તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ એરપોર્ટ પર ધસારો:પાંચ વર્ષમાં ફ્લાઈટ-પેસેન્જરોની સંખ્યા વધી બમણી થઈ, પણ સુરક્ષાકર્મીઓની સંખ્યા પહેલા જેટલી જ

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં એરપોર્ટ પર પેસેન્જરોની સુરક્ષા માટે 850 જવાનો 24 કલાક ફરજ બજાવે છે
  • સુરક્ષાકર્મીઓની સંખ્યા વધારવા CISFના ઉચ્ચ અધિકારીએ દિલ્હી હેડક્વાર્ટરમાં પત્ર લખ્યો

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા 5 વર્ષ દરમિયાન ફ્લાઈટોની સંખ્યા વધવાની સાથે પેસેન્જરોની સંખ્યામાં પણ ઉછાળો આવ્યો છે. એરપોર્ટ હાલમાં પેસેન્જર સંખ્યામાં દેશમાં સાતમા નંબરે છે. પરંતુ એરપોર્ટની સાથે પેસેન્જરોની સુરક્ષા માટે 5 વર્ષ પહેલા પેસેન્જરોની સંખ્યા મુજબ ફાળવાયેેલા સીઆઈએસએફના 850 જવાનો આજે પણ ફરજ બજાવી રહ્યા છે. આ જવાનોની સંખ્યા ઓછી હોવાથી તેેમના પર કામનું ભારણ વધી રહ્યું છે. ત્યારે જવાનોની સંખ્યા વધારવા સીઆઈએસએફના અમદાવાદના ઉચ્ચ અધિકારીઓએ દિલ્હી હેડક્વાર્ટરમાં પત્ર લખ્યો છે. જેને આગામી દિવસોમાં મંજૂરી મળી જતા જવાનોની સંખ્યા વધારીને 1400 કરાય તેવી શક્યતા છે.

અંદાજે 1124 એકર એટલે કે 4.55 કિલોમીટર એરિયામાં અમદાવાદ એરપોર્ટ વિસ્તરેલું છે અને તેનો રનવે પણ 3.6 કિલોમીટર લાંબો છે. આજથી 5 વર્ષ પહેલા અમદાવાદ એરપોર્ટથી અંદાજે 125 ફ્લાઈટોનું સંચાલન થતું હતું જેમાં 8000થી 10000 પેસેન્જરોની દરરોજ અવરજવર રહેતી હતી. તે સમયે પેસેન્જરોની સંખ્યા અને ફ્લાઈટોની સંખ્યાને ધ્યાનમાં રાખી એરપોર્ટની સુરક્ષા માટે 850 સીઆઈએસએફના જવાનો ફાળવાયા હતા. પરંતુ આજે એરપોર્ટનું ડેવલપમેન્ટ થવાની સાથે ફ્લાઈટોની સંખ્યા પણ વધીને લગભગ 200 જેટલી થવાની સાથે પેસેન્જરોની સંખ્યા 20 હજાર સુધી પહોંચી છે. એરપોર્ટથી કાર્ગો મુવમેન્ટ પણ વધવાની સાથે લોકોની અવર જવર વધી છે. પરંતુ તેમની સુરક્ષા માટે જવાનોની સંખ્યામાં કોઈ વધારો થયો નથી.

VVIP ગેટ વિસ્તારમાં સુરક્ષા જવાનો વધારવા માગ કરાઈ
આ પરિસ્થિતિમાં એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત થાય તેની સાથે એરપોર્ટના એરિયામાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટર્મિનલના બન્ને ગેટ, ટર્મિનલની અંદર, રનવે એરિયામાં, એરપોર્ટ બાઉન્ડ્રી એરિયામાં, એટીસી, બેગેજ સ્કેનર, કાર્ગો ગેટ, ગુજસેલ, વીવીઆઈપી ગેટ સહિત અન્ય વિસ્તારમાં સુરક્ષા વધારી શકાય તે માટે જવાનોની સંખ્યા વધારવાની માગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...