બે અઠવાડિયાં પહેલાં અમદાવાદમાંથી MD ડ્રગ્સના જથ્થા સાથે ગુજરાતની સૌથી મોટી ડ્રગ્સ-ડીલર અમીનાબાનુ પકડાઈ હતી. અમીના અને તેના સાગરીતની અમદાવાદ SOG ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન હવે અમીનાએ SOG સામે ઘણા ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા છે. કઈ રીતે લતીફના દારૂના ધંધામાં જોડાયાથી માંડીને અત્યારે ડ્રગ્સનું નેટવર્ક ફેલાવ્યું એની કહાણી કોઈ વેબસિરીઝની પર્ફેક્ટ સ્ક્રિપ્ટ જેવી છે, પરંતુ અમીનાને એક અફસોસ પણ છે કે જે દીકરાઓ માટે આ ધંધો કર્યો તે જ હવે સત્ય જાણીને તેની સામું પણ નથી જોતા.
ડ્રગ્સ કનેક્ટિવિટીમાં પાવરધી છે અમીના
આ અંગે SOGના ડીસીપી જયરાજસિંહ વાળાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું, અમીના ડ્રગ્સનો ધંધો ખૂબ માઇક્રો લેવલે કરતી હતી, જેથી મોટા જથ્થામાં ડ્રગ્સ પકડાયું નહીં, પરંતુ તે મહિને દોઢ કિલોથી વધુ ડ્રગ્સ વેચતી હતી, જેની કિંમત કરોડોમાં થાય છે. અમીના સાથે અન્ય ડ્રગ્સ કનેક્ટિવિટીના પણ પુરાવા મળ્યા છે, આગામી સમયમાં વધુ ગુનેગારો અમારા સકંજામાં હશે.
કદી મોટા જથ્થામાં ધંધો કરવાનો જ નહીં
અમીના એક બૂટલેગરથી માંડીને અત્યારે ગુજરાતની કઈ રીતે સૌથી મોટી ડ્રગ-ડીલર બની એની વિગતો ખૂલવા લાગી છે. ડોન અમીનાએ ડ્રગ્સ વેચવાનું એક નવું જ મોડલ ઊભું કર્યું છે. જો નાનો જથ્થો પણ પકડાય તો સામાન્ય કેસ થાય છે, જેથી આ મોડલ અપનાવીને અનેક ગુનેગારો અને ડ્રગ્સના ધંધામાં ઘૂસી ગયા છે. એક સમયે બેરોજગારો લતીફની ચુંગાલમાં ફસાઈ એ રીતે ફસાયાને નશો કરવા લાગ્યા અને ખર્ચા માટે ડ્રગ્સ-પેડલર બનવા લાગ્યા છે. તેને ડ્રગ્સ-પેડલર બનાવનાર બીજું કોઈ નહીં અમદાવાદની મહિલા ડોન અમીના છે.
બેરોજગારોને ધંધામાં લગાડવાનું સૂત્ર અપનાવ્યું
80ના દાયકામાં જ્યારે ડોન લતીફનો સિતારો બુલંદ હતો ત્યારે અમદાવાદ શહેરમાં નાના નાના લોકો બૂટલેગર બની ગયા હતા. જે યુવાનને નોકરી ના મળે તે લતીફ પાસે જતા અને લતીફ જાણે મસીહા હોય એ પ્રમાણે કોઈને પણ કામ આપતો હતો, પરંતુ તે કોઈ સારું કામ નહીં, પણ દારૂની ખેપ મારવાનું અને અડ્ડા પર ધ્યાન રાખવાનું કામ સોંપતો હતો. કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિમાં સક્રિય કરવા માટેનું આ મોડલ જોઈને જ ગુનાખોરીની દુનિયામાં આગળ વધનારી અમીના ડોને હવે આ મોડલ ડ્રગ્સમાં અપનાવી લીધું છે.
કામ માગે તેને પહેલા એડિક્ટ, પછી પેડલર બનાવવાનો
લતીફના સમયમાં જ દારૂનો ધંધો કરતી અમીના ડોન ગુજરાતની સૌથી મોટી મહિલા ડ્રગ્સ-ડીલર બની ગઈ છે, તેને ત્યાં એક-બે નહીં પણ ડ્રગ્સ-પેડલરોની ફૌજ છે. જે દિવસમાં અલગ અલગ જગ્યાએ ડ્રગ્સ સપ્લાય કરવાનું કામ કરે છે. પહેલા કોઈ રખડતાભટકતા યુવાન અમીનાના સંપર્કમાં આવે, ત્યાર બાદ તેને કામ આપી ડ્રગ્સ-પેડલર બનાવી દે છે. પહેલા તેને ડ્રગ્સ-એડિક્ટ બનાવવામાં આવે છે, પછી ડ્રગ્સના ધંધામાં ખૂબ પૈસા છે એમ સમજાવી હેરાફેરીના ધંધામાં લગાવી દે છે.
એકવાર ડિલિવરી કરે તે ક્લાયન્ટને પેડલર ન મળે
એક વખત અમીનાના સંપર્કમાં આવ્યા બાદ ડ્રગ્સની અંધારી દુનિયામાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ છે. SOGએ જ્યારે અમીનાની ધરપકડ કરી ત્યારે તેને નવા મોડલની જાણ થઈ. અમીના જાણતી હતી કે ડ્રગ્સનો મોટો જથ્થો પકડાશે તો તેના પર મોટો કેસ થશે, જેથી તે મહિનામાં દોઢથી બે કિલો ડ્રગ્સ વેચતી હતી, પણ તેને વેચનારા સેંકડો લોકો છે. ડ્રગ્સનું નેટવર્ક ઝડપાઈ નહીં એ માટે એક વખત જે પેડલર ક્લાયન્ટને ડ્રગ્સ આપવા જાય તે બીજી વખત તેના સંપર્કમાં ના આવે એનું ખાસ ધ્યાન રાખતી હતી.
મોજ-શોખ પાછળ પળવારમાં લાખો ખર્ચી નાખતી
SOG પાસેથી મળતી માહિતી પ્રમાણે, અમીના જ્યારે આવી ત્યારે તેનાં અનેક રહસ્યો સામે આવ્યાં, જેમાં તેના ખૂબ જ મોંઘા મોજશોખનો પણ ઘટસ્ફોટ થયો છે. અમીનાને અલગ અલગ જગ્યાએ ફરવું અને મોંઘી હોટલોમાં રોકાવાનો શોખ છે, જેની પાછળ તે લાખો રૂપિયા ખર્ચતી હતી. તે એટલી હદે ડ્રગ-એડિક્ટ થઈ ગઈ છે કે તે એક જગ્યાએ 10 મિનિટ બેસી પણ શકતી નથી. માત્ર એટલું જ નહીં, લથડિયા પણ ખાવા લાગે છે. પૂછપરછમાં તે કહેતી હતી કે સાહબ, મેરે બચ્ચે ભી અબ મુજસે બાત નહીં કરતે, ક્યું કે ઇસ ધંધે સે કઈ પરિવાર કે બચ્ચે બરબાદ હો ગયે હૈ. સબ કુછ અચ્છા નહીં હૈ મગર ધંધા કરતે હૈ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.