દુર્ઘટના:અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર બોપલથી શાંતિપુરા જવા નવા બની રહેલા બ્રિજનો વચ્ચેનો ભાગ ધરાશાયી થયો

અમદાવાદએક મહિનો પહેલા
નવા બની રહેલા બ્રિજનો વચ્ચેનો ભાગ નીચે પડ્યો
  • આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી
  • ફાયરવિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ

અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર નવા બની રહેલા બ્રિજનો ભાગ તૂટી પડ્યો છે. બોપલથી શાંતિપુરા તરફ જવા બની રહેલા નવા બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો છે. આ ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. આ સાથે જ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ પણ ઘટનાસ્થળે જવા માટે રવાના થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

કોઈ જાનહાનિ સામે આવી નથીઃ ચીફ ફાયર ઓફિસર
આ મામલે ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું છે કે, ‘નિર્માણાધિન બ્રિજ પર 10થી 12 મજૂરો કામ કરતા હતા. ત્યારે અચાનક જ બ્રિજનો સ્લેબ તૂટી પડતા નીચે ઉતરી ગયા હતા. સ્લેબની નીચે કોઈ ફસાયું છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. જો કે, હજી સુધી કોઈ જાનહાનિ સામે આવી નથી. લેબર કોન્ટ્રાકટર પાસે મજૂરોની માહિતી મેળવવામાં આવશે.’

રાતનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી
રાતનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી

આવતીકાલે તપાસ કરવામાં આવશે
મહત્વનું છે કે, બોપલથી શાંતિપુરા જતા રિંગ રોડ પર વાયએમસી ક્લબ રોડના ટર્નિંગ પાસે છેલ્લા છ મહિનાથી ઔડા દ્વારા બ્રિજ બનવાની કામગીરી ચાલી રહી છે. ઔડા દ્વારા નિર્માણાધિન બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો છે. આ મામલે આવતીકાલે સવારે ઔડાના અધિકારીઓ અને ઈજનેર ખાતાના અધિકારીઓ તપાસ શરૂ કરશે.

બ્રિજના સ્પોર્ટ માટે મૂકવામાં આવેલા લોખંડના બીમ પણ તૂટી ગયા
બ્રિજના સ્પોર્ટ માટે મૂકવામાં આવેલા લોખંડના બીમ પણ તૂટી ગયા

પૂલના સપોર્ટ બીમ પણ તૂટ્યાં
આ દુર્ઘટનામાં બ્રિજના સ્પોર્ટ માટે મૂકવામાં આવેલા લોખંડના બીમ પણ તૂટી ગયા હતા. રાતનો સમય હોવાથી એકપણ મજૂર નીચે નહોતો. જેને કારણે મોટી જાનહાનિ ટળી છે. મહત્વનું છે કે, બ્રિજની કામગીરી 50 ટકા પૂર્ણ થઈ ગઈ હતી.