તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

92નો અયોધ્યા માહોલ ગુજરાતીની જુબાની:હિન્દી ન જાણનાર જય શ્રીરામ બોલી સાંકેતિક ભાષામાં વાત કરતા, બાબરી મસ્જિદ તોડ્યા બાદ મિલિટરીએ અયોધ્યા ખાલી કરાવ્યું

અમદાવાદએક વર્ષ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • રામજન્મભૂમિ પર મંદિર બનશે તેવો તેમને વિશ્વાસ હતો
  • જીવનમાં તેમના દર્શનનો લાભ મળશે તેનો ખૂબ જ આનંદ

રામજન્મ ભૂમિ અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામમંદિરનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી ધ્વંસમાં ગયેલા તે સમયે VHPના પ્રાંત સહમંત્રી અને હાલમાં VHPના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિલીપભાઈ ત્રિવેદીએ બાબરી ધ્વંસ સમયનો માહોલ અને તેમના અનુભવો Divyabhaskarને જણાવ્યા હતા. રામ જન્મભૂમિ પર મંદિર બનશે તેવો તેમને વિશ્વાસ હતો જ અને હવે મંદિર બનવા જઈ રહ્યું છે તેનો આનંદ છે.

મોટી સંખ્યામાં ટ્રેનો ભરી ભરી લોકો અયોધ્યા જવા નીકળ્યા હતા
ડિસેમ્બર 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડવા માટે દેશના અલગ અલગ રાજ્યો અને શહેરોમાંથી મોટી સંખ્યામાં લાખો લોકો અયોધ્યામાં પહોંચી રહ્યા હતા. મહેસાણાના રહેવાસી દિલીપભાઈ ત્રિવેદી તે સમયે VHPના પ્રાંત સહમંત્રી હતા. "જય શ્રીરામ" ના નારા સાથે માતા-પિતાના આશીર્વાદ લઇ બાળકો અને પત્નીની ચિંતા કર્યા વગર અયોધ્યા જવા ટ્રેનમાં નીકળ્યા હતા. ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ટ્રેનો ભરી ભરી લોકો રામજન્મભૂમિ જવા નીકળ્યા હતા.

મોડી રાતે બાબરીનો ઢાંચો તોડવામાં આવ્યો હતો
રાતે ટ્રેનમાં બેસી ગયા હતા અને બીજા દિવસે સવારે પહોંચ્યા હતા. અયોધ્યા પહોંચ્યા ત્યારે માહોલ જ અલગ હતો. માત્ર જય શ્રીરામના નારા જ સાંભળવા મળતા હતા. મોડી રાતે બાબરીનો ઢાંચો તોડવામાં આવ્યો હતો. દેશના અલગ અલગ શહેરોમાંથી આવેલા લોકો જોડાયા હતા. ઈંટો ઉપાડી અને જ્યાં નાનું મંદિર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું ત્યાં સુધી પહોંચાડી હતી.

દરેક જાહેરાત તમામ ભાષામાં થતી હતી
બાબરી ધ્વંસમાં દેશના દરેક રાજ્ય અને શહેરોમાંથી લોકો આવ્યા હતા. કેટલાક પ્રદેશમાંથી આવેલા લોકો માત્ર તેમની માતૃભાષા જ બોલી અને સમજી શકતા હતા તેઓ હિન્દી ભાષા સમજી શકતા ન હતા ત્યારે એકબીજાને કોઈપણ વાતચીત કરવી હોય તો જય શ્રીરામ બોલી સાંકેતિક ભાષામાં વાતચીત કરતા હતા. જેમ કે જમવાનું હોય તો જમવાની સાંકેતિક ભાષા કરી પૂછતાં હતા. બાબરી મસ્જિદ તોડ્યા બાદ ત્યાં કોઈપણ માહિતી લોકોને આપવામાં આવતી હતી તો તમામ ભાષામાં બોલતા હતા. કોઈપણ જાહેરાત કે માહિતી તમામ ભાષામાં આપવામાં આવતી જેથી લોકો સમજી શકે.

કાનપુર સુધી ટ્રેનમાં આવી પ્લેટફોર્મ પર રાત વિતાવી
બાબરી મસ્જિદ તોડ્યા બાદ મિલિટરી આવી ગઈ હતી અને આખું અયોધ્યા ખાલી કરાવ્યું હતું. લોકોને જ્યાં પણ ટ્રેન જતી હતી એ ટ્રેનમાં બેસી રવાના કરાવતા હતા. આખું અયોધ્યા ખાલી કરાવવાનું હતું જેથી લોકોને રવાના કરતા અમે પણ ટ્રેનમાં બેસી ગયા હતા. કાનપુર સુધી ટ્રેનમાં આવ્યા હતા અને પ્લેટફોર્મ પર રાત વિતાવી હતી. ટ્રેનમાં ગુજરાત પરત જવા ટિકિટ લેવા જ્યારે પ્લેટફોર્મ પર ગયો ત્યારે ટિકિટબારી પર હાજર કર્મચારીએ જોઈને જ કહ્યું કે ટિકિટ લેવાની જરૂર નથી માત્ર જય શ્રીરામ કહી દેજો. ટિકિટચેકર તમને નહી પૂછે. તમામ લોકોને ટ્રેનમાં મફત પોતાના ઘરે પરત મોકલવામાં આવ્યા હતા.

મંદિર નિર્માણ થયા બાદ દર્શન માટે જઈશું
આક્રાતાઓએ 500 વર્ષ પહેલા જ્યારે ભગવાનનું મંદિર તોડ્યું હતું અને આજે ત્યાં જ ફરી ભવ્ય રામમંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ભગવાન રામને ત્યાં બિરાજમાન કરવામાં આવશે અને જીવનમાં તેમના દર્શનનો લાભ મળશે તેનો ખૂબ જ આનંદ છે. કોરોનાની મહામારીના કારણે હાલમાં ત્યાં જવાનો અવસર નહીં મળી શકે પરંતુ મંદિર નિર્માણ થયા બાદ દર્શન માટે જઈશું.

અન્ય સમાચારો પણ છે...