની કામગીરી આઈટીઆઈ સંસ્થાઓમાં ચાલી રહી છે. સંસ્થાના પ્રિન્સિપાલ સહિત સ્ટાફને વાહન વ્યવહારના નિયમો અંગે કોઈ જાણકારી નથી, જેનું નુકસાન કાચા લાઇસન્સના અરજદારોને ભોગવવું પડે છે. કાચા લાઇસન્સની પરીક્ષામાં અગાઉ 250 પ્રશ્નોની બુકમાંથી પ્રશ્નો પૂછવામાં આવતા હતા. હવે 400 પ્રશ્નોની બુકમાંથી 15 પ્રશ્નો પુછાય છે. 15 પ્રશ્નોમાંથી 73 ટકા પ્રશ્નો સાચા હોય તો જ અરજદારને પરીક્ષામાં પાસ કરાય છે.

હકીકતમાં કેન્દ્રીય મોટર વાહન નિયમો 1989ના નિયમ મુજબ વાહનના કાચા ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા જતાં અરજદારોએ 60 ટકા સાચા જવાબ આપ્યો હોય તો તેને પાસ કરવાના હોય છે છતાં પરીક્ષામાં પાસ થવા માટે 73.33 ટકા પ્રશ્નોના સાચા જવાબ આપવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જેથી આ પરીક્ષામાં સુધારો કરવા રજૂઆત કરાઈ છે.

પરીક્ષામાં બિનજરૂરી પ્રશ્નો પુછાય છે
અધિકારીએ રજૂઆત કરી છે કે, પરીક્ષામાં બિનજરૂરી પુછાતા પ્રશ્નો ત્વરિત બંધ કરવા જોઈએ. બિનજરૂરી પ્રશ્નો ટુવ્હીલર ચલાવનાર વાહનો માટે કોઈ મહત્ત્વ ધરાવતા નથી. વર્ષોથી ચાલી આવતી પરીક્ષાની પેટર્નમાં કોઈ બદલાવ થતો નથી. ઉચ્ચ અધિકારીઓએ નિષ્ણાતો તેમ જ લોકોના સૂચનો પર પૂરતું ધ્યાન આપવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...