મર્ડર:ચાંદલોડિયા-સોલાના16 ગુનાઓમાં સંડોવાયેલા માયા ડોનને તેના બનેવીએ જ તલવારના ઘા મારી પતાવી દીધો

અમદાવાદએક વર્ષ પહેલા
  • બનેવીએ અંગત અદાવતમાં સાગરીતો સાથે મળી હત્યા કરી
  • જૂના ઝઘડાના સમાધાનના પ્રયાસમાં ફરીથી ઘર્ષણ થતાં વહેલી સવારે હુમલો
  • 8થી વધુ લોકોએ પ્રદીપના આંતરડાં બહાર ન આવે ત્યાં સુધી તલવારના ઘા માર્યા

શહેરના સોલા તેમજ આસપાસના વિસ્તારોમાં વર્ચસ્વ જમાવવા માટે શનિવારે વહેલી સવારે ચાણક્યપુરીમાં લોહિયાળ જંગ ખેલાયો હતો. કુખ્યાત હિસ્ટ્રીશીટર પ્રદીપ ઉર્ફે માયાભાઈના ઘરે હથિયારો સાથે ઘુસી આવેલા તેના બનેવી સહિત 8 માણસોએ માયાને મોતને ઘાટ ઉતાર્યો હતો. માયાના આંતરડાં બહાર ન આવે, ત્યાં સુધી તલવાર, છરી, ચપ્પાંના ઘા મરાયા હતા. આ લોહિયાળ જંગ ખેલાયો ત્યારે માયાના 2 મિત્ર અને 1 સ્ત્રી મિત્ર ઘરમાં હોવાથી હુમલાખોરોએ તેમના પર પણ હુમલો કર્યો હતો.

ઘટનાસ્થળની તસવીર.
ઘટનાસ્થળની તસવીર.

પોલીસે હત્યાનો ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી
ચાણક્યપુરીના પરસોત્તમ નગરમાં પ્રદીપ ઉર્ફે માયા બ્રહ્મપ્રકાશ યાદવ(29)પત્ની સાથે રહે છે. શુટ આઉટ એટ લોખંડવાલા ફિલ્મથી પ્રભાવિત થયેલા પ્રદીપે તે જ દિવસથી પોતાનું નામ માયાભાઈ રાખ્યું હતું અને માયાની જેમ જ ગુનાખોરી કરવાનું શરૂ કર્યું હતું. માયા વિરુધ્ધ 16 ગુના નોંધાયેલા છે. શુક્રવારે રાતે માયાના ઘરે તેનો મિત્ર અક્ષય ભરવાડ, વિશ્વજીત ગોસ્વામી અને કાજલ ભેગાં થયાં હતાં. મોડી રાત સુધી ખાધા-પીધા પછી અક્ષય અને વિશ્વજીત મકાનના ધાબે સુઈ ગયા હતા. જ્યારે રાતે 2 વાગ્યે માયાના કૌટુંબિક બનેવી અનિશ પાંજે તેના મિત્રો સાથે માયાના ઘરે આવ્યા અને અગાઉના ઝઘડામાં સમાધાન કરવાનું કહ્યું હતું. જે બાબતે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન ગુસ્સામાં માયાએ અનિશ સાથે આવેલા માણસોને લાફા માર્યા હતા. જેથી સવારે 6 વાગ્યે અનિશ તેના મિત્ર રાહુલ, અનિલ, રાહુલ કોરી, નિતિન, અમાવશ, પ્રતિમ માયાના ઘરે પરત આવ્યા હતા અને માયા, અક્ષય, વિશ્વજીત અને કાજલ પર હથિયારોથી તૂટી પડ્યા હતા. પ્રદીપ પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ અંગે સોલા પીઆઈ જે.પી.જાડેજાએ જણાવ્યું હતુ કે, 8 પૈકીના રાહુલ અને અમાવસની ધરપકડ કરાઇ છે. જ્યારે બાકીના 6 આરોપી ભાગી જતા તેમને પકડવા ટીમો કામે લગાડાઇ છે.

પ્રદીપ ઉર્ફે માયા ડોનનું ઘર.
પ્રદીપ ઉર્ફે માયા ડોનનું ઘર.

