દર્દીઓને રાહત મળશે:ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસની રૂ.50 હજારથી 5 લાખના ખર્ચે નવીનતમ સારવાર, હવે દર્દીઓને દરરોજ પડતી મુશ્કેલીઓમાંથી છૂટકારો મળશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ્યુકરમાઈકોસિસ રિહેબિલિટેશન સોસાયટી ઓફ ઈન્ડિયાના સભ્યો - Divya Bhaskar
મ્યુકરમાઈકોસિસ રિહેબિલિટેશન સોસાયટી ઓફ ઈન્ડિયાના સભ્યો
  • મ્યુકરમાઈકોસિસ રિહેબિલિટેશન સોસાયટી ઓફ ઈન્ડિયા ઈમિડિયેટ ફંક્શનલ લોડિંગ નામની નવી સારવાર લાવી

કોરોનાની સાથે મ્યુકરમાઈકોસિસ નામની બીમારી સામે આવતા લોકોમાં ભય ફેલાયો હતો. કોરોનાની બીજી લહેર પછી જોવા મળેલા આ ખતરનાક રોગના લીધે અનેક દર્દીઓએ જડબા, દાંત અને આંખો ગુમાવવાનો વારો આવ્યો છે. મ્યુકરમાઈકોસિસમાં આ અંગો કઢાવતાં અનેક દર્દીઓ માનસિક રીતે ભાંગી પડે છે. આ દર્દીઓને આશાનું નવું કિરણ આપતાં જાણીતા ઓરલ અને મેક્સિલોફેસિયલ સર્જન ડો. કિરણ પટેલના નેતૃત્વ હેઠળના મ્યુકરમાઈકોસિસ રિહેબિલિટેશન સોસાયટી ઓફ ઈન્ડિયા નામની સંસ્થા ઈમિડિયેટ ફંક્શનલ લોડિંગ (IFL) તરીકે ઓળખાતી એક નવીનતમ સારવાર લઈને આવી છે. આ સારવારની મદદથી દર્દીઓને રોજબરોજ પડતી મુશ્કેલીઓમાં છૂટકારો મળશે અને તેઓ ફરીથી સામાન્ય જીવન જીવી શકશે. આ સારવારનો ખર્ચ રૂ. 50,000થી રૂ. પાંચ લાખ સુધીનો આવી શકે.

ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસના 6,731 કેસ નોંધાયા
મ્યુકરમાઈકોસિસ રિહેબિલિટેશન સોસાયટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ ડો. કિરણ પટેલે જણાવ્યું હતું કે, તાજેતરના આંકડા મુજબ ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસ ઈન્ફેક્શનના 6,731 કેસો નોંધાયા છે. આ ચેપથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યાના મામલે ગુજરાત 656 દર્દીઓના મૃત્યુ સાથે દેશમાં બીજા ક્રમે છે. જે દર્દીઓએ આ ચેપના કારણે જડબા, દાંત અને આંખો જેવા મહત્વના અંગો ગુમાવવા પડ્યા છે તેઓ દુઃખદાયક અને કંટાળાજનક જિંદગી જીવી રહ્યા છે. નવીનતમ ઈમિડિયેટ ફંક્શનલ લોડિંગ (IFL) સારવારની મદદથી દર્દી એક જ અઠવાડિયામાં સામાન્ય જીવન તરફ પાછો વળી શકે છે.

