વિવાદ:ભાગીદારી ન રાખવા બાબતે પાર્ટનરે ડોક્ટરની કારનો કાચ તોડી માર માર્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઓઢવ પોલીસ સ્ટેશનમાં ડોક્ટરે ભૂતપૂર્વ પાર્ટનર સામે ફરિયાદ નોંધાવી
  • ડોક્ટરે​​​​​​​ 2 વર્ષ પહેલાં ભાગીદારીમાં હોસ્પિટલ શરૂ કરી વર્ષ પહેલાં જ છોડી હતી

નવા નરોડામાં રહેતા એક ડોક્ટરની કારના કાચ તોડી, મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ડોક્ટરે તેમના ભૂતપૂર્વ ભાગીદાર વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. નવા નરોડાના શુભમ્ બંગ્લોઝમાં રહેતા ડો. કૃણાલ પટેલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ કઠલાલમાં આવેલી તથાસ્તુ હોસ્પિટલમાં દવાખાનું ધરાવે છે. ઉપરાંત હળધરવાસમાં અને નરોડાની ડિવાઇન કેર હોસ્પિટલમાં પાર્ટનરશિપમાં દવાખાનું ધરાવે છે. બે વર્ષ પહેલાં તથાસ્તુ હોસ્પિટલમાં તેમની સાથે વિજય બાબુભાઈ રાવલ (રામવિલા બંગ્લોઝ, સિંગરવા) સાથે તેમની પાર્ટનરશિપ હતી. જોકે વિજયભાઈની વર્તણૂક સારી ન હોવાથી તેમણે એક વર્ષ પહેલાં ભાગીદારી છોડી દીધી હતી.

આ દરમિયાન શુક્રવારે ડો. કૃણાલ પટેલ બપોરે હળદરવાસ ખાતેની હોસ્પિટલે ગયા હતા અને ત્યાંથી સાંજે સાડા પાંચે તેમના ડ્રાઇવર યશ પટેલ સાથે કાર લઈને નરોડાની ડિવાઇન કેર હોસ્પિટલ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઓઢવ-સિંગરવામાં વડવાળી ચાલીના નાકે ઉમા કોમ્પલેક્સ પાસે વિજય રાવલ તથા બે અજાણ્યા લોકોએ તેમની કારના આગળ પાછળના બંને દરવાજાના કાચ દંડા મારી તોડી નાખ્યા હતા, જેથી ડો. કૃણાલે કારમાંથી ઊતરીને વિજય રાવલને ‘આમ કેમ કરો છો’ તેમ પૂછતાં વિજય રાવલ અને તેની સાથેની બે વ્યક્તિએ તેમને ગડદાપાટુનો માર માર્યો હતો. બૂમાબૂમ થતાં તેમના ડ્રાઇવર યશ પટેલે છોડાવવા જતાં તેને પણ ગડદાપાટુનો માર માર્યો હતો.

વિજય પટેલે ધમકી આપી હતી કે, હવે પછી મારી સાથે પાર્ટનરશિપની ના પાડીશ તો તને જાનથી મારી નાખીશ. તે દરમિયાન લોકો ભેગા થતા વિજય રાવલ અને તેના બે માણસો ભાગી ગયા હતા. આ અંગે ડો. કૃણાલ પટેલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય રાવલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

હુમલામાં ડોક્ટરને હાથના ભાગે ફ્રેક્ચર થયું
વિજય રાવલ અને તેના બે માણસોએ માર માર્યા બાદ ડો. કૃણાલ પટેલ સિંગરવાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે જતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા. તેમના ડાબા હાથે ફ્રેક્ચર થયું હોવાનું ડોક્ટરે જણાવ્યું હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે.

અન્ય સમાચારો પણ છે...