ગુજરાતમાં આંતરાષ્ટ્રીય કક્ષાના ખેલાડી તૈયાર કરવા લગભગ 7 એકરની જગ્યામાં ખોખરામાં પ્રથમ અને સૌથી મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થયું હતું. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 5 વર્ષમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની 6 ગેમ રદ કરી સ્વિમિંગ પુલની કામગીરી શરૂ થઈ હતી. જોકે પુલનું કામ પણ ચાર વર્ષથી બંધ છે. પુલ પાછળ અત્યાર સુધી ત્રણ કરોડ ખર્ચાઈ ગયા છે.
રાજ્ય સરકારે વર્ષ 2007માં 11 જિલ્લાઓમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ બનાવવા જાહેરાત કરી હતી. જેમાં ખોખરાના સ્પોર્ટ્સ સંકુલનો પણ સમાવેશ થયો હતો. પહેલા દિવસથી અહીં સૌથી વધુ 13 જેટલી આંતરાષ્ટ્રીય રમતોના ખેલાડી પ્રેક્ટિસ કરી શકે તે માટે ઈનડોર અને આઉટડોર ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું હતું.
સમયાંતરે એક પછી એક આંતરાષ્ટ્રીય ગેમ્સ અહીં રદ કરાઈ હતી. આ કારણે ઝોન, સ્ટેટ અને નેશનલ ગેમ્સની પ્રેક્ટિસ કરતા ખેલાડીઓ આવતા બંધ થયા હતા. રાઈફલ શૂટિંગ ગેમમાં વર્લ્ડ ચેમ્પિયન બનેલી અમદાવાદની ઈલાવેનિલ વાલારિવન પ્રેક્ટિસ માટે આવી ચૂક્યા છે. વધુ પ્રેક્ટિસ માટે તે પુના ગયા હતા.
કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં હાલ સવાર અને સાંજ બંને શિફ્ટમાં શોખ ખાતર જુદી જુદી ગેમ રમવા આશરે 250 જેટલા લોકો આવે છે જેમાંથી ગેમની રિયલ પ્રેક્ટિસ માટે તો 10 કરતા પણ ઓછા ખેલાડી આવે છે. રમત વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અહીં ક્યારેય ગાંધીનગરના અધિકારીઓ વિઝિટ કરતા નથી.
કાયમી કોચ પણ ટ્રેનિંગ લેવાવાળા નથી
સ્વિમિંગ પુલ બનવાના કારણે 6 જેટલી આઉટડોર ગેમના ખેલાડીઓ માટેનું મેદાન છીનવાઈ ગયું છે. 2017માં પુલ માટે ત્રણ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. છેલ્લા ચાર વર્ષથી તો પુલનું કામ સાવ બંધ હાલતમાં છે. બજેટના રૂપિયા અધિકારીઓની કટકીમાં પૂરા થઈ ગયા છે. હવે જ્યાં સુધી બજેટમાં વધારો નહીં થાય ત્યાં સુધી સ્વિમિંગ પુલનું કામ આગળ વધી શકે તેમ નથી. ગુજરાતમાં જુદી જુદી રમત માટે 120 જેટલા કાયમી કોચ છે. જેમને સરકાર 48 હજાર પગાર ચૂકવે છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટ ઉપર કોચ અને ટ્રેનર રાખવામાં આવેલા છે.
આ રમતના ખેલાડી આવતા બંધ થયા
રમત | પહેલા | હાલ |
કુશ્તી | 20-30 | 4-5 |
જુડો | 35-40 | 4-5 |
ટેબલ ટેનિસ | 45-50 | 4-5 |
રાઈફલ શૂટિંગ | 3-4 | 0 |
બેડમિન્ટન | 10-15 | 3-4 |
બોક્સિંગ | 40-45 | બંધ |
બાસ્કેટ બોલ | 5-10 | બંધ |
વોલીબોલ | 10-15 | બંધ |
કબડ્ડી | 30-40 | બંધ |
રનિંગ | 10-15 | બંધ |
ઉંચી કૂદ | 5-10 | બંધ |
લાંબી કૂદ | 10-15 | બંધ |
ગોળા ફંેક | 5 | બંધ |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.