તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Madhupura Temple Was Established 200 Years Ago By A Ghee Trader From Kapadvanj. The Temple Will Remain Open For Darshan On Navratri.

આજથી નવરાત્રિ:કપડવંજના ઘીના એક વેપારીએ 200 વર્ષ પહેલાં કરી હતી માધુપુરા મંદિરની સ્થાપના, નવરાત્રિમાં દર્શન માટે ખુલ્લું રહેશે મંદિર

અમદાવાદ3 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • કૉપી લિંક
  • ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સાથે માત્ર દર્શન કરી શકશે
  • મંદિરમાં બેસવાની પણ મંજૂરી આપવામાં આવી નથી

આજથી રાજ્યમાં નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. કોરોના મહામારીને કારણે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિ તહેવારને લઈ ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે, જેમાં ગરબા રમવા કે યોજવાની છૂટ આપવામાં આવી નથી, માત્ર એક કલાક માટે પૂજા-આરતીની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે શહેરનાં મંદિરોમાં પણ દર્શનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. શહેરના માધુપુરામાં 200 વર્ષ પહેલાં કપડવંજના એક ઘીના વેપારીએ અંબાજીની મૂર્તિ લાવી મંદિરની સ્થાપના કરી હતી. માધુપુરા અંબાજી મંદિરમાં નવરાત્રિમાં ભક્તો માતાજીનાં દર્શન કરી શકે તેવી ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. નવરાત્રિને લઇને દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવરાત્રિ દરમિયાન મંદિર સવારે 6.30થી રાત્રે 9.30 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સાથે માત્ર દર્શન કરી શકશે. તેમને મંદિરમાં બેસવાની મંજૂરી આપવામાં આવી નથી.

દર્શન કરીને સીધા બહાર નીકળી શકાય એવી વ્યવસ્થા કરાઈ
અંબાજી મંદિરના પૂજારી નીરવ ભટ્ટે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવરાત્રિમાં ભક્તો માટે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મોડી રાત્રે 11 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેતું હતું, એને બદલે રાત્રે 9.30 વાગ્યા સુધી જ ખુલ્લું રહેશે. સવારે અને સાંજે આરતીમાં ભક્તો ભાગ લઇ શકશે નહીં. મંદિરમાં ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરીને સીધા બહાર નીકળી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. માધુપુરા અંબાજી નામના ફેસબુક પેજ પર દરરોજ માતાજીનાં દર્શન કરાવવામાં આવશે.

200 વર્ષ પહેલાં 17 ઘીના બેડા આપી માતાજીની મૂર્તિ ખરીદી હતી
આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો આશરે 200 વર્ષ પહેલાં કપડવંજના નરભેરામ પ્રભુરામ ભટ્ટ નામના ઘીના મોટા વેપારી હતા અને ગામના અગ્રણી વ્યક્તિ માનવામાં આવતી હતી. એકવાર એક શિલ્પકાર કપડવંજમાં અંબાજી માતાની બે મૂર્તિઓ વેચવા માટે આવ્યો હતો. ગામવાસીઓએ નરભેરામની મજાક ઉડાવવા માટે શિલ્પકારને કહ્યું હતું કે તમારી મૂર્તિ નરભેરામ સિવાય કોઇ ખરીદી શકશે નહીં. જેથી શિલ્પકાર નરભેરામ પાસે ગયો હતો અને વાજબી ભાવે મૂર્તિ ખરીદવા કહ્યું હતું. જોકે નરભેરામે આર્થિક સ્થિતિ યોગ્ય ન હોવાથી યોગ્ય પૈસા આપી શકે તેમ નથી, પરંતુ બે મૂર્તિઓના બદલામાં ઘીના 17 ઘડા આપી શકું છું તેમ કહ્યું હતું. શિલ્પકારે એ વાતને સ્વીકારી અને ઘીના 17 ઘડાના બદલે મૂર્તિઓ આપી હતી.

બે મૂર્તિઓ લઈ નરભેરામ અમદાવાદ નીકળ્યા
શિલ્પકાર પાસેથી બે મૂર્તિ લીધા બાદ નરભેરામે ઘર સહિતનો તમામ સામાન વેચી અમદાવાદ નીકળ્યા હતા. રસ્તામાં ઉત્કંઠેશ્વર-દેહગામ રોડ પર નરભેરામે ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિરના પૂજારીને અંબાજીની એક મૂર્તિ આપી હતી. ભગવાન મહાદેવના મંદિરની સામે મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, જે મૂર્તિની આજે પણ પૂજા કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં મંદિર નિર્માણ માટે જમીનનો ટુકડો માગ્યો
અમદાવાદ આવી તેમણે દિલ્હી દરવાજા હઠીસિંગનું મંદિર બનતું હતું ત્યાં ગયા હતા. મંદિરના ટ્રસ્ટીઓને મળ્યા અને અંબાજી માતાની મૂર્તિની સ્થાપના, મંદિર નિર્માણ માટે જમીનનો ટુકડો ફાળવવા વિનંતી કરી હતી. ટ્રસ્ટીઓએ શરત મૂકી હતી કે મંદિર ઉપર અમારો સંપૂર્ણ અધિકાર રહેશે, જેનો નરભેરામે અસ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું, બધી વસ્તુઓ વેચીને મૂર્તિ મેળવી છે. એ કેવી રીતે ટકે અને એની જાળવણીનું શું? ટ્રસ્ટીઓની વાતને નકારી તેઓ માધુપુરા ગામ ગયા હતા.

મંદિર બનાવવાની વાતથી માધુપુરા ગામમાં ખુશી
નરભેરામ માધુપુરા ગયા હતા અને તેમણે મંદિર બનાવવાની વિનંતી કરી હતી. ગામના અગ્રણીઓ નરભેરામની વિનંતીથી ખૂબ પ્રસન્ન થયા હતા અને તરત જ અંબાજી માતાનું મંદિર બનાવવા જમીન આપી હતી. બાદમાં માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. અંબાલાલ બાપુજી ભટ્ટે મંદિરના વિકાસ અને નિર્માણકાર્યની કામગીરી શરૂ કરી હતી, પરંતુ મંદિરના ગુંબજનું નિર્માણ પૂર્ણ થઇ શકે એ પહેલાં તેમનું અવસાન થયું હતું. બાકીનું કાર્ય પૂરું કરી શક્તિપીઠની સ્થાપના પુષ્પરાય અંબાલાલ ભટ્ટ દ્વારા તેમની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો