મોઢવાડિયા મોખરે:ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ બની શકે છે અર્જુન મોઢવાડિયા, ભરતસિંહના દિલ્હીમાં ધામા, આજે થઈ શકે છે જાહેરાત

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • કૉપી લિંક
અર્જુન મોઢવાડિયાની ફાઈલ તસવીર - Divya Bhaskar
અર્જુન મોઢવાડિયાની ફાઈલ તસવીર
  • ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ પણ પ્રમુખપદની રેસમાં
  • મોઢવાડિયાનો 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં પરાજય થયો હતો

ગુજરાતમાં ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. જેને પગલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામા આપી દીધા હતા. જો કે કોંગ્રેસ હાઈકમાન્ડે તેમના રાજીનામા સ્વીકાર્યા નથી. પરંતુ હવે કોંગ્રેસને બેઠી કરવા માટે હાઈકમાન્ડ આવતીકાલે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરે એવી શક્યતા છે.

હાલ કોંગ્રેસમાંથી પ્રદેશ પ્રમુખપદ માટે ભરતસિંહ, શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયાના નામો ચર્ચામાં છે. જેમાં પોરબંદરના વતની અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાનું નામ મોખરે ચાલી રહ્યું છે. જેની વિધિવત જાહેરાત આવતીકાલે કરવામાં આવે તેવી પૂરે પુરી શક્યતા છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે, અર્જુન મોઢવાડિયા 2017ની વિધાનસભા ચૂંટણી હારી ચૂક્યા છે.

2004થી 2007 દરમિયાન વિધાનસભામાં વિપક્ષના નેતા હતા
આ અંગે સૂત્રો પાસેથી મળેલી માહિતી ટૂંક સમયમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખના નામની જાહેરાત થવાની છે, જેમાં અર્જુન મોઢવાડીયાનું નામ મોખરે ચાલી રહ્યું છે. અર્જુન મોઢવાડિયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સિનિયર આગેવાન છે અને અગાઉ તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ 2004 થી 2007 સુધી ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે.

રાહુલ ગાંધી અને અર્જુન મોઢવાડિયા
રાહુલ ગાંધી અને અર્જુન મોઢવાડિયા

ભરતસિંહ સોલંકીના દિલ્હીમાં ધામા
પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થવાની હોવાથી પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પણ દિલ્હીમાં ધામા નાંખ્યા છે. તેઓ છેલ્લા 2 દિવસથી દિલ્હીમાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જો કે હજુ સુધી સોનિયા ગાંધી સાથે તેઓની મુલાકાત થઇ નથી. દિલ્હીમાં તેઓ ફરીથી પ્રદેશ પ્રમુખ બનવા માટે લોબિંગ કરી રહ્યા છે. જો કે તેઓને પ્રમુખ બનાવવાની તકો ધુંધળી છે.

અમિત ચાવડાએ ભરતસિંહની દિલ્હી મુલાકાતને લઈ જણાવ્યું હતું કે, ભરતસિંહની મુલાકાત કોઈ ભવિષ્યની ઘટનાને લઇ નથી. એક વાત ચોક્કસ છે કે અર્જુન મોઢવાડિયાનું નામ નિશ્ચિત માનવામાં આવતું હોવાથી ભરતસિંહ સોલંકી પોતાના લોબિંગ માટે દિલ્હી પહોંચ્યા છે.

પ્રદેશ પ્રમુખ બાદ વિપક્ષના નેતાના નામની જાહેરાત થશે
ગુજરાત પ્રદેશ પ્રમુખની સાથે સાથે વિધાનસભાના વિરોધપક્ષના નેતા પદ માટે પણ દાવેદારો લોબિંગ કરી રહ્યા છે. આવતીકાલે પ્રમુખના નામની જાહેરાત બાદ વિપક્ષ નેતાના નામની જાહેરાત કરવામાં આવશે. જો કે વિપક્ષ નેતાની માટે હરિફોની સંખ્યા વધુ હોવાથી પહેલા માત્ર પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવશે.

છેલ્લી બે વિધાનસભા ચૂંટણી હારી ચૂક્યા છે મોઢવાડિયા
અર્જુન મોઢવાડિયા વર્ષ 2002થી 2012 સુધી પોરબંદરના ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2002 અને 2007ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ 2012 અને 2017 એમ સતત બે ટર્મથી તેઓ ચૂંટણી હારતા આવ્યા છે.

7 નેતા વિપક્ષ અને 9 પ્રદેશ પ્રમુખ બદલાયા છતાં સત્તા ન મળી
8-10 વર્ષથી કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો અને આગેવાનો ભાજપમાં ભળી રહ્યા છે, ત્યારે 1995 બાદ ગુજરાતમાં નબળી કોંગ્રેસ માટે જવાબદાર નેતાઓની યાદી ઘણી લાંબી છે. લગભગ અઢી દાયકા દરમિયાન કોંગ્રેસના 7 નેતા વિપક્ષ અને 9 પ્રદેશ પ્રમુખ બદલાયા હોવાછતાં કોંગ્રેસને ગુજરાતમાં સત્તા મળી શકી નથી.

1995થી 2017 સુધીમાં 6 વિધાનસભામાં સતત હાર
રાજ્યમાં 1995, 1998, 2002, 2007, 2012 અને 2017 એમ 6 વિધાનસભા ચૂંટણી યોજાઈ ચૂકી છે અને આ તમામ ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ મળી છે. માત્ર એટલું જ નહીં, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તો કોંગ્રેસનો તમામ 26 લોકસભા બેઠકો પર પરાજય થયો છે.