મિશન 'કોંગ્રેસ રિવાઈવલ':કોંગ્રેસના નવા સંગઠનમાં પણ 'સૌના સાથ'ની ફોર્મ્યુલા, ઠાકોરની ટીમમાં 50% યુવાનો અને 50% સિનિયર સામેલ થશે

અમદાવાદએક મહિનો પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ
  • કૉપી લિંક
  • સુષુપ્ત જણાતી ગુજરાત કોંગ્રેસમાં નવા માળખાના તરવરાટ સાથે નવો પ્રાણ ફૂંકવાની જગદીશ ઠાકોરની વ્યૂહરચના
  • કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા જૂના જોગીઓની ઘરવાપસીની વાટાઘાટો, જો કે, કાર્યકરોના ત્યાગ-તપસ્યા શિરમોર રહેશે

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે આખાબોલા જગદીશ ઠાકોરની નિમણૂક કરાતા હવે તેના સંગઠનની રચનાનો ધમધમાટ શરૂ થયો છે. છેલ્લા બે વર્ષથી લગભગ સુષુપ્તાવસ્થામાં રહેલી કોંગ્રેસમાં હવે ચેતનોનો નવસંચાર થઈ રહ્યો હોય તેમ લાગે છે. ફાયરબ્રાન્ડ ઈમેજ ધરાવતા જગદીશ ઠાકોર (જે.ટી.)ની હાજરીની નોંધ લેવાઈ રહી છે. વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જગદીશ ઠાકોર નવી ટીમ બનાવવા કામે લાગી ગયા છે. આ નવી ટીમમાં 50% તરવરિયા યુવા નેતાઓ અને 50% અનુભવી સિનિયર નેતાઓનો સમાવેશ કરાશે. આમ બધાને સાથે રાખીને આગળ વધવાની ફોર્મ્યુલા જગદીશ ઠાકોરે ઘડી હોવાનું જાણવા મળ્યું છે. જાન્યુઆરીના મધ્યથી માંડીને અંત સુધીમાં ગમેત્યારે કોંગ્રેસની નવી ટીમ જાહેર થઈ જશે.

જે.ટી.ની પણ 'સહુને સાથે રાખી' આગળ વધવાની નીતિ
ગુજરાતમાં લાંબા સમયથી સુષુપ્ત અવસ્થામાં પડેલી કોંગ્રેસને પુનઃજિવિત કરવા જગદીશ ઠાકોર સંપૂર્ણ મેન્ડેટ લઈને આવ્યા છે. હવે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બનતાની સાથે જ જે.ટી.એ કોંગ્રેસના કોરાણે બેઠેલા નેતાઓને પણ એક્ટિવ કરી દીધા છે. તેમાં પણ પ્રમુખ ઠાકોર બધાને સાથે લઈને ચાલવાની નીતિ સાથે આગળ વધી રહ્યા છે. 50-50%ની ફોર્મ્યુલા આ માટે જ ઘડાઈ છે, જેમાં પૂર્વ પ્રમુખો, સિનિયર નેતાઓ સાથે સતત બેઠકો કરીને કોંગ્રેસને આગળ વધારવાનો પ્લાન બનાવી રહ્યાં છે. સાથે યુવા નેતાઓને પણ તે કાર્યમાં જોડવામાં આવશે.

જગદીશ ઠાકોરનો 125 સીટ હાંસલ કરવાનો લક્ષ્યાંક
વિધાનસભા ચૂંટણીમાં સત્તા હાંસલ કરવાના ટાર્ગેટ સાથે આગળ વધી રહેલા જગદીશ ઠાકોરની ફોર્મ્યુલા મુજબ 50% યુવાઓને સંગઠનમાં સ્થાન આપવાની સાથે 50% સિનિયરને પણ સાથે રાખીને કોંગ્રેસ સંગઠનનું નવસર્જન કરવાની ચર્ચા ચાલી રહી છે. જગદીશ ઠાકોરે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે રાખેલા 182 સીટોના ટાર્ગેટની સામે કોંગ્રેસ માટે 125 સીટ હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેઓ જ્ઞાતિના સમીકરણને સારી રીતે સમજે છે અને તે મુજબ સ્ટ્રેટેજી ઘડી રહ્યા છે.

