પુત્રીનો આપઘાતનો પ્રયાસ:પુસ્તક લેવા ગયેલી દીકરી કોઈને મળવા ગઈ હોવાની માતા-પિતાએ શંકા કરતાં સગીર દીકરીને લાગી આવ્યું હતું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આખરે માતા-પિતાએ મહિલા હેલ્પલાઈનની મદદ લઈ સગીર દીકરીને બચાવી

આજના યુગમાં માતા-પિતા માટે તેમનાં સંતાનો શું કરે છે તે જોવું અનિવાર્ય બન્યું છે, જો કે આ બાબતે સાવચેતી રાખવી જરૂરી છે. સંતાનોનું ધ્યાન રાખવામાં તેમના સ્વમાનને ઠેસ ન પહોંચે તે બાબતે પણ સજાગ રહેવું જોઈએ. આવી એક ઘટનામાં શહેરના એક વિસ્તારમાં રહેતી સગીરા પુસ્તકો લેવા માટે ગઈ હતી, ત્યારે તેના માતા-પિતાએ તે કોઈને મળવા ગઈ હોવાની શંકા રાખી તેની આકરી પૂછપરછ કરતા સગીરાને મનમાં લાગી આવતા તેણે ગળેફાંસો ખાઈ જિંદગીનો અંત લાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સદનસીબે માતા-પિતાએ મહિલા હેલ્પલાઈનની મદદ માગતા અભયમની ટીમે ઘરે પહોંચી સગીરાને બચાવી લઇ, માતા-પિતાને ધ્યાન રાખવાની બાબતમાં અતિશયોક્તિ ન કરવા સલાહ આપી હતી.

શહેરના એક વિસ્તારમાંથી માતાએ અભયમ ટીમને ફોન કરીને જાણ કરી હતી કે, તેમની 16 વર્ષીય દીકરી ગળેફાંસો ખાવાની ધમકી આપતી હોઇ, તેને સમજાવવા માટે મદદ માગી હતી. અભયમની ટીમે જ્યારે ઘરે પહોંચી પૂછપરછ કરી ત્યારે માતાએ તેમની સગીર દીકરી જેમ તેમ બોલતી હોઈ, મનમાં લાગી આવતા સગીરા પંખા પર દુપટ્ટો લટકાવી ગળેફાંસો ખાવાની કોશિશ કરતી હતી. ઘરના કોઈ પણ સભ્યને જાણ કર્યા વિના કલાકો સુધી ઘરની બહાર રહેતી અને જો પૂછપરછ કરીએ તો ઘરમાં ઝઘડા કરતી હતી.

અભયમની ટીમે સગીરાની પૂછપરછ કરી ત્યારે સગીરાએ જણાવ્યું કે, હું પુસ્તકો લેવા માટે ગઈ હતી, જ્યાં મોડું થઈ જતા ખોટી શંકા રાખીને માતા પૂછપરછ કરી ઝઘડો કરે છે. પિતા પણ માતાને સાથ આપે છે. જેથી મારે તેમની સાથે રહેવું નથી તેમ કહેતા,અભયમની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કરી સમજાવ્યું હતું કે, તારી ઉંમર નાની છે, તારા માતા-પિતા તારા સારા માટે કહે છે, તેમ કહી સાંત્વના આપી ફરી આપઘાતનું પગલું ક્યારેય ભરશે નહીં તેમ જણાવીને માતાપિતાનું કાઉન્સેલિંગ કરીને તેમને પણ દીકરીને પ્રેમથી રાખવા જણાવ્યું હતું. એટલું જ નહીં 1098 ચાઈલ્ડ હેલ્પલાઈનનો સંપર્ક કરવાની જાણ આપી મામલો થાળે પાડ્યો હતો. કેટલાક કિસ્સામાં માતા કે પિતા સંતાન પર બિનજરૂરી શંકા કરતા હોવાથી માઠું પરિણામ આવે છે.

અતિશયોક્તિનું ગંભીર પરિણામ આવી શકે છે
નાના સંતાનો ક્યાં આવે છે? કોને મળે છે? તે જોવાની માતાપિતાની જવાબદારી બને છે. પરંતુ ક્યારેક સાવધાનીમાં અતિશયોકિત કરાય તો તેનું પરિણામ ગંભીર આવી શકે છે. તેવું આ કિસ્સા પરથી જોવા મળ્યું હતું. આ તબકકે માતાપિતા સંતાનોને સમજાવટથી કામ લે, તે વધુ હિતાવહ હોવાનુ કાઉન્સેલિંગની ટીમે સૂચન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...