તસ્કરી:પાલડીમાં વૃદ્ધા દર્શન કરવાં ગયાં અને અડધા કલાકમાં ઘરમાંથી 2 લાખની ચોરી; બેડરૂમની તિજોરીમાંથી દાગીના ચોર્યા

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તિજોરી ચાવીથી ખોલી ચોરી કરી હોવાથી કોઈ જાણભેદુ જ હોવાની શંકાના આધારે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી

પાલડીમાં રહેતા વૃધ્ધા સવારે ઘરની સામે આવેલા દેરાસર દર્શન કરવા ગયા અને પાછા આવ્યા ત્યાર સુધીના અડધા કલાક માં જ તેમના મકાનમાં ઘૂસી આવેલા તસ્કરો સોનાના હીરા જડિત દાગીના અને રોકડ મળીને કુલ રૂ.1.83 લાખની મત્તા ચોરી ગયા હતા. ઉલ્લેખનિય છે કે તસ્કરોએ બેડરુમની 2 તિજોરી પણ ચાવી ભરાવીને જ ખોલી હોવાથી આ ચોરી કોઇ જાણભેદુએ કરી હોવાની શંકાના આધારે પોલીસે તે દિશામાં તપાસ શરુ કરી છે.

પાલડીની નવપદ સોસાયટીમાં રહેતા અરુણાબહેન તેલી(79)ના પતિ કિરિટભાઈ અમુલભાઈ તેલીનું 2018માં હાર્ટ એટેકથી અવસાન થયું હતું અને તેમની બંને દીકરીઓ સાસરીમાં રહે છે. અરુણાબહેન ગત 14 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે ઘરના મુખ્ય દરવાજાનો નકુચો બંધ કરીને ઘરની સામે આવેલા દેરાસરમાં દર્શન કરવા ગયા હતા.

લગભગ અડધો કલાક બાદ અરુણાબહેન ઘરે આવ્યા અને જોયું તો બેડરુમની તિજોરીના હેન્ડલ ઉપર લટકાવેલા કેલેન્ડર પલંગ પર પડયા હતા, જ્યારે બંને તિજોરીના દરવાજા ખુલ્લા જ હતા. આ જોઈને તેમણે તુરંત જ તિજોરીમાં તપાસ કરી તો તેમાંથી રોકડા રૂ.3 હજાર અને સોનાના હીરા જડિત દાગીના (કિંમત રૂ.1.80 લાખ) મળીને કુલ રૂ.1.83 લાખની મત્તાની ચોરી થઇ હતી. આ અંગે અરુણબહેને દીકરીને જાણ કરતા દીકરી અને જમાઈ દોડી ઘરે દોડી આવ્યા હતા. આ અંગે અરુણાબહેને પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.ઘરમાંથી ચોરી કોઈ જાણભેદુએ કરી હોવાની આશંકાના આધારે પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...