બેદરકારી / બે દિવસ સુધી ટેસ્ટ પોઝિટિવ હોવાની જાણ જ ન કરતા આખો પરિવાર કોરોનાગ્રસ્ત, દિવ્યભાસ્કરના અહેવાલ બાદ SVPએ ભૂલ સ્વીકારી

X

  • યુવકના પિતાને SVP હોસ્પિટલના સ્ટાફે બપોરે નેગેટિવ જાહેર કરી ઘરે મોકલ્યા રાતે પોઝિટિવ કહી એડમિટ કર્યા
  • SVP અને AMCની બેદરકારીથી આજે આખો પરિવાર કોરોના વોર્ડમાં સારવાર હેઠળ, જવાબદાર કોણ?

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 01:43 PM IST

અમદાવાદ. અમદાવાદમાં કોરોનાનાં કેસો સાથે દર્દીઓના મોતના આંકડા પણ વધી રહ્યા છે. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનું દર્દીઓને જાણ કરવાથી લઈ હોસ્પિટલમાં દાખલ કરવા અંગે SVP હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. હાટકેશ્વર વિસ્તારમાં રહેતા અસરાની પરિવારના મોભીને SVP હોસ્પિટલે પહેલાં  કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાનું કહી ઘરે મોકલી દીધા હતાં. 8 કલાક બાદ મોડી રાતે ફોન કરી અને કહેવામાં ભૂલ થઈ હતી, તમારો પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે કહી અને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેમના પુત્રના રિપોર્ટ મામલે પણ બે દિવસ સુધી જાણ કરી નહોતી અને તેના સંક્રમણના કારણે આખા પરિવારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે DivyaBhaskarના આ અહેવાલ બાદ SVP હોસ્પિટલે ભૂલ સ્વીકારી લીધી છે અને આ મામલે ખુલાસો કરી દિલગીરી વ્યક્ત કરી છે.

દિવ્યભાસ્કરના અહેવાલ બાદ SVPએ બે દર્દીના સરખા નામને કારણે ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું

SVP હોસ્પિટલમાં હાટકેશ્વર વિસ્તારમાં રહેતા હર્ષ અસરાનીના પિતાને કોરોના પોઝિટિવ રિપોર્ટ હોવા છતાં નેગેટિવ કહી બપોરે ઘરે મોકલી ફરી રાતે ફોન કરી પોઝિટિવ હોવાનું કહી હોસ્પિટલમાં મોકલવા મામલે SVP હોસ્પિટલ તંત્રએ ખુલાસો કર્યો છે કે 21 મેના રોજ સરખા નામ ધરાવતા બે વ્યક્તિના રિપોર્ટ આવ્યા હતા. જેમાં પહેલો રિપોર્ટ બપોરે આવતા નેગેટિવ હોવાથી દર્દીને રજા આપવામાં આવી હતી. જો કે તે રિપોર્ટ બીજા દર્દીનો હતો. સાંજે અન્ય રિપોર્ટ આવતા જે દર્દીને રજા આપવામાં આવી છે તે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. માનવીય ભૂલના કારણે આ દર્દીને રિપોર્ટ મામલે ગરબડ થઈ હોવાનું SVP હોસ્પિટલે સ્વીકાર કર્યો હતો. હોસ્પિટલ તંત્રને આ બાબતોમાં ગંભીરતા દાખવવા માટે સૂચના આપી હોવાનુ જાણવા મળ્યું છે. એક સરખા નામ હોવાથી આ સમસ્યા ઉભી થઈ તે માટે એસવીપીના હોસ્પિટલ મેનેજમેન્ટે દિલગીરી વ્યક્ત કરી છે.

રિપોર્ટ પોઝિટિવ હોવા છતા જાણ ન કરતા પરિવાર કોરોનાનો ભોગ બન્યો
હાટકેશ્વર વિસ્તારમાં રહેતા હર્ષ અસરાની એક વીડિયો મારફતે કોર્પોરેશન અને SVP હોસ્પિટલની બેદરકારીના કારણે પોતાનો આખો પરિવાર કોરોના પોઝિટિવ થયો હોવાનું જણાવ્યુ છે. 16 મેના રોજ ખોખરા અર્બન હેલ્થ સેન્ટરમાં હર્ષે સાસુ અને સાળા સાથે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. બીજા દિવસે સાસુ અને સાળાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો જયારે હર્ષનો રિપોર્ટ આવ્યો ન હતો. 2 દિવસ સુધી રાહ જોયા બાદ પણ ફોન ન આવતા તેના સાળાના નંબર પર ફોન આવ્યો હતો એ જ નંબર પર ફોન કર્યો હતો પરંતુ ફોન બંધ હતો. બીજા દિવસે અનેક ફોન કર્યા બાદ તેઓએ ફોન રિસીવ કરી થોડીવાર રહી અને કહ્યું હતું કે તમારો રિપોર્ટ પોઝિટિવ છે. સમયસર રિપોર્ટ પોઝિટિવ હોવાની ન જાણ કરતા હર્ષના સંપર્કમાં બે દિવસ રહેતા આખો પરિવાર કોરોના પોઝિટિવ થઈ ગયો છે. હર્ષના પિતા, માતા અને પત્નીનો ટેસ્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. મોબાઈલમાં otp આવતો હોય છે તો કઈ રીતે તંત્રની આ બેદરકારી સામે આવી છે.
હોસ્પિટલે ટેસ્ટ નેગેટિવ આવ્યો છે કહી પિતાને ઘરે મોકલી દીધાં હતાં: પુત્ર
કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ તેના પરિવારનો પણ SVP હોસ્પિટલમાં ટેસ્ટ કરાવ્યો હતો. 21 મેના રોજ મારા પિતાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે કહી અને હોસ્પિટલવાળાએ બપોરે ઘરે મોકલી દીધાં હતાં. રાતે 11.30 વાગ્યે હર્ષને SVP હોસ્પિટલના સ્ટાફે ફોન કરી કહ્યું હતું કે તમારા પિતાનો ટેસ્ટ પોઝિટિવ છે અને 12 વાગ્યે તેમના પિતાને ફરી SVP હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. SVP હોસ્પિટલ અને કોર્પોરેશનની કોરોનામાં ખૂબ જ બેદરકારી છે જેના કારણે અનેક લોકોને હેરાન થવું પડે છે. કોર્પોરેશનની બેદરકારીના કારણે આખો પરિવાર કોરોનાનો ભોગ બન્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી