સાટા પદ્ધતિના કુરિવાજનો એક કિસ્સો હાઇકોર્ટ સમક્ષ આવતા કોર્ટે એવી ટકોર કરી હતી કે, સાટા પધ્ધતિના કુરિવાજને લીધે છોકરીઓની સંખ્યા ઘટી રહી છે. સામ-સામા દિકરા દિકરીઓને પરણાવવાના રિવાજને લઇને પત્નીને પિયરિયાઓએ તેમની દિકરીને ઘરમાં ગોંધી રાખતા પતિએ હેબિએસ કોર્પસ કરી છે. તેમા એવી દલીલ કરાઇ હતી કે તેને બહેન નહી હોવાથી પત્નીના ભાઇને પત્ની સાટા પાટામાં મળી નથી. જેનાથી નારાજ થઇને પત્નીના પિયરિયાએ તેની પત્નીને પોતાના ઘરમાં પરાણે પૂરી દીધી છે. કોર્ટે પોલીસના રક્ષણ સાથે પત્નીને પતિને સોંપી દેવા પિયરિયાને આદેશ કર્યો છે અને પતિ-પત્નીનું મિલન કરાવ્યુ હતુ.
ઈડરમાં રહેતી ચોક્કસ જ્ઞાતિમાં છોકરા-છોકરીને સાટા પાટા દ્વારા પરણાવવાનો રિવાજ છે. ઈડરના યુવકે હેબિઅસ કોર્પસ કરી પત્નીને મેળવવા દાદ માગી હતી. અરજીમાં દલીલ કરી કે પત્નીના પિયરિયા છૂટાછેડા લેવા દબાણ કરે છે. પતિ-પત્નીને સાથે રહેવું છે. પરંતુ પતિને કોઇ બહેન ન હોવાથી પત્નીના ભાઈને પરણાવવાની સમસ્યા થશે તેવા ડરથી દીકરીને પણ છૂટાછેડા લેવા દબાણ કરવામાં આવે છે.
કોર્ટે કહ્યું, પત્નીને મળવા જતાં પતિને રોકી શકાય નહીં
કોર્ટે યુવતીને તેના પતિ પાસે મોકલવા આદેશ કર્યો હતો સાથે એવું અવલોકન કર્યુ હતુ કે, સાટાપાટામાં છોકરીઓની ઉંમર અને તેમની પસંદગીને કોઇ સ્થાન હોતું નથી. જેના કારણે કજોડા બને છે અને તેની અસર સેક્સ રેશિયોમાં જોવા મળી રહી છે. છોકરાઓની સંખ્યા સામે છોકરીઓની સંખ્યા ઘટી રહી છે. કોર્ટે ટકોર કરી હતી કે, પતિને તેની પત્ની સાથે જતા કોઈ રોકી શકે નહીં. સાટાપાટાના રિવાજને દંપતી પર થોપી શકાય નહીં.
બહેને પ્રેમલગ્ન કરતાં ભાઈના લગ્ન માટે સમસ્યા
ઇડરમાં સાથે અભ્યાસ કરતા યુવક- યુવતીએ ડિસેમ્બરમાં પ્રેમલગ્ન કરી લીધા હતા. યુવતીના પતિને એક ભાઈ હતો પણ બહેન નહોતી. તેથી ભાઇના લગ્ન સાટાપાટા દ્વારા થઇ શકશે નહી તે ડરથી યુવતીને છૂટાછેડા માટે દબાણ કરતા હોવાનું કોર્ટમાં કબૂલતા કોર્ટે પોલીસ પ્રોટેકશન સાથે યુવતીને સાસરે જવા મંજૂરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.