નવરાત્રિ:કળાકારોએ કહ્યું, અમારે મન લાખ્ખોની કમાણી કરતાં શહેરના લોકોનો જીવ વધારે મહત્ત્વનો છે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાયક ગીતા રબારી અને કિંજલ દવે. - Divya Bhaskar
ગાયક ગીતા રબારી અને કિંજલ દવે.
  • અમદાવાદના તબીબો અને ગાયકોએ નવરાત્રીમાં ગરબા રમવા કે નહીં તે અંગે સિટી ભાસ્કર સાથે વાત કરી

લોકોની જીંદગી બચે તે મહત્વનું છે ગરબા તો આવતા વર્ષે પણ કરાય. આવું કહે છે શહેરના જાણીતા ડોક્ટર્સ. તો બીજી તરફ સિંગર્સને પણ લોકોના જીવની તો પડી જ છે પણ તેની સાથે તેમના કલાકારોની રોજીરોટીની પણ ચિંતા સતાવે છે. આ માટે સિંગર્સ અવનવા રસ્તા અપનાવવાનું કહે છે જેથી કોરોના પણ ન ફેલાય અને નાના કલાકારોને પણ રોજીરોટી મળે. સિટી ભાસ્કરે શહેરના જાણીતા ડોક્ટર્સ અને સિંગર્સ સાથે વાત કરી. જાણીએ તેઓ શું કહે છે તે અંગે આ અહેવાલમાં.

શું કહે છે ગાયકો ?
કમાણી કરતાં જીવ મહત્વનો છે: ઐશ્વર્યા મજમુદાર

નવરાત્રીમાં આપણે સ્મીત વેરીને નાચીએ છીએ પણ જો મોંઢા પર માસ્ક હશે તો? એક સિંગર તરીકે લાખ્ખો રૂપિયા નહીં મળે તો ચાલશે પણ લોકોનો જીવ બચે તે જરૂરી છે. નાના પાયે લોકોએ ગરબા કરવા જોઈએ.

કોરાના જેટલી જ ઈન્ડસ્ટ્રીની ચિંતા છે: કિંજલ દવે
મને જેટલી ચિંતા કોરોનાને લઈને તેની સ્થિતીની છે તેટલી જ ચિંતા મારી ઈન્ડસ્ટ્રીના નાના કલાકારોની પણ છે. વચ્ચેનો રસ્તો અપનાવી નાના પાયે ચોક્કસ નિયમો સાથે ગરબા કરી શકાય જેથી નાના કલાકારને રોજી રોટી મળે

જીવ કરતાં શું આર્થિક નુકશાન મોટું છે?: ગીતા રબારી
હું માનું છું કે નવરાત્રીમાં સરકારી ગાઈડલાઈનનું બરાબર પાલન થવું જોઈએ.આજે માત્ર અમને ગાયકોને જ નહીં અમારી સાથે મંઝીરાવાળા, તબલાંવાળા અને સાઉન્ડવાળા બધાને નુકશાન છે પણ જીવથી મોટું કંઈ નથી.

નાના કલાકારની રોજીનું વિચારે ગાયકો: ડો.પાર્થ ઓઝા
હું તો ડોક્ટર છું અને ગાયક પણ.સિંગર તરીકે નુકશાનીના આંકડામાં નહીં પડું પણ ડોક્ટર તરીકે ચોક્કસ કહીશ કે લોકોનું જીવન મૂલ્યવાન છે. આ વખતે નાના પ્લેટફોર્મ પણ કે ડિજીટલ પ્લેટફોર્મ પર ગરબાની મઝા લઈ શકાય.

નુકશાન ભલે જાય, કોરોનામાં સાચવજો: સૌમિલ મુન્શી
હું માનું છું કે મોટા પાયે ગરબા તો ન થવા જોઈએ. આ કોરોના છે જે ગમે તેને ભરડામાં લઈ લે છે. પછી ભલે વ્યક્તિગત રીતે મને નુકશાન જાય. નવરાત્રીમાં યુવાધન હિલોળે ચઢે છે અને ફિયાસ્કો થાય તો આપણે તેની કિંમત ન ચૂકવી શકીએ.

શું કહે છે તબીબો ?
અમારી અપીલ છે કે ગેધરિંગ ન થાય: ડો.ધિરેન મહેતા

નવરાત્રિ કરવી જોખમી છે. અમે સરકારને ફક્ત એટલી અપીલ કરીશું કે તેઓ કોઈ પણ ગેધરીંગ થવા ના દે કારણ કે જો આવા ગેધરીંગ થશે તો ડોક્ટર તો હશે પણ હોસ્પિટલોમાં શહેરીજનોને બેડ મળવા મુશ્કેલ પડી જશે.

ઓનલાઇન ગરબાથી રોજગારી આપો: પદ્મશ્રી ડો.પંકજ શાહ
આ સમયમાં કોઈપણ પ્રકારના મેળાવડા ન થાય એ લોકોની તંદુરસ્તી માટે જરૂરી છે. ઓનલાઇન માધ્યમનો ઉપયોગ કરીને એકબીજાથી દૂર રહીને ઓનલાઇન ગરબામાં પણ ટિકિટનું આયોજન કરી શકાય.

નવરાત્રીની ઉજવણી તો મોકુફ જ રાખવી જોઈએ: ડો. રાકેશ જોષી, સિવિલ હોસ્પિટલ
કોરોનાના કહેર વચ્ચે નવરાત્રિની ઉજવણી મોકૂફ રાખવી જોઈએ. અનલોક- ૪ પછી છેલ્લા પંદર દિવસમાં કોરોના કેસમાં સમગ્ર અમદાવાદમાં વધારો થઇ રહ્યો છે. કલાકારો ની વ્યથા સમજી શકાય એવી છે.

કલાકારની આર્થિક તંગી માટે સરકારે વિચારવું રહ્યું: પદ્મશ્રી ડો. સુધીર શાહ -ન્યુરોલોજીસ્ટ
કોરોનાનો ભરડો વધી રહ્યો છે. લોકોને ગરબા કરવા છે પણ નવરાત્રી થોડા મહિના પછી પણ ઉજવી શકાય. હમણાં ઉત્સવને બદલે આપણે આ મહામારીને કંટ્રોલ થવા દેવી પડે તે જ આપણા સૌના હિતમાં છે.

હાલ અંતર નથી રખાતું, નવરાત્રીમાં શું રાખશો?: ડો.મોના દેસાઈ,પ્રેસિડેન્ટ,એએમએ
નવરાત્રિ ના કરવા અમે ફક્ત સરકારને અપિલ કરી હતી. ફક્ત આર્ટિસ્ટને બેકારી નથી આવી ઘણા લોકોને અસરપડી છે. લોકો અત્યારે સોશ્યલ ડિસ્ટસિંગ નથી રાખતા તો પછી નવરાત્રિમાં શું ધ્યાન રાખશે ?

અન્ય સમાચારો પણ છે...