સ્કૂલોના સંખ્યાબંધ બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો છે પરંતુ તેમનામાં હળવા લક્ષણો હતા અને તેઓ હોમઆઇસોલેશનમાં રહીને સાજા થઈ ગયા હતા. કોરોના સંક્રમિત બાળકોના વાલીઓ માને છે કે, બાળકોમાં માઇલ્ડ સિમ્ટમ્સ છતાં દરેક વાલીએ તકેદારી રાખવી જરૂરી છે.
કોરોનામાં આઇસોલેશનમાં રહેવું અઘરું હોય છે, કોરોના પોઝિટિવ બાળકોને કોરોના દરમિયાન એકલું ન લાગે, કંટાળો ન આવે તે માટે વાલીએ પણ અવનવી ટેકનિક અપનાવી હતી. જેમાં બાળક કોરોના સંક્રમિત હોવા છતાં પણ ઓનલાઇન સ્કૂલ ચાલુ રખાવી હતી, રૂમમાં એકલા કંટાળો ન આવે તે માટે બાળકના રૂમમાં જ ટી.વી.શિફ્ટ કરી દીધું. બાળકને જાતે જ ઓક્સિજન માપવાનું શીખવ્યું. હાલ મોટાભાગના બાળકો સાજા થઈ ગયા છે.
મેં દીકરાને કહ્યું, ઘણાને ચેપ લાગ્યો, બધા સાજા થઈ ગયા
મારા 7 વર્ષના દીકરાને ચેપ લાગતા તે ખૂબ રડ્યો. મેં તેને સમજાવ્યો કે દુનિયામાં ઘણાંને ચેપ લાગ્યો છે અને સાજા થયા છે. તેથી તેનામાં હિંમત આવી. હવે તે સ્વસ્થ છે. - હાર્દિ શાહ, બાળકની માતા
બાળકો સાથે માતા-પિતા પણ પોઝિટિવ આવ્યાં હતાં
અમારી બે દીકરીઓની સાથે અમે પતિ–પત્ની પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેથી અમે સાથે જ રહેતા હતા. જેના કારણે બાળકોએ એકલાં કોઇ કામ કરવું પડ્યું નહોતું. - રશ્મિ પટેલ, નામ બદલ્યું છે
બાળકને સમજાવો કે કોરોના ચેપી છે પણ ભયાનક નથી
સૌથી પહેલાં બાળકને સમજાવવું કે દરરોજ જે આંકડા જાહેર થાય છે તે સંક્રમિતના છે, મૃત્યુના નથી. બાળક કોરોના સંક્રમિત થાય છે. સમજાવો કે કોરોના ભયંકર નથી. - પ્રશાંત ભિમાણી, સિનિયર સાઇકોલોજિસ્ટ
માસ્ક વગર ફરતા 231 પાસેથી 2.81 લાખ દંડ વસૂલાયો
કોરોના સંક્રમણ વચ્ચે માસ્ક વગર ફરતા 231 વ્યક્તિઓને પકડીને 2.81 લાખનો દંડ મ્યુનિ.ના સોલિડ વેસ્ટ વિભાગે વસૂલ્યો છે. સૌથી વધુ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 76 વ્યક્તિઓને પકડીને 1.26 લાખ દંડ વસૂલવામાં આવ્યો હતો. કોર્પોરેશનના દ્વારા દંડાત્મક કાર્યવાહી થતી હોવા છતાં હજી પણ લોકો માસ્ક વગર ફરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.