હાઈકોર્ટે ટકોર:દુષ્કર્મીએ પીડિતા સાથે લગ્નની તૈયારી બતાવતાં કહ્યું, ‘યુવતી લગ્ન કરી લે તો વધુ મુસીબતમાં મુકાશે’

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • દુષ્કર્મની ફરિયાદ રદ કરવા માટે આરોપીએ કરેલી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી

દુષ્કર્મ કરનાર આરોપીએ હાઇકોર્ટ સમક્ષ દુષ્કર્મની ફરિયાદ રદ કરવા અરજી કરતા હાઇકોર્ટે ઝાટકણી કાઢી હતી. અરજીમાં એવી રજૂઆત કરી હતી કે તેણે જે યુવતી સાથે દુષ્કર્મ કર્યું છે તેની સાથે સમાધાન થઈ ગયું છે અને તે પીડિતા ફરિયાદ પાછી ખેંચવા માંગે છે. કોર્ટે એવો સવાલ કર્યો હતો કે દુષ્કર્મના કેસમાં સમાધાન કેવી રીતે થાય? કોર્ટે અરજદારની અરજી ફગાવી દીધી હતી.

હાઈકોર્ટમાં વેકેશન બેન્ચ સમક્ષ દુષ્કર્મના આરોપીએ ફરિયાદ રદ કરવા અરજી કરી હતી. અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, જે યુવતી સાથે દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે તે યુવતી સાથે તેને પ્રેમ સંબંધ હતો. પણ બંને વચ્ચે ઝઘડો થતાં યુવતીએ ગુસ્સામાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે. અને યુવતી ફરિયાદ પરત ખેંચવા માગે છે. યુવતી સાથે તે લગ્ન કરવા માગે છે.

દરમિયાનમાં હાઇકોર્ટે આકરી ઝાટકણી કાઢતાં એવી ટકોર કરી હતી કે, આ કેવા પ્રકારે થઈ રહ્યું છે તે અમે સમજીએ છીએ. યુવક પહેલેથી પરિણીત છે અને તેની પત્નીને પિયર મૂકી આવ્યા બાદ હવે આ યુવતી સાથે ખોટી રીતે સમાધાન કરવામાં આવી રહ્યું છે. યુવતી લગ્ન કરી લે પછી તે વધુ મુસીબતમાં મુકાઈ જાય તેવી સ્થિતિ છે.

હાઇકોર્ટે અરજદારને ટકોર કરી કે, દુષ્કર્મ જેવા ગંભીર કિસ્સામાં ફરિયાદ રદ કરી શકાય નહિ. ચાર્જશીટ થઈ જાય ત્યાં સુધી યુવતીએ સમાધાન નથી કર્યું હવે જે થઈ રહ્યું છે તે દબાણમાં થઈ રહ્યું હોય તેમ જણાય છે.

દુષ્કર્મ કર્યા પછી લગ્ન કરવાના કિસ્સામાં મોટા ભાગે શું થાય છે એમને ખબર : હાઇકોર્ટ
એકપક્ષીય પ્રેમમાં પાગલ આ યુવક તેની પડોશમાં રહેતી યુવતીની પાછળ પડ્યો હતો. આ યુવક આજુબાજુના લોકોને એવું કહેતો કે બંનેને અફેર છે. પરંતુ યુવતીને તેની સાથે કોઈ સંબંધ નહોતો. યુવકના ત્રાસથી તે પરિવારના લોકો બીજે રહેવા ગયા તો ત્યાં પણ પાછળ પડ્યો હતો. દરમિયાનમાં યુવતી ગુમ થઈ જતાં પરિવારે શોધખોળ શરૂ કરી હતી. આ યુવક તેને અજાણી જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવકે હાઇકોર્ટ સમક્ષ ફરિયાદ રદ કરવા એવી રજૂઆત કરી હતી કે યુવતી સાથે તે લગ્ન કરવા તૈયાર છે. યુવતી પણ તેની સાથે સમાધાન માટે તૈયાર છે. કોર્ટે એવી ટકોર કરી હતી કે મોટા ભાગના કિસ્સામાં યુવતી દુષ્કર્મ પછી તે જ યુવક સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય છે તેની પાછળના કારણો સામાજિક હોય છે. દુષ્કર્મના ગુનામાં ફરિયાદ રદ ન થઈ શકે.

અન્ય સમાચારો પણ છે...