રામોલમાં BRTSના કર્મચારીની હત્યા:મુખ્ય આરોપી જયરાજસિંહની ખારીકટ કેનાલ પાસેના મેદાનમાંથી ધરપકડ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • BRTS કોરિડાેરમાં કાર ચલાવતા રોકતાં યુવકે જીવલેણ હુમલો કર્યો હતો

રામોલમાં બીઆરટીએસ કોરિડોરમાં કાર ચલાવવા બાબતે બોલાચાલી કરી પોતાના સાથીદારોને બોલાવી બીઆરટીએસના કર્મચારીને જીવલેણ માર મારી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનામાં ક્રાઈમ બ્રાંચે મુખ્ય આરોપી જયરાજ ઉર્ફે પિન્ટુ ચૌહાણની ધરપકડ કરી હતી.

24 જાન્યુઆરીના રોજ સીટીએમ ચાર રસ્તા પાસે રાતના સમયે બીઆરટીએસ કોરિડોરમાં એક વ્યક્તિએ કાર ઘૂસાડી દીધી હતી જે મામલે બીઆરટીએસના બે કર્મચારી સાથે બોલાચાલી થતા કર્મચારીઓને ચાર લોકોએ ભેગા મળી માર મારતા એક કર્મચારી જતીનભાઈનંુ ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યું હતું. આ મામલે રામોલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.

આ કેસમાં બાતમીના આધારે રામોલ પોલીસની ટીમે રામોલ વિસ્તારમાં ખારીકટ કેનાલ પાસે કામધેનુ મેદાનમાંથી મુખ્ય આરોપી જયરાજસિંહ ઉર્ફે જયેશ ઉર્ફે પિન્ટુ વિક્રમસિંહ ચૌહાણ (ઉં.29, નાણાવટીની ચાલી, ખોખરા, મૂળ રાજસ્થાન)ને ઝડપી લીધો હતો.પોલીસે આરોપી પાસેથી એક છરી ત્રણ મોબાઇલ, એક ડોંગલ વગેરે મુદ્દામાલ કબજે કર્યો હતો.

બોલાચાલી થતા મિત્રોને બોલાવી હુમલો કર્યો હતો
જયરાજસિંહની પૂછપરછ કરતા તેણે કહ્યું કે, 24 જાન્યુ.ના રોજ તે સાગરીત આશિષ તોમર સાથે સીટીએમથી જશોદાનગર જવા માટે વર્ના કાર લઈને નીકળ્યો હતો. દરમિયાન બીઆરટીએસ ફાટક બંધ હોવાથી ત્યાં હાજર કર્મચારી સાથે બોલાચાલી થતા તેની કાર અંદર જવા ન દેતા તેણે ફોન કરીને અન્ય સાગરીતો શુભમ મિશ્રા, મહેશ યાદવ તથા યોગેશ રાજપૂતને બોલાવી ત્યાં હાજર બે કર્મચારીઓ પર હુમલો કર્યો હતો.

આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
પોલીસે હાથ ધરેલી તપાસમાં આ કેસનો મુખ્ય આરોપી જયરાજસિંહ અગાઉ રામોલ પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશ તથા ગંભીર પ્રકારના મારામારીના કેસો તેમ જ અમરાઈવાડી, ખોખરા, રામોલ, વટવા જીઆઈડીસી, મેઘરજ, મહિસાગર, હિંમતનગર તથા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના કેસોમાં પકડાયેલો છે.

અન્ય સમાચારો પણ છે...