બાળક ત્યજીને માતા ફરાર:અમદાવાદમાં ચાર દિવસના બાળકને મૂકીને માતા જતી રહી,એલ.જી. હોસ્પિટલે સ્ટાફ પોલીસને જાણ કરી

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદની એલ જી હોસ્પિટલમાં લેબર વૉર્ડમાં બાળક રડી રહ્યુ હતુઁ.બાળકને રડતું જોઈને નર્સ ત્યાં પહોંચી તો બાળકની માતા ગાયબ હતી.જેથી હોસ્પિટલમાં સ્ટાફ તપાસ કરી તો 4 દિવસના બાળકને મૂકીને તેની માતા જતી રહી હોવાની વાત ખબર પડી હતી.આ અંગે હોસ્પિટલમાં સ્ટાફ પોલીસને જાણ કરતા પોલીસે હાલ બાળકની માતાને શોધવા પ્રયાસ હાથ ધર્યો છે.

વટવામાં રહેતા જ્યોતિબહેન ભોઈ એલજી હોસ્પિટલમાં ગાયનેક વોર્ડમાં ફરજ બજાવે છે. તેઓ મંગળવારે બે વોર્ડમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ પર હતા. તે દરમિયાન GICU વોર્ડમાં 4 નંબરના પલંગ પર દાખલ દર્દી ખુરશીદા બહેન રંગરેજ હાજર મળી આવ્યા નહોતા. આ ખુરશીદા બહેન 16મીએ બિનવારસી હાલતમાં લેબર વોર્ડમાં દાખલ થયા હતા. જે બાબતની રામોલ પોલીસને વર્ધી પણ લખાવવામાં આવી હતી. ડિલિવરી બાદ ત્રણ દિવસ સુધી તેઓ લેબર વોર્ડમાં સારવાર હેઠળ હતા.

ગત 20મીએ તેઓને ગાયનેક આઇસીયુ વોર્ડમાં બાળક સાથે સારવાર માટે શિફ્ટ કરાયા હતા. બાદમાં 21મીએ તેઓ ત્યાં જણાયા નહોતા અને બાળક ત્યાં હતું. ચાર દિવસના બાળકને મૂકીને આ ખુરશીદા બહેન ફરાર થઈ જતા સમગ્ર બાબતની જાણ મણિનગર પોલીસને કરાઈ હતી. જેથી પોલીસે આ મામલે હવે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પણ મણિનગરમાં આવી બાળક ત્યજી દેવાની ઘટના સામે આવી હતી. જેમાં પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી હતી. જે ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજ પરથી ભેદ ઉકેલ્યો હતો. બાદમાં સોલા સિવિલ માંથી બાળકીનું અપહરણ કરવાની ઘટના બની હતી. જેમાં ગણતરીના દિવસોમાં સોલા પોલીસે ખૂબ મહેનત કરી આરોપી મહિલાની ધરપકડ કરી હતી. ત્યારે હવે આ કેસમાં આરોપી મહિલાની કેટલા સમયમાં ધરપકડ થાય છે તે જોવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...