દર મહિને રિહેબિલિટેશન માટે 60થી 70 ઇન્કવાયરી
તે આરામથી ભોજન ચાવી શકે છે અને બોલવામાં પણ કોઈ તકલીફ પડતી નથી. ઉપરાંત, તેના ચહેરાના દેખાવમાં પણ નોંધપાત્ર ફેરફાર થાય છે અને વ્યક્તિ વધુ યુવાન લાગે છે. આઈએફએલ સારવારનો ખર્ચ રૂ. 50,000થી રૂ. પાંચ લાખ સુધીનો આવી શકે છે. આ ખર્ચને મેડિકલ ઈન્શ્યોરન્સ કવર હેઠળ આવરી લેવા માટે સંસ્થા સરકારને રજૂઆત કરવાની યોજના બનાવી રહી છે. આ પહેલથી કોરોનાની સારવાર પછી નાણાંકીય તંગીનો સામનો કરી રહેલા દર્દીઓને મોટી રાહત મળશે. અત્યારે તેઓ પાસે દર મહિને રિહેબિલિટેશન માટે 60થી 70 ઇન્કવાયરી આવે છે. જેમાં 60 ટકા ઇન્કવાયરી વધુ 45થી 60 વર્ષના લોકોની, 30 ટકા 60થી 80 અને 10 ટકા જેટલી 30થી 45 વર્ષના લોકોની આવે છે.

10 કેન્સરના દર્દીના જડબા કાઢ્યા બાદ આ સારવાર આપી
થોડા મહિના પહેલા મ્યુકરમાઈકોસિસના કેસો બહાર આવવા લાગ્યા તેના પહેલાં પણ અમે અનેક દર્દીઓને આ આઈએફએલ સારવાર પૂરી પાડી હતી. કેન્સરના લગભગ 10 દર્દીઓ જેમને સર્જરી પછી તેમના જડબા કાઢી નાખવામાં આવ્યા હતા તેમને આ સારવાર અપાઈ હતી અને હવે તેઓ સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવી રહ્યા છે. આ પૈકીનો એક કેસ પ્રતિષ્ઠિત અમેરિકન જર્નલ 'ધ જર્નલ ઓફ પ્રોસ્થેટિક ડેન્ટિસ્ટ'માં પણ પ્રસિદ્ધ થયો છે એમ ડો. પટેલે જણાવ્યું હતું. મ્યુકરમાઈકોસિસ રિહેબિલિટેશન સોસાયટી ઓફ ઈન્ડિયા એ અમદાવાદમાં નોંધાયેલી સંસ્થા છે જે મ્યુકરમાઈકોસિસ ચેપ અંગે જાગૃતતા ફેલાવે છે, તેના અંગે પ્રવર્તતી ભ્રમણા દૂર કરે છે અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે સોલ્યુશન્સ પૂરા પાડે છે.

આ રીતે થાય છે સારવાર
મ્યુકરમાઈકોસિસ એક ગંભીર પરંતુ જ્વલ્લે જ જોવા મળતો ફૂગનો ચેપ છે જે મ્યુકરમાઈસિટેસ તરીકે જાણીતા મોલ્ડ્સના લીધે થાય છે. મ્યુકરમાઈકોસિસ એવા લોકોને વધુ અસર કરે છે જેમને પહેલેથી કોઈ આરોગ્યને લગતી સમસ્યા છે અથવા દવાઓ લે છે જેના લીધે વિષાણુઓ તથા બીમારી સામે લડવા માટે શરીરની ક્ષમતા ઘટી જાય છે. આ સારવાર હેઠળ ડોક્ટર્સ ઓબ્ટ્યુરેટરની મદદથી ફિક્સ્ડ ટૂથ અને બોન ફિક્સ્ચર અને ત્યારબાદ તેના પર પ્રોસ્થેસિસ મૂકીને આંખનો ડોળો, નાક, કાન જેવા કોસ્મેટિક અંગો મૂકે છે. સર્જરી વિનાની આ સારવારમાં ચારથી પાંચ દિવસનો સમય લાગે છે અને તેમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી નથી. એક વખત કામચલાઉ સારવાર પૂરી થઈ જાય પછી દર્દીએ ત્રણ મહિના પછી ફરીથી ચેકઅપ કરાવવું પડે છે. જો દર્દીને મ્યુકરમાઈકોસિસનો કોઈ ચેપ ન જણાય તો પછી કાયમી નિરાકરણ લાવવામાં આવે છે જેથી તે ફરીથી સામાન્ય જીવન જીવી શકે.