હવામાન વિભાગની આગાહી:26થી 29 મે વચ્ચે કેરળમાં ચોમાસુ સક્રિય થશે, જ્યારે 20થી 25 જૂન વચ્ચે અમદાવાદમાં ચોમાસુ શરૂ થાય તેવી શક્યતા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • આ વર્ષે ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા : હવામાન વિભાગ

સતત બે વર્ષથી રાજ્યમાં ચોમાસા દરમિયાન સામાન્ય કરતા 30થી 35 ટકા વધુ વરસાદ નોંધાયા બાદ ચાલૂ વર્ષે ફરીએક વાર રાજ્યમાં વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે. એટલે કે આ વર્ષે રાજ્યમાં 800 મિલીમીટરથી લઈ 1000 મિલીમીટર વચ્ચે વરસાદ નોંધાય તેવી શક્યતા છે.

અમદાવાદમાં 20 જૂન પછી ચોમાસુ
હવામાન એક્સપર્ટના જણાવ્યા મુજબ આ વર્ષે 26થી 29 મે વચ્ચે કેરળમાં ચોમાસુ સક્રિય થવાની શક્યતા છે. કેરળમાં ચોમાસુ સક્રિય થયા બાદ લગભગ એક અઠવાડિયા પછી ગુજરાતમાં પ્રીમોન્સુન એક્ટિવીટી શરૂ થાય છે અને 15 જૂન સુધી ચોમાસુ શરૂ થતું હોય છે. આ વર્ષે પણ નિર્ધારિત સમય મુજબ જ રાજ્યમાં 15 જૂનની આસપાસ વરસાદ શરૂ થવાની સાથે અમદાવાદમાં 20થી 25 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થવાની શક્યતા છે.

આ વર્ષે સામાન્ય વરસાદ રહેશે
વધુમાં રાજ્યમાં સામાન્ય રીતે 840 મિલીમીટર જેટલો વરસાદ થાય છે. તેની સામે વર્ષ 2019 અને 2020માં રાજ્યમાં સામાન્ય કરતા 30થી 35 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. પરંતુ આ વર્ષે વરસાદ સામાન્ય રહેવાની સાથે રાજ્યમાં 800થી 1000 મિલીમીટર જેટલો વરસાદ નોંધાઈ શકે છે. તેમ છતાં વાતાવરણમાં આવતા ફેરફારના કારણે ઘણીવાર અચાનક રચાતા લોપ્રેશરને કારણે પણ વરસાદમાં વધઘટ થવાની શક્યતા રહેતી હોય છે.

રાજ્યમાં શનિ-રવિ દરમિયાન તેજ પવન સાથે વરસાદી ઝાપટાંની શક્યતા
ઉત્તર ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે શનિવાર અને રવિવારે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટના કેટલાક ભાગોમાં તેજ પવન સાથે વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. આ સમય દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને અમરેલી ખાતે વરસાદ નોંધાઈ શકે છે. વધુમાં સુકા ગરમ પવનને કારણે ગુરુવારે રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદ અને ગાંધીનગરમાં નોંધાઈ હતી જ્યાં મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જ્યારે આગામી 4થી 5 દિવસ દરમિયાન રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40થી 42 ડિગ્રી સુધી રહેતા દિવસ દરમિયાન લોકોને આકરી ગરમી સહન કરવી પડશે.