ગુજરાતના નવા મંત્રીમંડળનું આજે શપથગ્રહણ યોજાશે. ગાંધીનગરમાં રાજભવન ખાતે બપોરે 1.30 વાગ્યે આ શપથવિધિ સમારોહ યોજાશે. ભાજપે ગઈકાલની ઘટનાથી બોધપાઠ લીધો હોય તેમ આજે રાજભવન બહાર તારીખ વિનાનાં બેનરો લગાવવામાં આવ્યાં છે. ગુજરાતની નવી સરકારમાં 27થી વધુ મંત્રી શપથ લેશે. વહેલી સવારથી ધારાસભ્યોને ફોન કરીને 'તમે મંત્રી બનો છો'ની ખુશખબરી આપી હતી. મંત્રીપદનો ફોન આવ્યા બાદ વ્યસ્તતા વચ્ચે દિવ્ય ભાસ્કર સાથે ધારાસભ્યોએ ખાસ વાતચીત કરી. વાંચો ફોન આવ્યા બાદ ધારાસભ્યોએ પોતાની ખુશી વ્યક્ત કરતાં શું કહ્યું....
અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારે દિવ્ય ભાસ્કર સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નવા મંત્રીમંડળ માટે ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો તેમને ફોન આવ્યો હતો, જેમાં તેમને તમે મંત્રી બનો છો, એમ કહેવામાં આવ્યું હતું. અંદાજે 15-20 મિનિટ પહેલાં તેમને ફોન મારફત આ ખુશખબરી મળી હતી. ત્યાર બાદ તેમના વિસ્તારમાં ઉજવણી ચાલી રહી છે.
આદિવાસી વિસ્તારના નેતા, ધારાસભ્ય કુબેર ડિંડોરને સી.આર. પાટીલે કોલ કરી શપથ લેવા સૂચના આપી છે. કુબેર ડિંડોરે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું હતું કે દેશમાંથી ભાજપના પ્રમુખ પાટીલ સાહેબે તેમને જણાવ્યું હતું કે બાર વાગ્યે પહોંચી તમારે શપથ લેવાના છે.
વીસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પાર્ટીએ જે તક આપી છે એને યોગ્ય થવા માટે પૂરી મહેનત કરીશું. પાર્ટી જ્યારે કોઈ નિર્ણય કરે છે એ ખૂબ સમજીવિચારીને કર્યો હોય. 2022ની ચૂંટણીમાં પણ કોઈ પડકાર નહિ રહે. નીતિન પટેલની નારાજગી ન હતી, મારા નામને લઈને નિર્ણય ન હતો. નીતિનભાઈ ઉ. ગુજરાતનું નેતૃત્વ કરે છે, તેમના સાથ અને સલાહથી અમારે કામ કરવાનું છે.
અમદાવાદના શાહીબાગના ધારાસભ્ય પ્રદીપ પરમારને પણ મંત્રીપદના શપથ માટે ફોન આવતાં અસારવા સ્થિત તેમના ઘરે કાર્યકર્તાઓનો જમાવડો થયો હતો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ તેમના ઘરે પહોંચી અભિનંદન અને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.