આજે ગુરુપૂર્ણિમા:ગુરુ વિના જીવનની સાર્થકતાનો અનુભવ થતો નથી: મહંત સ્વામી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહંત સ્વામી મહારાજ, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા - Divya Bhaskar
મહંત સ્વામી મહારાજ, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા
  • ગુરુપૂર્ણિમા નિમિત્તે સ્વામિનારાયણ સંપ્રદાયના ત્રણ ગુરુ મહંત સ્વામી, સ્વામી માધવપ્રિયદાસજી, ડો. સંતવલ્લભ સ્વામીનો સંદેશ

જીવનમાં આગળ વધવા માટે ભારતીય સંસ્કૃતિમાં ગુરુની મહત્ત્વપૂર્ણ ભૂમિકા માનવામાં આવી છે. ગુરુ જ શિષ્યને માર્ગદર્શન આપે છે અને તે જ જીવનને ઊર્જામય બનાવે છે. ગુરુ પૂર્ણિમાના આ વિશેષ પર્વે બીએપીએસના વડા મહંત સ્વામી, વડતાલ સંપ્રદાયના મહંત ડો. સંતવલ્લભદાસજી અને મેમનગર તથા છારોડી ગુરુકુળના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીએ વિશેષ સંદેશ પાઠવી આશીર્વાદ આપ્યા છે. તેમનો આ સંદેશ અક્ષરશ: રાખ‌વામાં આવ્યો છે.

માતાપિતા બાળકના ભૌતિક શરીરને જન્મ આપે છે, ગુરુ તેનું ઘડતર કરે છે
માતા-પિતા બાળકના ભૌતિક શરીરને જન્મ આપે છે, જ્યારે સાચા ગુરુ પોતાના શિષ્યના આંતરિક શરીરનું ઘડતર કરે છે. એટલે મહાન સંત બ્રહ્માનંદ સ્વામી પોતાના ગુરુને વંદન કરતા કહે છે, ‘ગુરુદેવ મેરો ઘાટ દૂસરો બનાયો હૈ...’ એટલે જ ગુરુમહિમાની ચરમસીમા વર્ણવતા આદિ શંકરાચાર્યજી કહે છે કે, ભલે તમે દુનિયાની ગમે તેટલી મોટી સિદ્ધિ મેળવી હોય, ભલે તમે સુખ-સત્તા-સંપત્તિ-સૌંદર્ય-કીર્તિ-વિદ્યા વગેરેની ટોચ પર પહોંચ્યા હો, પરંતુ સાચા ગુરુના ચરણે જઈને તેમનું શરણું ગ્રહણ કર્યું નથી તો તમે કાંઈ જ કર્યું નથી, કારણ કે ગુરુ વિના જીવનની સાર્થકતાનો અનુભવ ક્યારેય થતો નથી. સનાતન હિન્દુ ધર્મના એવા આદિ ગુરુ વેદવ્યાસજીની સ્મૃતિમાં દર વર્ષે ઊજવાતી ગુરુપૂર્ણિમા આ સંદેશ આપે છે. ગુરુપૂર્ણિમા એટલે ગુરુના એવા અનંત ઉપકારોની સ્મૃતિ કરીને તેમને પ્રસન્ન કરવાની એક તક. ગુરુની આજ્ઞા મુજબ વર્તીને, ગુરુના પગલે ચાલીને, એમના સંદેશને અનુસરીએ એ જ સાચી ગુરુપૂર્ણિમા છે. મહાન ગુરુને અનુસરીએ તેમાં જીવનની ધન્યતા છે. ગુરુપૂર્ણિમાના અવસરે આપણા સમયના મહાન ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દીએ તેઓની સ્મૃતિ થાય છે. તેમનાં ચરણે વંદના સાથે ભારતના તમામ ગુરુવર્યોનાં ચરણે વંદન કરીને સૌને ગુરુપૂર્ણિમાની શુભકામના પાઠવું છું. - મહંત સ્વામી મહારાજ, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા

સ્વામી માધવપ્રિયદાસજી, અધ્યક્ષ, એસજીવીપી
સ્વામી માધવપ્રિયદાસજી, અધ્યક્ષ, એસજીવીપી

‘ગુરુપૂર્ણિમા એટલે સંત પરંપરાને વંદન કરવાનું પર્વ’
ગુરુપૂર્ણિમા એટલે વ્યાસ પૂજનનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે ભારત વર્ષની સંત પરંપરાને વંદન કરવાનું પર્વ, ભારતમાં અનેક પર્વની ઉજવણીમાં ગુરુપૂર્ણિમા ભારતની સંસ્કૃતિનું શિરમોર પર્વ છે. વેદવ્યાસ ભગવાને શ્રીમદ્ ભાગવત આદિ અનેક પુરાણો અને મહાભારત આદિ ઇતિહાસની રચના કરી અને સરળ પ્રસાર માટે વેદના ચાર વિભાગ કરી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખીને ગુરુ સ્થાને મૂકી છે. વેદવ્યાસ ભગવાનના ઉપકારને ભારતીય પ્રજા ક્યારેય ભૂલી શકે તેમ નથી. ગુરુ પૂર્ણિમા એ વ્યાસ ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે. ગહન વેદોને સરળ ભાષામાં સમજાવી લોકભોગ્ય બનાવી ઘેરઘેર પહોંચનાર જો કોઈ હોય તો તે ભગવાન વ્યાસજી છે, જેમાં શ્રેય, કર્મ, ઉપાસના સહિત સંપૂર્ણ જ્ઞાન રહ્યું છે, તે વેદોનું અને ભારતીય સંસ્કૃતિનું રક્ષણ આપણા સૌની ફરજ છે. વિશ્વ જ્યારે અંધકારમાં હતું તે સમયે ભારતમાં જ્ઞાન, ધર્મનો સૂરજ ઝળહળતો રાખનાર હતા જ્યોતિર્ધર વેદ વ્યાસ. - સ્વામી માધવપ્રિયદાસજી, અધ્યક્ષ, એસજીવીપી

ડો. સંતવલ્લભ સ્વામી, મહંત, વડતાલ સંપ્રદાય
ડો. સંતવલ્લભ સ્વામી, મહંત, વડતાલ સંપ્રદાય

‘ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે’
આપણા શાસ્ત્રોમાં ‘ગુ' એટલે અંધકાર અને 'રુ' એટલે તેનો નિરોધક મતલબ પ્રકાશ. ગુરુપૂર્ણિમા એટલે મનુષ્યના જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કરવાનું પર્વ, ગુરુપૂર્ણિમા એ ગુરુ શિષ્યના પ્રેમનું પાવન પર્વ છે. ગુરુના આપણા ઉપરના મહાન ઉપકારોના ઋણ અંગે માત્ર ‘ઋણ સ્વીકાર' અને ‘ઋણ સ્મરણ' જ થઈ શકે. જગતમાં જનની, જનક અને ગુરુનું ઋણ કદી ચૂકવી શકાતું નથી. જીવનમાં દરેકે ગુરુ કરવા જોઈએ. ગુરુ વિના જ્ઞાનદીપ પ્રગટતો નથી અને અજ્ઞાન અંધકારનો નાશ થતો નથી. ગુરુ વિના સત્ય અને અસત્યનો, ધર્મ અને અધર્મનો તથા હિત અને અહિતનો વિવેક સમજાતો નથી. મનુષ્યના પ્રથમ ગુરુ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે. આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે. જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે. ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે. - ડો. સંતવલ્લભ સ્વામી, મહંત, વડતાલ સંપ્રદાય

અન્ય સમાચારો પણ છે...