તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જરા કલ્પના કરો કે તમારા પુત્ર કે પુત્રીએ ધોરણ-10 કે ધોરણ-12ની બોર્ડની પરીક્ષા આપી છે, તેનું પેપર નબળું ગયું છે. હવે એ અને તમે પરિણામની રાહ જોઈ રહ્યા છો અને એકાએક ચેકિંગ સેન્ટરમાંથી ફોન આવે છે કે તમારા સંતાનની ઉત્તરવહી (આન્સર પેપર)માં કેટલીક ભૂલો છે. પરિણામ જાહેર થાય એ પહેલાં તેણે અહીં આવીને ભૂલો સુધારી જવી કે ઘરેથી નવી ઉત્તરવહી લખીને સબમિટ કરી દેવી. આ ફોન તમારા માટે કેટલો આનંદદાયક હોય, તમને ચોક્કસપણે લાગે કે રામરાજ્ય આવી ગયું છે. ના, આ માત્ર નરી કલ્પના નથી. આ આવતીકાલની વાસ્તવિકતા હોઈ શકે છે, કારણ કે આવા કલ્યાણ રાજ્યની શરૂઆત આપણા ચૂંટણીપંચથી થઈ ચૂકી છે. મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોએ ભરેલા ફોર્મ જોઈને ચૂંટણીપંચની દયા એકાએક જાગી ઊઠી અને પંચે સત્તાવાર પરિપત્ર બહાર પાડીને કહી દીધું છે કે ઉમેદવારીપત્રોની ચકાસણી સમયે સોગંદનામામાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ઉમેદવાર નવું સોગંદનામું રજૂ કરી શકશે. ધન્ય હો ચૂંટણીપંચ!
અમારા શિક્ષણ બોર્ડ, અમારી યુનિવર્સિટીઓ અને અમારા પરીક્ષકો તમારા જેટલા દયાળુ નથી હોતા. હે, ચૂંટણીપંચના સાહેબો, ઉમેદવારોને પોતાની વિગતો જોઈ ચકાસવા પાંચ વર્ષનો સમય મળે છે. અમારાં સંતાનોને પરીક્ષામાં તૈયારી કરવા માંડ એક વર્ષનો સમય હોય છે છતાં તેમણે ઉત્તરવહીમાં જે લખ્યું એને પથ્થર કી લકીર સમજીને એનું મૂલ્યાંકન કરી દેવાય છે. ક્યારેક તો બે-પાંચ માર્કની નાનકડી ભૂલના કારણે પૂરતા ટકા નહીં આવતાં વિદ્યાર્થીઓ આપઘાત કરી લે છે.
ચૂંટણીપંચે પરિપત્રમાં લખ્યું છે કે ‘ક્ષતિના કારણોસર કોઈ ઉમેદવારીપત્ર રદ ન થાય’ એટલે આ પગલું લેવાયું છે. વાહ! શું દૂરંદેશી! શું ચિંતા! અદભુત...અદભુત... જેમને સોગંદનામાનાં પાંચ-દસ પાનાંની વિગતો ભૂલ વગર ભરતા આવડતી નથી એ લોકો પાંચ વર્ષ સુધી એકપણ ક્ષતિ વગરના કાયદાઓ અને નિયમો કેવી રીતે બનાવશે, એવો વિચાર જો તમારા મગજમાં આવતો હોય તો સમજી લેજો કે તમે ચૂંટણીપંચના રામરાજ્યમાં રહેવાને લાયક નથી.
હે, ચૂંટણીપંચ તમે જે કલ્યાણ રાજ્ય લાવવાના પ્રયત્નો કરો છો એ કાબિલે તારીફ છે, પણ મનમાં કોઈ ખૂણે એક શંકા જાગે છે. તમારા ચૂંટણીપંચ જેવી માનસિકતા ધરાવતો કોઈ ડોક્ટર એના ઓપરેશન ટેબલ પર પડેલા દર્દીને જોઈને કોઈ ગુંડાને ફોન કરશે અને કહેશે કે ભાઈ તારા કામમાં થોડી ‘ક્ષતિ’ રહી ગઈ છે. આ દર્દી બચી જાય એવું લાગે છે. તારે તારી ‘ક્ષતિ’ દૂર કરવી હોય તો છરી લઈને જરા અહીં આવી જા. તો શું થશે?
સાહેબ, કોઈ તો જોગવાઈ હશે ને? આ સવાલનો કોઈ તો જવાબ હશે ને તમારી (પ્ર)પંચપોથીમાં?
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.