રાજયભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે હવે રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 25મી મેથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. જ્યારે રાજ્યભરમાં હજુ આગામી 4-5 દિવસ સુધી ગરમીમાં રાહત મળશે અને તાપમાનનો પારો 2-3 ડિગ્રી સુધી ઘટવાનો અંદાજ છે.
આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં હળવો વરસાદ પડવાની આગાહી છે. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા અને નગરહવેલીમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં આ દરમિયાન તાપમાનનો પારો 41 ડિગ્રી આસપાસ રહેવાનો અંદાજ છે.
આ વખતે ગુજરાતમાં સામાન્ય ચોમાસું રહેવાની શક્યતા
આ વખતે ગુજરાતમાં સામાન્ય ચોમાસું રહે એમ મનાઇ રહ્યું છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટ પ્રમાણે, ગુજરાતમાં હજુ મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમીનું પ્રમાણ યથાવત્ રહેશે, પરંતુ એમાં સાધારણ વધારો-ઘટાડો નોંધાતો જોવા મળશે. કેરળમાં 26 મેથી ચોમાસાનું આગમન થઇ શકે છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે અને 15થી 20 જૂન વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.
નૈઋત્યના ચોમાસાએ ભારતમાં આગમન કરી લીધું
હવામાન વિભાગ પ્રમાણે, 'નૈઋત્યના ચોમાસાએ ભારતમાં આગમન કરી લીધું છે, જેમાં બંગાળની ખાડીના કેટલાક, જ્યારે આંદામાન-નિકોબાર ટાપુનો સમાવેશ થાય છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કેરળ, કર્ણાટકના દરિયાઈ વિસ્તાર તેમજ મેઘાલય-આસામ-અરૂણાચલ પ્રદેશમાં વરસાદ પડી રહ્યો છે. ઉત્તર-પશ્ચિમ તેમજ મધ્ય ભારતમાં ગરમીની તીવ્રતા ઘટવાનું પણ શરૂ થઇ જશે. કેરળમાં 27 મેથી પહેલી જૂનની વચ્ચે સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાનું આગમન થાય એવી શક્યતાઓ છે. ગુજરાતમાં ગત વર્ષે ચોમાસામાં 32.56 ઈંચ સાથે મોસમનો સરેરાશ 98.48 % વરસાદ નોંધાયો હતો.
બિહાર-આસામ અને કર્ણાટકમાં 57નાં મોત
ચોમાસા પહેલા જ દેશના કેટલાક રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદે વિનાશ સર્જ્યો છે. બિહાર, આસામ અને કર્ણાટક આવા જ ત્રણ રાજ્યો છે, જ્યાં વીજળી પડવાથી અને પૂરના કારણે 57 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. આસામમાં સ્થિતિ સૌથી ખરાબ છે. અહીં બ્રહ્મપુત્રા અને તેની સાથે વહેતી નદીઓમાં આવેલા પૂરે ભારે કહેર મચાવતા વિનાશ સર્જ્યો છે. સેંકડો ગામોએ જળ સમાધિ લીધી છે. 7 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. ખેડુતોનો પાક પણ નાશ પામ્યો છે.
આસામઃ 29 જિલ્લાના 7.12 લાખ લોકો બેઘર થયા
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અનુસાર, રાજ્યના 29 જિલ્લામાં લગભગ 7.12 લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. જમુનામુખ જિલ્લાના બે ગામના 500થી વધુ પરિવારોએ રેલવેટ્રેક પર કામચલાઉ આશરો લીધો છે. એકલા નાગાંવ જિલ્લામાં 3.36 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે, જ્યારે કછાર જિલ્લામાં 1.66 લાખ, હોજઈમાં 1.11 લાખ અને દરાંગ જિલ્લામાં 52709 લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે.
બિહાર: વીજળી પડવાથી 33 લોકોનાં મોત
બિહારમાં શુક્રવારે વાવાઝોડું અને વીજળી પડવાને કારણે 16 જિલ્લામાં ઓછામાં ઓછા 33 લોકોનાં મોત થયાં છે. સીએમ નીતીશ કુમારે દુર્ઘટનામાં મૃતકોનાં પરિવારજનોને રૂ. 4 લાખ સહાય આપવાની જાહેરાત કરી હતી. રાજ્ય હવામાન વિભાગ દ્વારા એવું કહેવાયું છે કે શનિવાર અને રવિવારે કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે. એનું કારણ એ છે કે હવે અહીં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ ગઈ છે.
કર્ણાટકમાં 9નાં મોત
કર્ણાટકમાં પ્રી-મોન્સૂનની દસ્તકને કારણે હાહાકાર મચી ગયો છે. ભારે વરસાદને કારણે સ્થળોએ પાણી ભરાવાને કારણે દુર્ઘટના સર્જાઈ હતી, જેને કારણે નવ લોકોનાં મોત થયાં છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. સાવચેતીના ભાગરૂપે તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRFની ચાર ટીમો તહેનાત કરવામાં આવી છે. વરસાદને કારણે 23 મકાનને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. મહેસૂલમંત્રી આર. અશોકે કહ્યું કે ચિકમંગલુર, દક્ષિણ કન્નડ, ઉડુપી, શિવમોગા, દાવણગેરે, હસન અને ઉત્તર કન્નડ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ બોમ્મઈએ બેંગલુરુના વરસાદથી અસરગ્રસ્ત ઘણા વિસ્તારોની મુલાકાત લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.