કોંગ્રેસમાં કોની ઘરવાપસી કરવી તે અંગે બેઠકો શરૂ
તાજેતરમાં જ દિવ્યભાસ્કરે જગદીશ ઠાકોરને એક ઈન્ટરવ્યૂમાં સવાલ પૂછ્યો હતો કે, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા લોકો માટે કોંગ્રેસની કોઈ ફોર્મ્યુલા ખરી? તેમણે કહ્યું હતું કે, આ બાબતે કોંગ્રેસની બેઠકો ચાલુ છે. જે સારા માણસો છે એ કોંગ્રેસની વિચારધારાને લઈને પાછા આવવા માગતા હશે તો એવા માણસોને પણ કોંગ્રેસ સહર્ષ સ્વીકારશે. પરંતુ અમારા કાર્યકરના મોરલ, અમારા કાર્યકરનો ત્યાગ અને તપસ્યાના ભોગે અમે કોઈને સ્વીકારીશું નહીં. આગામી સમયમાં કોને પક્ષમાં લેવા અને કોને નહીં લેવા એ બાબતે કોંગ્રેસનું ગ્રુપ વિચારશે અને નક્કી કરશે તે પ્રમાણે જ નિર્ણય લેવામાં આવશે.

પ્રમુખ બન્યાનાં 15 દિવસ પહેલાં જ રણનીતિ જાહેર કરી હતી
જગદીશ ઠાકોરને પોતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનશે એવો અણસાર આવી ગયો હતો, જેથી તેમણે 15 દિવસ પહેલાં જ કોંગ્રેસને બેઠી કરવા અને ભાજપને પછાડવાની રણનીતિ તૈયાર કરી રાખી હતી. તેમણે 15 નવેમ્બરે પાટણમાં કાર્યકર્તાઓને કહ્યું હતું કે NSUI, સેવાદળ, યુથ કોંગ્રેસ અને અલગ અલગ સેલના કાર્યકર્તાઓએ દરરોજ સવારે બેથી ત્રણ કલાકની પદયાત્રા કરવી પડશે. કોંગ્રેસનો ઝંડો લઈને લોકોની વચ્ચે જવું પડશે. મોંઘવારી, ભ્રષ્ટાચાર અને સરકારની ખોટી નીતિઓના સ્લોગનો લખેલાં બેનરો લઈને ગામેગામ અને શહેરોમાં ફરવું પડશે. ગલીએ ગલીએ રોજેરોજ લોકસંપર્ક વધારવો પડશે. દરરોજ પાંચ ગલ્લા પર જઈને કોંગ્રેસની વાત રજૂ કરવી પડશે.

કોંગ્રેસનું જમ્બો પ્રદેશ માળખું તૈયાર થશે
ગુજરાત કોંગ્રેસમાં જગદીશ ઠાકોર પ્રમુખ બન્યાં તે પહેલાં પૂર્વ પ્રમુખ અમિત ચાવડાના કાર્યકાળમાં કોંગ્રેસમાં 406 સભ્યોનું ગુજરાત પ્રદેશનું માળખું હતું. જેમાં એક પ્રમુખ, 22 ઉપપ્રમુખ, 4 કાર્યકારી પ્રમુખ, 11 પ્રવક્તા, 43 મહા સચિવ,169 સચિવ, 06 પ્રોટોકોલ સચિવ, 07 સંયુક્ત સચિવ, 41 કાયમી આમંત્રિત સભ્યો, 54 સ્પેશિયલ આમંત્રિત સભ્યો અને એક ખજાનચીનો સમાવેશ કરાયો હતો. પરંતુ હવે કોંગ્રેસમાં નવા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરે ચાર્જ સંભાળી લેતાં ફરીવાર જમ્બો માળખું તૈયાર કરવામાં આવશે.

ભાજપમાં પાટીલે 319 સભ્યોનું નવું માળખું બનાવ્યું હતું
ભાજપમાં જીતુ વાઘાણીના સ્થાને સી. આર. પાટીલને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવાયા પછી પ્રદેશ માળખામાં ઘણા ફેરફારો કરાયા હતા. આ ફેરફારો બાદ ભાજપે ચૂંટણીઓમાં સારી સફળતા પ્રાપ્ત કરી હતી. કોંગ્રેસમાં હાલમાં 406 સભ્યોનું માળખું છે જે હવે નવેસરથી તૈયાર થશે. તેની સામે ભાજપમાં 319 સભ્યોનું માળખું છે. જેમાં 10 ઉપપ્રમુખ, 5 મહામંત્રી, 10 મંત્રી, 7 પ્રવક્તા અને સહપ્રવક્તા, 2 કોષાધ્યક્ષ, 79 પ્રદેશ કારોબારીના સભ્યો, 151 પ્રદેશ આમંત્રિત સભ્યો અને 53 વિશેષ આમંત્રિત સભ્યોનો સમાવેશ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...