બનેવી સાથે માથાકૂટ થઈ હતી
લોકોના ઘરમાં ઘુસી મારામારી, અપહરણ, ખંડણી ઉઘરાવવા જેવા 15 જેટલા ગુના આચરનાર પ્રદીપ ઉર્ફે માયા ડોને જે પોતે અન્ય સાથે કરતો હતો તેવી જ રીતે તેની જ હત્યા થઈ જશે તેવું નહીં વિચાર્યું હોય. ખુદ તેના જ બનેવીએ તેને ઢોરની જેમ માર મારી પતાવી દીધો હતો. મોડી રાતે પ્રદીપના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા ઘરે મિત્ર અક્ષય ભરવાડ, વિશ્વજીત ગોસ્વામી, પ્રદીપ અને તેની મિત્ર કાજલ નામની યુવતી હાજર હતા. ત્યારે તેના બનેવી અનિશ પાંડે તેના મિત્ર રાહુલ અને અન્ય મિત્રો સાથે પ્રદીપના ઘરે આવ્યા હતા. અગાઉના ઝઘડાની સમાધાનની વાત ચાલતી હતી. ત્યારે પ્રદીપે વિશ્વજીતને વીડિયો ઉતારવાનું કહ્યું હતું. પ્રદીપે તેના બનેવી અને મિત્રોને ગાળાગાળી કરી લાફા માર્યા હતા. બાદમાં તેઓ ત્યાંથી જતા રહ્યાં હતાં.

સોલા પોલીસે ઘટના સ્થળે પહોંચી પુછપરછ હાથ ધરી
સોલા પોલીસે ઘટના સ્થળે પહોંચી પુછપરછ હાથ ધરી

‘તું બહાર નીકળતો નહીં, તારી ગેમ થઇ જશે’
આ ઘટના બાદ વહેલી સવારે પ્રદીપ, અક્ષય અને વિશ્વજીત ઉપરના માળે સુતા હતા. તે વખતે ચાર લોકો હાથમાં તલવાર અને ધોકા લઈને આવ્યા હતા. વિશ્વજીતે દરવાજો ખોલતાં જોઈને પાછા ગયા હતા. વિશ્વજીતે પ્રદીપને કહ્યું કે, તું બહાર ન નીકળતો આ લોકો તારી ગેમ કરવા આવ્યા છે. જેથી પ્રદીપ આવેશમાં આવી નીચે ગયો અને નીચે જાળીનું લોક ખોલવા ગયો ત્યારે તલવારો લઈ તમામ લોકો અંદર ઓસરીમાં ઘુસી ગયા હતા. ત્યાંથી બારી તોડી રૂમમાં પ્રવેશ્યા હતા અને પ્રદીપને પકડી માર મારવા લાગ્યા હતા. જ્યારે ત્યાં હાજર પ્રદીપના મિત્રો છોડાવવા વચ્ચે પડ્યા તો તમારા સાથે કોઈ લેવા દેવા નથી. તમે જતા રહો કહી તેમને રસોડામાં બંધ કરી દીધા હતા. તમામ લોકોએ પ્રદીપને તલવાર, ધોકા વડે માર મારી ઢસડી રોડ પર લઈ ગયા હતા. ત્યાં તેને ફેંકી ફરાર થઈ ગયા હતા. ગમે તેમ કરી તેના મિત્રો બહાર આવ્યા હતા અને બહાર જોતા રોડ પર લાશ પડી હતી.

તાજેતરમાં જ માયાએ ફાર્મ હાઉસના માલિક જોડે 50 લાખની ખંડણી માગી હતી
આરોપી પ્રદીપ ઉર્ફે માયા ડોન સામે અપહરણ, ખંડણી, હત્યાનો પ્રયાસ જેવા 15 જેટલા ગુના સોલા સહિત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા. તાજેતરમાં જ વટવા વિસ્તારમાં પણ એક ફાર્મ હાઉસના માલિકને ફોન કરી રૂ. 50 લાખની ખંડણી માગી હતી.

માયા ગેંગના માણસો સાથે ઝઘડો કરતો હતો
અનિશ માયાની કૌટુંબિક બહેનનો પતિ થાય છે. જેથી માયા તેને જીજા કહેતો હતો. છેલ્લાં ઘણા સમયથી માયા ગેંગના ગમે તે માણસ સાથે ઝઘડો કરતો અને હાથ ઉપાડતો. જેથી અનિશ અને ગેંગના બધાં માણસો માયાના સ્વભાવથી કંટાળ્યા હતા અને બધાંએ ભેગા મળીને તેને પતાવી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...