મણિનગરમાં વૃદ્ધાને પુત્ર પ્રેમ ભારે પડયો છે. વૃદ્ધાએ દીકરાના પ્રેમના કારણે પતિને સતત સમજાવીને તેમની માલિકીનું મકાન વેચી મારી દીકરાએ લીધેલ રૂ.40 લાખની લોન ભરપાઇ કરી હતી. જેના કારણે વૃદ્ધા અવસ્થામાં પતિ પત્નીને છોડીને પોતાના વતનમાં એકલા રહેવા જતા રહ્યા છે. અને થોડો સમય વૃધ્ધ માતાને રાખી પુત્ર અને પુત્રવધૂએ માર મારી ઘરમાંથી કાઢી મુકી છે. આથી વૃદ્ધ માતાએ ફેમિલી કોર્ટમાં જીવન નિર્વાહ માટે રૂ. 31 હજાર ભરણ પોષણ માટેનો કેસ કર્યો છે.
63 વર્ષીય વૃદ્ધાએ એડવોકેટ બ્લેસો ક્રિસ્ટી મારફતે ફેમિલી કોર્ટમાં કેસ કર્યો છે. વૃદ્ધાને એક દીકરો અને એક દીકરી છે. જે બન્ને પરણિત છે. વૃદ્ધ માતા-પિતાને તેમના દીકરાએ કહેલું કે, તેણે રૂ.93 લાખમાં બંગલો વેચાણે લીધો છે. જેમાં રૂ.40 લાખની બેંકમાંથી લોન લીધી છે. જો તમે લોકો તમારી માલિકીનું મકાન વેચી મારો તો મારી બેંકની લોન ભરપાઇ થઇ જાય અને બંગલામાં આપણે બધાં સાથે રહીશું.
વૃદ્ધ માતા-પિતાએ દીકરા માટે મકાન રૂ.35 લાખમાં વેચી નાખ્યું હતું. તેમજ બેંકમાં બચત કરેલા રૂ.3 લાખ ઉપાડી કુલ રૂ. 38 લાખ દીકરાને બેંકની લોન ભરવા આપ્યા હતાં. દીકરાએ લોન ભરીને વૃદ્ધ માતા-પિતાને બંગલામાં પોતાની સાથે લઇ ગયો હતો. થોડો સમય સારંુ રાખ્યા બાદ પુત્રવધૂની ચઢામણીથી દીકરો માતા-પિતા સાથે ઝગડો કરવા લાગ્યો હતો. જેથી વૃદ્ધ પતિ પત્નીને વતનમાં એકલા રહેવા જતાં રહ્યાં હતાં. પુત્ર અને પુત્રવધુ માતાને ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. એક દિવસ રાત્રે વગર કારણે દીકરાએ માતાને સોફા ઉપર ધક્કો મારી ગડદાપાટુનો માર માર્યો હતો અને ઘરમાંથી કાઢી મૂકી હતી.
ઘર કંકાસથી વૃદ્ધાના પતિ છૂટાછેડા માગે છે
પુત્ર અને પુત્રવધૂના ત્રાસથી કંટાળીને વૃધ્ધ પતિએ વૃદ્ધ પત્નીને કહેલું કે, તારા લીધે જ મારે આ દિવસો જોવાના વારો આવ્યો છે. જો મે ઘર વેચ્યું ના હોત તો આવંુ ના થાત. હું તારી સાથે સમાધાન કરીશ નહીં તું મને છૂટાછેડા આપી દે જેથી હું બીજા લગ્ન કરી લઈશ. તેવું કહીને વૃદ્ધ પતિ પત્નીને છોડીને વતનમાં જતા રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.