તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવાનો બીજા વિકલ્પ તરફ વળ્યાં:કોરોનામાં આર્થિક તંગી ઊભી થતાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોની સંખ્યા ઘટી

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પરિવારને મદદરૂપ થવા કેટલાકે પરીક્ષાની તૈયારીની સાથે સાથે નોકરી શરૂ કરી
  • ભરતી પરીક્ષાની તારીખોમાં વારંવાર ફેરફારને કારણે યુવાનો બીજા વિકલ્પ તરફ વળ્યા

કોરોના મહામારીને કારણે સરકારી નોકરી માટેની પરીક્ષાની તૈયારી કરતા યુવાનોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. હવે યુવાનો પોતાના પરિવારને આર્થિક ટેકો આપવા માટે નોકરીની સાથે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.

કોરોના મહામારીને કારણે ઘણા લોકોએ પોતાની નોકરી, ઘરના સ્વજનો ગુમાવ્યા છે. આ સ્થિતિમાં કુટુંબોની આવક ઘટી છે, જેને પહોંચી વળવા ઘરના તમામ સભ્યોએ કમાવાની જરૂરિયાત ઊભી છે. કોરોના મહામારી પહેલા જે યુવાનો ફુલ ટાઇમ પરીક્ષાની તૈયારી કરતા હતા, તેમાંથી 30 ટકા કરતાં વધુ ઉમેદવારોએ તૈયારી છોડી દીધી છે. બાકીના ઘણા ઉમેદવારો કુટુંબને મદદરૂપ થવા નાની નોકરીની સાથે પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, જેના પરિણામે પરીક્ષાની તૈયારી કરાવતા ટ્યૂશન ક્લાસીસોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે.

ઓછી ફીથી ઓનલાઇનમાં સંખ્યા વધી
કોચિંગ ક્લાસના સંચાલકોના જણાવ્યા પ્રમાણે હાલમાં ઓનલાઇન ક્લાસીસમાં સંખ્યા વધી રહી છે, કારણ કે ઓફલાઇનની સરખામણીએ ઓનલાઇન કોચિંગ ક્લાસની ફી બહુ જ ઓછી હોય છે. ઉપરાંત ઉમેદવારો નોકરીની સાથે અને પોતાના ઘર કે શહેરમાંથી ઓનલાઇન ક્લાસમાં જોડાઈ શકે છે, જેથી તેમનો રહેવાનો, જમવાનો અને ટ્રાવેલિંગનો ખર્ચ બચી જાય છે.

શહેરમાં 900 ક્લાસીસ બંધ થયા
અમદાવાદમાં કોરોના મહામારીમાં આર્થિક ભીંસને કારણે 900 કોચિંગ ક્લાસ બંધ થયા છે. જે ક્લાસ ભાડાં પર હતાં તેની પર સૌથી વધુ અસર થઈ છે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા ટ્યૂશન ક્લાસીસના સંચાલકોને મોટી અસર થઇ છે. આશા છે કે આવનારા સમયમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધશે. - વિજય મારુ, પ્રેસિડન્ટ, અમદાવાદ એજ્યુકેશન ગ્રૂપ

પરિવારના અન્ય સભ્યે કમાવવાની જરૂર પડી
યુવાનો પાસે હવે નોકરીના વિકલ્પ વધ્યા છે. સરકારી નોકરી માટેની પરીક્ષાની તારીખોમાં વારંવાર થતાં ફેરફારોને કારણે ઉમેદવારોની સંખ્યા ઘટી છે. સૌથી વધુ અસર કોરોનાને કારણે થઈ છે. જે કુટુંબોમાં કમાનાર નથી અથવા તેની નોકરી છૂટી ગઈ છે તેમના પરિવારના સભ્યોને પણ નોકરી કરવાની ફરજ પડી છે. આ સ્થિતિમાં પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારો ઘટ્યા છે. - રાજેન્દ્ર ઉપાધ્યાય, કરિયર કાઉન્સેલર

અન્ય સમાચારો પણ છે...